ત્યાગમૂર્તિ સરદાર વલ્લભભાઈ પટેલ
સબ ટાઇટલ
સરદાર અખંડ ભારતના નિર્માણનું ભગીરથ કાર્ય કરી શક્યા, કારણ કે તેઓ માત્ર લોખંડી પુરુષ જ નહીં, ત્યાગમૂર્તિ પણ હતા. તેમને પદ, પ્રતિષ્ઠા કે સંપત્તિનો કોઈ મોહ નહોતો. પોતાની મહત્ત્વાકાંક્ષા કરતાં રાષ્ટ્રહિતને સર્વોપરી માનવાની તેમની ત્યાગવૃત્તિ જ તેમની વિરાટ પ્રતિભાનું સાચું રહસ્ય હતું.
આજે સત્તા અને પદ માટે પક્ષપલટો કરનારા રાજકારણીઓના યુગમાં સરદારની ત્યાગવૃત્તિ વિશેષ પ્રેરણાદાયી બની રહે છે.
સરદારને માત્ર પટેલ સમાજના કે ગુજરાતના નેતા તરીકે ઓળખાવીને આપણે તેમની વિરાટ પ્રતિભાને સીમિત કરી દઈએ છીએ. સરદાર કોઈ જ્ઞાતિ કે પ્રાંતના નહીં, સમગ્ર રાષ્ટ્રના નેતા હતા; વિશ્વવિભૂતિ હતા.
સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે, તેનાથી આપણે સૌ પરિચિત છીએ; પરંતુ તેમની વિરાટ પ્રતિભા અને અજોડ ત્યાગથી પણ પરિચિત થવાની એટલી જ જરૂર છે.
આપણે ‘સરદાર વડાપ્રધાન બન્યા હોત તો…’ જેવી કલ્પનાઓમાંથી બહાર આવીને ‘સરદારના કયા ગુણો આપણે જીવનમાં ઉતારી શકીએ?’ તે બાબતે વિચારવાની જરૂર છે.
………………………………..
ભારતના ઇતિહાસમાં રાજકીય એકતાનું સ્વપ્ન અનેક યુગોથી સેવાતું રહ્યું હતું, પરંતુ વિવિધ રાજકીય પરિસ્થિતિઓને કારણે તે સાકાર થઈ શક્યું નહોતું. અંગ્રેજોએ ભારત છોડવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારે દેશમાં ૫૬૫થી વધુ દેશી રજવાડાંઓ હતાં. બ્રિટિશ સર્વોપરિતાનો અંત આવતાં આ રજવાડાંઓનાં ભવિષ્યનો જટિલ પ્રશ્ન ઊભો થયો. દેશી રાજ્યો ભારત કે પાકિસ્તાન સાથે જોડાઈ શકે તેવી પરિસ્થિતિ હતી, જ્યારે કેટલાંક રજવાડાંઓ સ્વતંત્ર રહેવાની મહત્ત્વાકાંક્ષા પણ ધરાવતાં હતાં.
આ પરિસ્થિતિ ભારતની એકતા માટે અત્યંત જોખમી હતી. સ્વતંત્રતાની સાથે દેશના વધુ ટુકડા થવાની ભીતિ ઊભી થઈ હતી. આવા કપરા સંજોગોમાં દીર્ઘદૃષ્ટા સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડાંઓનાં એકીકરણનો દૃઢ સંકલ્પ કર્યો. અનેક અવરોધો, વિરોધો અને મુશ્કેલીઓ વચ્ચે અડગ રહીને તેમણે રાજકીય એકીકરણનું ભગીરથ કાર્ય પાર પાડ્યું.
સગા ભાઈને જમીનનો નાનકડો ટુકડો આપવા પણ માણસ સહેલાઈથી તૈયાર થતો નથી, ત્યારે પેઢીઓથી મળેલું પોતાનું આખેઆખું રાજ્ય રાષ્ટ્રને સમર્પિત કરવા કોઈ રાજા કેવી રીતે તૈયાર થાય? આ પ્રશ્નનો ઉત્તર સરદારની અસાધારણ રાષ્ટ્રભક્તિ, નિઃસ્વાર્થતા અને પ્રભાવશાળી નેતૃત્વમાં રહેલો છે. નદીના સામાન્ય પ્રવાહમાં ઊભા રહી શકાય, સ્નાન પણ કરી શકાય; પરંતુ પ્રચંડ પૂરના પ્રવાહમાં ટકી રહેવું મુશ્કેલ બને છે. તેવી જ રીતે સરદારની પ્રચંડ રાષ્ટ્રભક્તિ અને અડગ સંકલ્પશક્તિના પ્રવાહે અનેક રાજા-મહારાજાઓને રાષ્ટ્રહિતમાં પોતાનાં રાજ્યો સમર્પિત કરવાની પ્રેરણા આપી.
ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલે રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપીને પોતાનું રાજ્ય ભારતીય સંઘમાં વિલીન કરવાની જે ઉદારતા દાખવી, તે બદલ તેમને પણ ભાવપૂર્વક વંદન કરીએ. આવા અનેક રાજવીઓએ વ્યક્તિગત સત્તા કરતાં રાષ્ટ્રની એકતાને મહત્ત્વ આપ્યું. જોકે તમામ રજવાડાંઓનું એકીકરણ સહેલાઈથી થયું નહોતું. ક્યાંક સમજાવટ, ક્યાંક મુત્સદ્દીગીરી તો ક્યાંક કડક પગલાંનો આશરો લેવો પડ્યો. સરદારની દૃઢતા અને વ્યવહારકુશળતાએ આ અશક્ય લાગતું કાર્ય શક્ય બનાવ્યું.
સરદારનું હૃદય કોમળ હતું, પરંતુ વાણી સ્પષ્ટ અને કડક હતી. નિર્ણય લેવામાં તેઓ મક્કમ હતા. ‘એક ઘા ને બે કટકા’ જેવી તેમની કાર્યપદ્ધતિને કારણે કેટલાક સમકાલીન નેતાઓ તેમને પૂરેપૂરા સમજી શકતા નહોતા. જોકે સમય જતાં રાષ્ટ્રના એકીકરણમાં તેમના અમૂલ્ય યોગદાનનું મહત્ત્વ વધુ ને વધુ સ્પષ્ટ થતું ગયું.
સરદારની આ અસાધારણ સફળતાના પાયામાં માત્ર તેમની રાજકીય કુશળતા કે કડકાઈ નહોતી; તેમની નિઃસ્વાર્થ ત્યાગવૃત્તિ પણ હતી. જેમને પોતાના માટે કશું મેળવવું નથી, તેઓ જ બીજાને સર્વસ્વ સમર્પિત કરવાની પ્રેરણા આપી શકે.
સરદાર ઇચ્છે તો સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાનપદના પ્રબળ દાવેદાર બની શક્યા હોત. વર્ષ ૧૯૪૬માં કૉન્ગ્રેસના નેતૃત્વની પસંદગી વખતે તેમની તરફેણમાં નોંધપાત્ર સમર્થન હતું. તેમ છતાં ગાંધીજીની ઇચ્છાને માન આપીને તેમણે પોતાની દાવેદારી પાછી ખેંચી લીધી. આ ઘટના તેમની વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષા કરતાં સંગઠન અને રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે.
આજે પણ આ બાબતે ચર્ચા થાય છે કે સરદાર પ્રથમ વડાપ્રધાન બન્યા હોત તો ભારતનું ભવિષ્ય કેવું હોત? કેટલાક લોકો માને છે કે ગાંધીજીએ સરદારને વડાપ્રધાન ન બનાવીને અન્યાય કર્યો હતો. આ અંગે સૌના વિચારો ભિન્ન હોઈ શકે.
મારું વ્યક્તિગત મંતવ્ય એવું છે કે સરદારે વડાપ્રધાનપદ માટે આગ્રહ ન રાખીને ત્યાગ અને રાષ્ટ્રભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. વડાપ્રધાન બન્યા વિના પણ તેમણે ભારતના રાજકીય એકીકરણનું ઐતિહાસિક કાર્ય સફળતાપૂર્વક પાર પાડ્યું. પદ કરતાં કર્તવ્યને મહત્ત્વ આપનાર સરદારની મહાનતા અહીં વિશેષ ઉજાગર થાય છે.
સરદાર પ્રથમ વડાપ્રધાન બન્યા હોત તો શું થયું હોત, તે અંગે અનેક અનુમાનો થઈ શકે; પરંતુ ઇતિહાસનું મૂલ્યાંકન માત્ર ‘જો’ અને ‘તો’ના આધારે થઈ શકે નહીં. સરદારે જે કર્યું તે અસાધારણ હતું અને રાષ્ટ્ર માટે તેમનું યોગદાન અમૂલ્ય હતું, એ નિર્વિવાદ હકીકત છે.
આજે ધારાસભ્ય કે સંસદસભ્યની ટિકિટ મેળવવા માટે પક્ષ બદલનારા અને પોતાની ખુરશી ટકાવી રાખવા માટે સિદ્ધાંતો સાથે સમાધાન કરનારા રાજકારણીઓએ સરદારની ત્યાગવૃત્તિમાંથી ઘણું શીખવા જેવું છે. જે પોતાનું પદ છોડવા તૈયાર નથી, તે બીજાને પોતાનું રાજ્ય છોડવાની પ્રેરણા કેવી રીતે આપી શકે? સરદારના જીવનમાંથી આ પ્રશ્નનો ઉત્તર મળે છે. ત્યાગની વાતો કરવાથી ત્યાગી બની જવાતું નથી. ત્યાગનો પ્રભાવ ઉપદેશથી નહીં, આચરણથી પ્રગટે છે. સરદારના જીવનમાં આચરણ અને આદર્શ વચ્ચે કોઈ અંતર નહોતું.
