- દેશમાં ભાજપની હવા હોવાનું કોંગ્રેસી દિગ્ગજો પણ માનવા લાગ્યા
- ભાજપ દરેક ચૂંટણી છેલ્લી લડાઈની જેમ લડે છે, વિપક્ષોએ આ વાત સમજવી પડશે
- જ્ઞાતિ આધારિત વસ્તીગણતરી મહત્ત્વપૂર્ણ મુદ્દો
રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જોરદાર જીતે કોંગ્રેસને ચોંકાવી દીધી છે. અત્યાર સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓ તથા સર્વે એમ કહેતા હતા કે 2024માં ભગવા લહેરની શક્યતા છે પણ હવે કોંગ્રેસીઓ પણ આવું માનતા દેખાઈ રહ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણાપ્રધાન પી. ચિદમ્બરમે માન્યું કે 2024માં ભાજપતરફી હવા દેખાઈ રહી છે. તેમણે કહ્યું કે ત્રણ રાજ્યોના પરિણામ અમારા માટે ચિંતાજનક છે. તેમણે ભાજપની મજબૂતાઈ અને તેના વ્યૂહાત્મક કૌશલ્યના વખાણ પણ કર્યા. ચિદમ્બરમે કહ્યું કે ભાજપ દરેક ચૂંટણી એવી રીતે લડે છે કે જાણે એ તેની છેલ્લી લડાઈ હોય. વિરોધપક્ષોએ આ વાત સમજવી પડશે. તેમણે ઉમેર્યું હતું કે ત્રણ રાજ્યોમાં જીતે લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપને મોટી તાકાત આપી છે. કોંગ્રેસ માટે છત્તીસગઢ અને રાજસ્થાનની હાર અનપેક્ષિત હતી. આ પરિણામ અમારા માટે ચિંતાજનક છે અને મને લાગે છે કે પક્ષની નેતાગીરી આ વાત સમજશે અને પક્ષની નબળાઈઓ દૂર કરશે.
કોંગ્રેસે ધ્રુવીકરણનો જવાબ શોધવો પડશે
ચિદમ્બરમે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આગામી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ 45 ટકા વોટ મેળવી શકે છે પણ તે માટે તેણે ઝંઝાવાતી ચૂંટણીપ્રચાર કરવો પડશે, બૂથ મેનેજમેન્ટ વધુ સારી રીતે કરવું પડશે અને મતદારોને મતદાન મથકો સુધી લાવવા પડશે. ભાજપ મુસ્લિમવિરોધી, ખ્રિસ્તીવિરોધી પ્રોપેગેન્ડા અને હાઇપર નેશનાલિઝમને કારણે માહોલ બનાવી લે છે. તદુપરાંત, કલ્યાણકારી યોજનાઓથી પણ તેને ફાયદો થઈ રહ્યો છે. જોકે મને સૌથી વધુ ચિંતા ધ્રુવીકરણ મુદ્દે છે. કોંગ્રેસે તેનો જવાબ શોધવો પડશે. જ્ઞાતિ આધારિત વસ્તીગણતરી અંગે તેમણે કહ્યું કે આ મહત્ત્વપૂર્ણ મુદ્દો છે પણ ચૂંટણીમાં નિર્ણાયક નહીં હોય.


