- શાળામાં અભ્યાસ દરમિયાન સગીરા પાસેથી મોબાઈલ મળી આવતા ભાંડો ફૂટયો
- બે શખ્સોએ મોબાઈલ આપ્યો, એક શખ્સે સગીરાના ભાઈ અને મામાને મારી નાંખવાની ધમકી આપી હતી
- સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરાને ભગાડી જવાના અને દુષ્કર્મના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા
વઢવાણ તાલુકાના એક ગામમાં રહેતા પરિવારની ભાણી તેમને ત્યાં રહે છે. આ સગીરા શાળાએ જાય ત્યારે ગામના બે યુવાનો બાઈક લઈને પાછળ જતા હતા. અને સગીરાને મોબાઈલ ફોન આપ્યો હતો. જેમાંથી એક શખ્સે સગીરા સાથે કુકર્મ આચર્યુ હતુ. શાળામાં સગીરા પાસેથી મોબાઈલ મળતા સમગ્ર બનાવ સામે આવતા સગીરાના પિતાએ જોરાવરનગર પોલીસ મથકે બન્ને યુવાનો સામે પોકસોની કલમો સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરાને ભગાડી જવાના અને દુષ્કર્મના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે વઢવાણ ગ્રામ્યમાં મામાના ઘરે રહેતી સગીરા સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઈ છે. બનાવની મળતી માહિતી મુજબ હાલ સુરેન્દ્રનગર રહેતા પરિવારની 13 વર્ષીય પુત્રી તેના મામાના ઘરે રહે છે અને ધો. 7માં અભ્યાસ કરે છે. ગત એપ્રીલ માસમાં શાળામાં અભ્યાસ દરમિયાન સગીરા પાસેથી મોબાઈલ મળી આવતા વાલીને શાળાએ બોલાવાયા હતા. જેમાં પુછપરછ કરતા ગામનો મહેશ ભુપતભાઈ બરીપા અને મેહુલ રાજુભાઈ ભાલોડીયા સગીરા શાળાએ જાય કે ઘરે પરત આવે ત્યારે પાછળ-પાછળ બાઈક લઈને આવતા હતા અને તેઓએ મોબાઈલ આપ્યો હોવાનું સામે આવ્યુ હતુ. બાદમાં ઘરે ગયા બાદ સગીરાએ આપવીતી જણાવતા કહ્યુ કે, મેં મોબાઈલ લેવાની ના પાડી તો બન્નેએ મામા અને ભાઈને મારી નાંખવાની ધમકી આપી હતી. જયારે મોબાઈલમાં અવારનવાર ફોનમાં વાતો કરતા હતા. આ ઉપરાંત ગામના એક બંધ મકાનમાં લઈ જઈ મહેશે સગીરા સાથે કુકર્મ કર્યુ હતુ. આ અંગે સગીરાના પિતાએ મહેશ ભુપતભાઈ બરીપા અને મેહુલ રાજુભાઈ ભાલોડીયા સામે જોરાવરનગર પોલીસ મથકે પોકસો એકટ અંતર્ગત દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. બનાવની વધુ તપાસ પીઆઈ જે.જે.જાડેજા ચલાવી રહ્યા છે.