‘સરદાર વડાપ્રધાન બન્યા હોત તો…’ જેવી કલ્પનાઓમાંથી બહાર આવીને ‘સરદારના કયા ગુણો આપણે જીવનમાં ઉતારી શકીએ?’ તે બાબતે વિચારવાની જરૂર છે. સરદારની સાચી મહાનતા તેમની ત્યાગવૃત્તિ, દૃઢ સંકલ્પશક્તિ, નિર્ભયતા અને નિઃસ્વાર્થ રાષ્ટ્રભક્તિમાં રહેલી છે. તેમના ત્યાગને માત્ર અન્યાયના દૃષ્ટિકોણથી જોવાથી તેમના વ્યક્તિત્વનું એક મહત્ત્વપૂર્ણ પાસું ઝાંખું પડી જાય છે.
સરદારના મહિમાનું યથાર્થ વર્ણન કરવા માટે અન્ય કોઈ મહાપુરુષની નિંદા કરવાની જરૂર નથી. કેટલાક લોકો સરદારની વાત કરે ત્યારે ગાંધીજીની ભૂલો ગણાવવાનું કે તેમની ટીકા કરવાનું ચૂકતા નથી. હકીકતમાં સરદાર ગાંધીજી પ્રત્યે ઊંડો આદર ધરાવતા હતા. તેઓ ગાંધીજીના વિશ્વાસુ સાથી અને અનુયાયી હતા, પરંતુ અંધ અનુયાયી નહોતા. જ્યાં મતભેદ હોય ત્યાં તેઓ નિર્ભયતાથી પોતાના વિચારો રજૂ કરતા. આદર અને સ્વતંત્ર વિચારશક્તિનો આવો સમન્વય તેમના વ્યક્તિત્વની વિશેષતા હતી.
સરદારને માત્ર પટેલ સમાજના કે ગુજરાતના નેતા તરીકે રજૂ કરવા એ તેમની વિરાટ પ્રતિભાને સીમિત કરવા સમાન છે. તેઓ કોઈ એક જ્ઞાતિ, સમાજ કે પ્રાંતની સીમામાં સમાઈ શકે તેવા નેતા નહોતા. તેઓ સમગ્ર ભારતના નેતા હતા; વિશ્વવિભૂતિ હતા.
સરદારની સ્મૃતિમાં આપણે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઑવ્ યુનિટી’નું નિર્માણ કર્યું છે. આ ગૌરવની વાત છે. પરંતુ તેમની વિરાટ પ્રતિમાની સાથે તેમની વિરાટ પ્રતિભાથી પણ દેશ અને દુનિયાને પરિચિત કરાવવાની આપણી જવાબદારી છે.
સરદારે ધીકતી વકીલાત છોડીને સ્વાતંત્ર્યસંગ્રામમાં ઝંપલાવ્યું. બારડોલી સત્યાગ્રહમાં અસાધારણ નેતૃત્વ પૂરું પાડ્યું. કૉન્ગ્રેસના સંગઠન અને નાણાકીય વ્યવસ્થાપનમાં મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી. સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી તરીકે રાષ્ટ્રના એકીકરણ તથા વહીવટી વ્યવસ્થાના ઘડતરમાં ઐતિહાસિક યોગદાન આપ્યું.
આટલાં ઊંચાં પદો પર રહીને પણ તેમનું જીવન સાદગી અને નિઃસ્પૃહતાનું ઉત્તમ ઉદાહરણ હતું. તેમણે જાહેરજીવનને વ્યક્તિગત સંપત્તિ એકઠી કરવાનું સાધન બનાવ્યું નહોતું. સત્તા તેમના માટે ભોગવટાનું નહીં, રાષ્ટ્રસેવાનું સાધન હતી. આજે જાહેરજીવનમાં થોડાં વર્ષો સત્તા ભોગવ્યા પછી કેટલાક લોકોની સંપત્તિમાં થતો અસાધારણ વધારો અનેક પ્રશ્નો ઊભા કરે છે. આવા સમયમાં સરદારની સાદગી, પ્રામાણિકતા અને નિઃસ્વાર્થતા વધુ પ્રસ્તુત બની રહે છે.
સરદારસાહેબનાં પગલાંમાં પગ મૂકવાનું સહેલું નથી. તેમની વિરાટ પ્રતિભાની બરાબરી કરવાનો દાવો કરવાને બદલે તેમના જીવનનો એકાદ સદ્ગુણ પણ આપણા આચરણમાં ઉતારીએ, તો એ મોટી સિદ્ધિ ગણાશે. સરદારની ઊંચાઈ માત્ર તેમની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમામાં નથી; તેમની સાચી ઊંચાઈ તો તેમના ત્યાગ, ચારિત્ર્ય અને રાષ્ટ્રસમર્પણમાં છે. સરદારના ગુણગાન ગાવાં સહેલાં છે, પરંતુ તેમના ગુણોને જીવનમાં ઉતારવા માટે નિષ્ઠા, હિંમત અને ત્યાગની જરૂર છે.
શબ્દસિંધુ
સરદારસાહેબની ત્યાગવૃત્તિ અને સાદગીનો એકાદ અંશ પણ આપણાં આચરણમાં આવે, તો જ તેમને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાય.
rajesh9825492499@gmail.com


