આજે ધનતેરસ! બજારોમાં ગ્રાહકોનો ભારે ઘસારો
સોની બજાર, ઇલેકટ્રોનિક માર્કેટ, પરાબજાર, પેલેસ રોડ, ગુંદાવાડી, ધર્મેન્દ્ર રોડ સહિતની મુખ્ય બજારમાં દિવાળી ખરીદીની રોનક જામી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટમાં દિવાળી પર્વનો માહોલ જામ્યો છે. આજે ધનતેરસના દિવસે લોકો વણજોયા મુહૂર્તમાં સોના-ચાંદી, વાહનો, ઇલેકટ્રીકલ સાધનોની ખરીદી કરી રહ્યાં છે. તેમજ મકાનોના દસ્તાવેજો પણ કરી રહ્યાં છે. બજારમાં ખરીદી કરવા માટે લોકો ઉમટી પડતા વિવિધ બજારમાં રોનક જોવા મળી રહી છે.
શહેરના જૂના અને જાણીતા બજાર વિસ્તારો જેવા કે લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ગુંદાવાડી, ઘી કાંટા રોડ, ભૂપેન્દ્ર રોડ અને પેલેસ રોડ પર લોકોની ભારે ગીરદી જોવા મળી રહી છે.
પરિવારો દિવાળી પર્વ માટે ઘરની સાફસફાઈ, રંગરોગાન, સુશોભન અને નવી ચીજવસ્તુઓની ખરીદી માટે બજારમાં ઉમટી રહ્યા છે. ખાસ કરીને કપડાં, બુટ-ચંપલ, ઘરવખરી તેમજ ગૃહસુશોભનની વસ્તુઓની મોટી પ્રમાણમાં સખત ખરીદી થઈ રહી છે. વેપારીઓ દ્વારા બજારોમાં આકર્ષક રોશની કરવામાં આવી છે, જે રાત્રિના સમયે ઝગમગી ઉઠે છે. આ ઝગમગાટ જોવા અને સાથે ખરીદી કરવાનો લાભ લેવા લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા હોવાથી વેપારીઓમાં ખુશી વ્યાપી છે.
ધર્મેન્દ્ર રોડ વેપાર એસોસિયેશનના જણાવ્યા અનુસાર, દિવાળી પૂર્વેમાં મોડી રાત સુધી લોકોની અવરજવરથી બજારો ધમધમતી રહી હતી. શાળાઓમાં બાળકોનું દિવાળી વેકેશન શરૂ થતાં જ ખરીદીમાં બમ્પર વધારો થયો છે અને વેપાર-ધંધાને વધુ વેગ મળ્યો છે.
બીજી તરફ, લાખાજીરાજ રોડ વેપારી એસોસિયેશનના જણાવ્યા મુજબ બજારમાં ચિક્કાર ગીરદીના કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ સર્જાઈ હતી. રસ્તાઓ પર વાહનોની ભીડ અને પાથરણાવાળાઓને મળેલી મંજૂરીના કારણે પગપાળા ચાલનારા ગ્રાહકોને મુશ્કેલી પડી હતી. આમ છતાં, લોકોનો ખરીદી પ્રત્યેનો ઉત્સાહ યથાવત રહ્યો છે. ટ્રાફિક અને જગ્યાની અગવડતા વચ્ચે પણ લોકોએ ઉત્સાહપૂર્વક પોતાની જરૂરિયાત મુજબ ખરીદી ચાલુ રાખી છે.
બજારમાં ઘર સુશોભન માટે લાઈટિંગ સિરીઝ, આર્ટિફિશિયલ ફ્લાવર, તોરણ, લાભ-શુભના સ્ટિકર, દીવડા, કંડિલ અને ઝુમ્મરની ધૂમ વેચાણ થઈ રહી છે. આ ઉપરાંત ફટાકડા, નવ વસ્ત્રો અને ભેટસોગાદોની ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે. રવિવારે દિવાળીનો તહેવાર હોવાથી બજારો મોડી રાત સુધી ખુલ્લી રાખવામાં આવશે અને છેલ્લી ઘડી સુધી ગ્રાહકોનો ભારે ધસારો રહેવાની શક્યતા છે.


