બિનખેતી શાખામાં મળતિયાઓ પાસે કામગીરી કરાવતા અધિકારી સામે કાર્યવાહી કરવા માંગ
એક એકરના એક લાખ વસુલી ભ્રષ્ટાચાર કરતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ : કલેકટરને રજૂઆત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ કલેકટર ઓફીસના ફલોર પર સી.સી. ટીવી કેમેરાથી સજજ બિનખેતી વિભાગની ઓફીસ આવેલ છે તે વિભાગની અંદર નાયબ મામલતદાર તરીકે મુકેશભાઈ રાઠોડ ફરજ બજાવે છે. છેલ્લા ઘણા વખતથી આ ઓફીસમાં સરકારી કચેરીના ટેબલ પર બેસીને ૩ બહારની વ્યક્તિઓ (૧) વિજય પરમાર (૨) ટી. બી. લીંબાસીયા તથા (૩) પ્રકાશભાઈ સોલંકી દ્વારા ફાઈલો જોવી, અરજદારને સાંભળવા અને ફાઈલ અંગે બીજા કર્મચારીને સુચના આપવા અંગેનું કામ કરી રહ્યા હતા. અમારા પાસે એવી પણ રજૂઆત આવી છે કે શહેરી વિસ્તારમાં બિનખેતી માટે આવનારી ફાઈલોનો ભાવ એક એકરે રૂા. ૧.૨૫ લાખ તથા બહારના ગ્રામીણ વિસ્તારમાં બિનખેતી માટે એક એકરના રૂા. ૧ લાખ લેખે વસુલવાનું સુયોજીત રીતે ભ્રષ્ટાચારની કામગીરી કરતા હતા.
કલેકટરની તમામ ઓફીસોમાં સી.સી. ટીવી હોવા છતાં બિનઅધિકૃત વ્યક્તિઓની સતત હાજરી, ટેબલ પર બેસવું અને તમામ પ્રકારના વ્યવહાર કરવાની કામગીરી આપના ધ્યાન પર નહીં આવેલ હોય તેવું જણાતા આશ્ચર્ય થાય છે. આપની ઓફિસમાં આ પ્રકારનો ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થતો હોવા છતાં કોઈપણ પ્રકારની બીક વગર એક નાયબ મામલતદાર અધિકારી અને તેના મળતીયાઓ ભ્રષ્ટાચારને પોષી રહ્યા હતા તેવી ગુન્હાહિત પ્રવૃત્તિઓને તાત્કાલિક ધોરણે સરકારી કર્મચારીઓના ધારા-ધોરણ અને નિયમોને ધ્યાને રાખી આ નાયબ મામલતદાર ઉપર કાયદેસરની ભ્રષ્ટાચાર વિરોધી તથા અન્ય નિયમો મુજબ ગેરરીતિઓને આચરવાની બાબતે કડકમાં કડક કાર્યવાહી કરી તેની સામે ફોજદારી રાહે તથા અન્ય નિયમોને આધારે થતી કાર્યવાહી કરવા અમારી માગણી છે.
બહારની વ્યક્તિઓને સરકારી ફાઈલો ઉપર તપાસ કરી અને પોતાનો અભિપ્રાય આપી અને તે મુજબની કામગીરી કરાવવાની પ્રથા ગેરકાયદેસર અને ભ્રષ્ટાચારને પોષનારી છે. મુકેશભાઈ રાઠોડ દ્વારા બહારના વ્યક્તિઓ પાસે પોતે સરકારી કામગીરી કરાવતા હતા તે બાબતનો સ્વીકાર કર્યો હોવા છતાં આપના દ્વારા આજ દિવસ સુધી બિનખેતી વિભાગમાંથી તાત્કાલિક અસરથી તેની બદલી કરવામાં આવેલ નથી જે શંકાસ્પદ જણાય છે તથા મુકેશભાઈ રાઠોડ દ્વારા આચરવામાં આવેલ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સગેવગે કરવાનો સમય મળતો હોય તેથી ભ્રષ્ટાચારના પુરાવાનો નાશ થવાની શકયતાઓ છે. તાત્કાલિક ધોરણે તેમને તે વિભાગમાંથી ટ્રાન્સફર કરી તેની ઉપર કાયદેસરની તપાસ કામગીરી કરવી અનિવાર્ય છે. તે બાબતે અત્યાર સુધી શું પગલાં ભરવામાં આવ્યા અને આગળ શું કડક કાર્યવાહી કરવાના છો તે બાબતની જાણ કરવી તથા ન્યાયના હિતમાં આવા ભ્રષ્ટાચારી અધિકારીઓને તાત્કાલિક ધોરણથી સરકારી નિયમાનુસાર કાર્યવાહી કરી સબક શીખડાવવો ન્યાયના હિતમાં છે. નાયબ મામલતદાર તથા તેના મળતીયાઓ ત્રણ બિનઅધિકૃત વ્યક્તિઓ સામે ભ્રષ્ટાચાર વિરોધી કાયદાઓની અમલવારી કરી પોલીસ ફરિયાદ (F.I.R.) નોંધવી તથા અન્ય જે કાંઈ સરકારી કામગીરી કરી શકાતી હોય તે કરવા કોંગ્રેસ દ્વારા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત કરાઇ છે.


