પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ એક મોટી જાહેરાત કરી છે કે પાકિસ્તાની ટીમ 2025ના મહિલા વર્લ્ડકપ માટે ભારત નહીં જાય. તમને જણાવી દઈએ કે આ વર્ષે ભારતીય ધરતી પર મહિલા વર્લ્ડકપ 2025 નું આયોજન થવા જઈ રહ્યું છે.
29 સપ્ટેમ્બરથી 26 ઓક્ટોબર સુધી રમાનારી મહિલા વર્લ્ડકપમાં કુલ 8 ટીમો ભાગ લેશે. ભારત ન જવાનું કારણ આપતાં PCB એ કહ્યું કે જેમ ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન નહોતી આવી, તેવી જ રીતે પાકિસ્તાન મહિલા ટીમ વર્લ્ડકપ માટે ભારત નહીં જાય.
પીસીબીના ચેરમેન મોહસીન નકવીએ કહી આ વાત
પીસીબીના ચેરમેન મોહસીન નકવીએ ભારત પ્રત્યે ઘમંડ દર્શાવતા કહ્યું કે “જેમ ભારત ચેમ્પિયન્સ ટ્રોફી મેચ રમવા માટે પાકિસ્તાન આવ્યું ન હતું અને તેને તટસ્થ સ્થળોએ મેચ રમવાની મંજૂરી આપવામાં આવી હતી, તેવી જ રીતે પાકિસ્તાન ટીમ માટે જે પણ તટસ્થ સ્થળ પસંદ કરવામાં આવે, ટીમ ત્યાં રમવા માટે તૈયાર રહેશે. જ્યારે કોઈ કરાર થઈ જાય, ત્યારે તેનું પાલન કરવું જોઈએ.”
PCB વડાએ મહિલા ટીમની કરી પ્રશંસા
પાકિસ્તાન મહિલા ક્રિકેટ ટીમે તાજેતરમાં મહિલા ક્રિકેટ વર્લ્ડકપ 2025 માટે ક્વોલિફાય કર્યું છે. પાકિસ્તાને મહિલા વર્લ્ કપ ક્વોલિફાયર ટુર્નામેન્ટમાં તેની બધી 5 મેચ જીતીને વર્લ્ડકપ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કર્યું છે. પોતાની ટીમની પ્રશંસા કરતા, PCB વડાએ કહ્યું કે “અમારી ટીમે ઘરઆંગણે ફાયદો કેવી રીતે ઉઠાવવો તે બતાવ્યું અને અમે એક ટીમની જેમ રમ્યા. મહિલા ક્રિકેટ ટીમને સારું પ્રદર્શન કરતા જોઈને મને આનંદ થાય છે.”
બોર્ડના ચેરમેન મોહસીન નકવીએ જણાવ્યું હતું કે પાકિસ્તાની મહિલા ટીમને આ ઉત્તમ પ્રદર્શન માટે ભેટ આપવામાં આવશે. જો આપણે ચેમ્પિયન્સ ટ્રોફીનો યુગ યાદ કરીએ તો, ભારતીય ટીમની મેચો દુબઈમાં યોજાતી હતી. તે સમયે, PCB એ શરતે ભારતની મેચો દુબઈમાં યોજવા માટે સંમત થયું હતું કે ભવિષ્યમાં ભારતમાં જે પણ ICC ઈવેન્ટ યોજાશે, તેમાં પાકિસ્તાન ટીમની મેચો પણ તટસ્થ સ્થળોએ યોજાશે.


