- GADએ આદેશ કર્યો તોય વિરોધ અને પ્રદર્શનો તો થયા જ
- ફિક્સ-પે, OPS મુદ્દે મહાશિવરાત્રિએ આરતી અને પછી મહારેલીનું એલાન
- નિયમિત કામગીરી ન કરે તેની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવા આદેશ
ગુજરાત સરકારની ફિક્સ વેતન નીતિ દૂર કરવા, જૂની પેન્શન સ્કીમ- OPSને પુનઃ અમલમાં મુકવા તેમજ વર્ષ 2022ની ચૂંટણી પૂર્વે સમાધાનની ફોમ્યુર્લામાં નક્કી થયેલી બાબતોના અમલ સહિત વર્ષોથી પડતર રહેલા પ્રશ્નો મુદ્દે શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓ ગુરુવારે ‘પેનડાઉન’ કરીને કામકાજથી અળગા રહ્યા હતા. લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કર્મચારી સંગઠનોના આગેવાનો સાથે બેસીને પ્રશ્નો ઉકેલવા સરકાર તૈયાર હોવાનું કહ્યુ હતુ.
બુધવારે પેન ડાઉન, શટ ડાઉન અને ચોક ડાઉન જેવા કાર્યક્રમોની ચીમકીને પગલે સામાન્ય વહીવટ વિભાગ – GADએ તમામ વિભાગો, ખાતા અને કચેરીઓના વડાઓને પત્ર લખ્યો હતો. જેમાં ૬ઠ્ઠી માર્ચે જે કર્મચારી કામગીરીથી અળગા રહે, નિયમિત કામગીરી ન કરે તેની સામે નિયમાનુસાર કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. છતાંયે સંયુક્ત કર્મચારી મોરચા, રાજ્ય કર્મચારી મહામંડળ તેમજ પ્રાથમિક શિક્ષક સંઘે બુધવારે પ્રતિકાત્મક રીતે સરકારી નીતિઓ સામે વિરોધ- પ્રદર્શનોનો કાર્યક્રમ સફળ રહ્યાનો દાવો કર્યો હતો. આગામી એકાદ સપ્તાહમાં સરકાર તરફથી કોઈ હકારાત્મક વલણ દાખવવામાં નહી આવે તો આ સંગઠનોએ મહાશિવરાત્રિના દિવસે રાજ્યના દરેક જિલ્લા અને તાલુકામાં શિક્ષકો સહિત કર્મીઓએ આરતીનું આયોજન અને ત્યાર પછીના દિવસોમાં મહારેલી યોજવાનું પણ એલાન આપ્યુ છે. બુધવારના પેન ડાઉન કરીને કામથી અળગા રહેવાના એલાનમાં 37થી વધુ સરકારી કર્મચારી સંગઠનો, મંડળોએ સમર્થન જાહેર કર્યુ હતું.


