અમદાવાદના ક્રિકેટ સ્ટેડિયમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ સાથે જોડવામાં આવ્યુ છે. આવુ જ બહુમાન રાજકોટના ખંઢેરી ખાતેના ઇન્ટરનેશનલ સ્ટેડિયમને નિરંજન શાહના નામ સાથે જોડીને અપાયુ. ૭૯ વર્ષના નિરંજન શાહના જીવનમાંથી ક્રિકેટ કાઢી નાંખો તો કશું જ બચે નહિ. તેમણે જીવતાં જીવ ભારત અને ઇન્ટરનેશનલ ક્રિકેટના નકશામાં રાજકોટ અને સૌરાષ્ટ્રને મૂકવાનું ભગીરથ કાર્ય કર્યુ છે. એક જ લાઇફમાં આખી સાયકલ પુરી કરી છે. ભારતીય ટીમમાં આજે ઝળહળતાં સિતારા જેવા ક્રિકેટર રવીન્દ્ર જાડેજા ,ચેતેશ્વર પુજારાનો સમાવેશ થયો છે આવી ઘણી નવી ટેલન્ટની બેન્ચ પણ તૈયાર થઇ રહી છે. આમાં કયાંક ને કયાંક નિરંજન શાહનું પ્રદાન છે.
વીકીપિડિયામાં તમે નિરંજન શાહની પ્રોફાઇલ ચેક કરો તો એક એવરેજ ક્રિકેટરની છે. સૌરાષ્ટ્રના ક્રિકેટના હિતચિંતકોએ અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.માં કોઇ સ્કોલર હોય તો તેમણે પણ વીકીપિડિયામાં નિરંજન શાહ વિષે નવેસરથી લખવું જોઇએ. તેમનું ક્રિકેટર તરિકેનું ફર્સ્ટકલાસ ક્રિકેટમાં સરેરાશ પ્રદાન હતું. તેમના નામે બેટસમેન તરીકે એક પણ ફીફટી કે સદી નથી બોલતી. બીજા કોઇ કારનામા પણ નથી બોલતાં. આ પ્રોફાઇલમાં કોઇ રોમાંચક બાબત નથી બોલતી. પરંતુ નિરંજન શાહને સૌરાષ્ટ્રના ક્રિકેટના મેન્ટર કે ક્રિકેટ મેનેજમેન્ટના ગુરુ કહો તો તેમની ભૂમિકા ખુબ લાંબી છે. ખુબ ઉપલબ્ધીવાળી છે.
એક સમય એવો હતો કે ભારતિય ટીમમાં મુંબઇ અને મહારાષ્ટ્રનું ખુબ વર્ચસ્વ હતું. સુનીલ ગાવસ્કર,દિલીપ વેંગસરકર અને સચીન તેંડુલકર એરા હતો. એ સમયે રાજકોટ,જામનગર કે સૌરાષ્ટ્રના નાનકડા શહેરમાંથી કોઇ ખેલાડી ભારતની ટીમમાં રમવાનું સપનું જોવે એ પણ શકય નહોતું. સૌરાષ્ટ્રમાં ટેનીસ ક્રિકેટ ખુબ રમાતું. ક્રિકેટ રમવા કરતાં પણ ક્રિકેટ જોવાના શોખીનો ખુબ હતાં.
આ સમયે નિરંજન શાહે પોતે ભલે એવરેજ ક્રિકેટર હતાં પરંતુ સૌરાષ્ટ્રની ઉભરતી ટેલન્ટને વિશ્વ ક્રિકેટમાં પહોંચાડવાનું સપનું જોયુ હતું. ક્રિકેટ તેમના લોહિમાં હતું. ક્રિકેટ તેમનો ફર્સ્ટ લવ હતો. ફર્સ્ટ લવ રહેશે. આજે ૭૯ વર્ષની વયે પણ યુવાનોને શરમાવે તેવી સ્ફુર્તિથી સ્ટેડિયમમાં ચકકર મારતાં નિરંજન શાહની ઉર્જાનું કેન્દ્ર ક્રિકેટ છે. તેમણે જોયુ કે સારા ક્રિકેટરો પેદા કરવા માટે સારા સ્ટેડિયમ જોઇએ. સારી વિકેટ જોઇએ. સારુ ક્રિકેટ મેનેજમેન્ટ જોઇએ. સારુ ઇન્ફ્રાસ્ટ્રકચર જોઇએ.દેશના ક્રિકેટ મેનેજમેન્ટની મેઇન સ્ટ્રીમમાં એક વોઇસ જોઇએ. ઉઘાડી આંખે આ સપનું જોનારા નિરંજન શાહ પાસે એવી ક્ષમતાં પણ છે.
