હિરાસર આંતરરાષ્ટ્રીય હવાઇ મથકના ડાયરેકટર પદેથી ધનંજયકુમાર સિંઘને તાકીદે હટાવાયા
કાર્ગો વિભાગમાં પાણી ભરાઇ જવુ, રન-વે પર પક્ષીઓ ઉડાડવા ફટાકડા ફોડવા સહિતની ઘટના બનતા કાર્યવાહીની ચર્ચા : સંજય અગ્રવાલને હવાલો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટનું હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ નામ પૂરતું જ ઈન્ટરનેશનલ હોય તેમ અવારનવાર વિવાદોથી ઘેરાયેલું રહે છે. તાજેતરમાં જ એટલે કે 12 ઓક્ટોબરે હિરાસર એરપોર્ટમાં ડિરેક્ટર ધનંજય કુમાર સિંઘે ચાર્જ સંભાળ્યો હતો. પરંતુ 24 દિવસમાં જ તેમને ડાયરેક્ટર પદેથી હટાવી દેવામાં આવ્યા છે. હવે તેમને રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટના કોમર્શિયલ વિભાગમાં મુકી દેવાયા છે.
28 ઓક્ટોબરે રન-વે પર પક્ષીઓ ઉડાવવા માટે ફટાકડા ફોડાતા ત્યાં સુકા ઘાસમાં આગ લાગી હતી. આ જ સમયે દિલ્હીથી એર ઈન્ડિયાની 100 મુસાફરો સાથેની ફ્લાઈટ ઉતરાણ માટે પ્રયાસ કરી રહી હતી. પરંતુ લેન્ડિંગ મંજૂરી ન મળતા હવામાં બે ચક્કર મારી અંતે વડોદરા ડાયવર્ટ કરવામાં આવી હતી. આ ફ્લાઈટમાં સિવિલ એવિએશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરી સમીરકુમાર સિંઘા પણ સવાર હતા, જેઓ કેશોદ નવા એરપોર્ટના ઈન્સ્પેક્શન માટે આવી રહ્યા હતા. ઉચ્ચ અધિકારીને લેન્ડિંગ સમયે કડવો અનુભવ થતાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા આ કડક પગલું ભરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.
તાજેતરમાં જ એરપોર્ટના કાર્ગો વિભાગમાં પાણીની પાઈપ લીક થતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેને કારણે કામીગીરી ઠપ્પ થતી બે લાખ રૂપિયાનો ચાર ટન સામાન લોડ થઈ શક્યો નહોતો. આ માટે પણ ધનંજય કુમાર સિંઘ જવાબદાર હોવાનું એરપોર્ટના સુત્રોએ જણાવ્યું છે.
અગાઉ રાજકોટ એરપોર્ટના ડાયરેક્ટર દિગંત બોરાહની બદલી થતાં, જામનગર એરપોર્ટ પર ડીજીએમ કોમર્શિયલ તરીકે ફરજ બજાવતા ધનંજયકુમાર સિંઘને પ્રમોશન આપીને ૧૨ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ તાજેતરની ઘટના બાદ તેમને ડિગ્રેડ કરીને એરપોર્ટ પર કોમર્શિયલ વિભાગના હેડ તરીકે મૂકી દેવામાં આવ્યા છે. તેમની ખાલી પડેલી જગ્યા પર સીએનએસ વિભાગના સંજય અગ્રવાલને ચાર્જ સોંપવામાં આવ્યો છે. જોકે સંજય અગ્રવાલ આગામી ૧૨ નવેમ્બર સુધી રજા પર હોવાથી, તેમની ગેરહાજરીમાં એટીસી (ATC) વિભાગના અધિકારી ભાસ્કર સૌદાગરને કાર્યકારી ડિરેક્ટર તરીકેનો હવાલો સોંપાયો છે.


