- ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા 7 જુલાઈએ નીકળશે
- આવતીકાલે સવારે યોજાશે ભગવાનની નેત્રોત્સવ વિધિ
- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવી રહેશે હાજર
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા 7 જુલાઈએ નીકળશે. ત્યારે એ પહેલા આવતીકાલે ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે. મામાના ઘરેથી નિજ મંદિરમાં પરત ફર્યા બાદ ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિ કરવામાં આવશે.
શું છે નેત્રોત્સવ વિધિ?
રથયાત્રાના 15 દિવસ પહેલા ભગવાન પોતાના મોસાળમાં જાય છે અને તે દરમિયાન તે મામાના ઘરે મીઠાઈઓ અને જાંબુ ખુબ વધારે પ્રમાણમાં આરોગે છે, જેના કારણે તેમને આંખ આવી જાય છે. ત્યારબાદ ભગવાન જગન્નાથ ફરી પરત નિજ મંદિર ફરે છે. જો કે તેમને આંખ આવેલી હોવાથી આરામ મળે તે માટે તેમના આંખ પર પાટા બાંધી દેવામાં આવે છે. જેથી ભગવાનને મંદિરમાં પ્રવેશ પછી તેમની આંખો પર પાટા બાંધી રાખવામાં આવે છે. આ વિધિને નેત્રોત્સવ વિધિ કહેવામાં આવે છે.
નેત્રોત્સવ બાદ રથયાત્રાના દિવસે ભગવાનની આંખ પરથી પાટા ખોલાશે અને નેત્રોત્સવ વિધિમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઈ બળદેવનો ગર્ભગૃહમાં પ્રવેશ કરાશે, ભગવાન મામાના ઘરેથી પરત ફરે ત્યારે તેમને આંખો આવી જવાની લોકવાયકા રહેલી છે, જેથી ભગવાનને આંખે પાટા બાંધવાની છે પરંપરા છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવી રહેશે હાજર
ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધિમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ, ગૃહ પ્રધાન હર્ષ સંઘવી અને મેયર સહિતના સત્તાધીશો હાજર રહેશે. ત્યારબાદ મંદિરના પ્રાંગણમાં ગજરાજ પૂજન કરાશે અને રથયાત્રામાં આમંત્રણ આપવા ગણપતિ સ્વરૂપના ભાગરૂપે ગજરાજ પૂજન કરવામાં આવે છે અને સમગ્ર મંદિરના પ્રાંગણમાં ભક્તિમય માહોલ જામશે.