તેમણે ક્રિકેટ મેનેજમેન્ટમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના માધ્યમથી બી.સી.સી.આઇ.માં પોતાનું સ્થાન બનાવ્યુ. ન માત્ર સ્થાન બનાવ્યુ. પરંતુ આદર પણ પ્રાપ્ત કર્યો. એક સમયે સ્વ.માધવરાવ સિંધિયાનો બી.સી.સી.આઇ.માં દબદબો હતો. આ સમયે માધવરાવ સિંધિયાની નિરંજન શાહ સાથે ખુબ ગાઢ દોસ્તી હતી. ખુબ ઓછા લોકોને ખબર હશે કે રાજવી ઘરાનાના માધવરાવ સિંધિયાના ગેસ્ટ બનવું એ ગર્વની વાત હતી. મોટા મોટા તિસમારખાંને માધવરાવ સિંધિયા ગેસ્ટ તરીકે હોટલમાં ઉતારો આપતાં નિરંજન શાહ એમાં અપવાદ હતાં. તેમને રાજવી પેલેસમાં એક મિત્રના નાતે બોલાવતાં. એ પ્રેમ એ માન નિરંજન શાહ વ્યકિતને માત્ર નહોતું મળતું. ક્રિકેટ પ્રત્યેના તેના અનન્ય લગાવ અને તેનાથી પણ ચઢિયાતી તેની ક્રિકેટર પેદા કરવાની સુઝને મળતુ હતું. માધવરાવ સિંધિયાની સ્મૃતિમાં નિરંજન શાહે રેસકોર્ષ ક્રિકેટ ગ્રાઉન્ડને માધવરાવ સિંધિયા નામ પણ આપ્યુ હતું. ટુંકી દ્રષ્ટીના નેતાઓએ પાછળથી આ મેદાન ઉપર ફટાકડા ફોડવાનું શરૂ કર્યુ. સૌરાષ્ટ્રના ક્રિકેટનું અહિત કર્યુ. પરંતુ નિરંજન શાહની વન મેન આર્મી ક્રિકેટના ઉત્કર્ષ યજ્ઞમાં લાગેલી રહી.
સ્થાનિક મેદાનમાં મેચ સમયે ટિકિટો માટે જે દબાણ ઉભા થતાં હતાં અને અધિકારી ,રાજકારણીઓનો અનુચિત વ્યહવાર થતો હતો તેને કારણે જ નિરંજન શાહે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ની માલીકીના મેદાનનો જન્મ આપવાનો નિર્ધાર કર્યો. જે સાકાર પણ કર્યો. એટલું જ નહિ લાંબા ગાળાના વિઝનથી અન્ય એક ઇન્ટરનેશનલ કક્ષાનું સ્ટેડિયમ બનાવવાનું સાથો સાથ ચાલુ કરી દીધુ. રાજકોટનું સ્ટેડિયમ બનાવતાં પહેલાં તેમાં કોઇ કચાશ ન રહે એ માટે વિશ્વના ટોપમોસ્ટ સ્ટેડિયમની તેમના આર્કિટેકટ સાથે મુલાકાત લીધી. ખંઢેરી સ્ટેડિયમમાં ખેલાડીઓને આંતરરાષ્ટ્રિય કક્ષાની કોઇ સવલતની કમી ના રહે તે ધ્યાન રાખ્યુ. સુનીલ ગાવસ્કર અને કપીલ દેવ જેવા ક્રિકેટરે આ સ્ટેડિયમની સુવિધાઓની પ્રસંશા કરી છે. આજે વિશ્વના ટોચના ખેલાડીઓને જે ક્રિકેટ ઇકોલોજી જોઇતી હોય તે રાજકોટમાં ખંઢેરી સ્ટેડિયમમાં અને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. પાસે ઉપલબ્ધ છે. એટલે જ હોંશે હોંશે રાજોટમાં વિશ્વના આવે છે. ટેસ્ટમેચ,વન ડે અને ટી ટવેન્ટીના મેચ રમાય છે.
ક્રિકેટરો અને ક્રિકેટીંગ ટેલન્ટ નિરંજન શાહે તેમની આભાર સ્પીચમાં કહયુ કે મારુ સપનું સૌરાષ્ટ્રના જીલ્લે જીલ્લે ક્રિકેટીંગ સ્કીલ માટે ઇન્ફ્રાસ્ટ્રકચર બને. મતલબ કે ભવિષ્યમાં જામનગર કે પોરબંદરમાં પણ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ બની શકે છે. અનેક નવલોહિયા ક્રિકેટરો રવિન્દ્ર અને ચેતેશ્વરના માર્ગે ચાલવા ઘરઆંગણે જ સુવિધા મેળવી શકશે.
એટલે જ નિરંજન શાહને તેમના નિકટના લોકો મોટાભાઇ કહે છે. નિકટના લોકોના મોટા ભાઇ માત્ર નથી. સૌરાષ્ટ્રના પ્રજવલ્લિત ક્રિકેટના પણ મોટાભાઇ છે. બીગ બ્રધર ઇન રિયલ સેન્સ.