દારૂડીયાએ એક કલાક હોસ્પિટલને બાનમાં લીધી
જહેમત બાદ પોલીસ અને સિકયુરીટીએ દારૂડીયાને નીચે ઉતાર્યા
અગ્ર ગુજરાત, જૂનાગઢ
જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા. હોસ્પિટલના પાંચમા માળે એક નશામાં ધૂત યુવકે ચડી જઈને આપઘાતનો પ્રયાસ કરવાની ધમકી આપતા સમગ્ર હોસ્પિટલ તંત્ર અને દર્દીઓના સગાઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી. “ઝૂમ બરાબર ઝૂમ શરાબી” જેવી હાલતમાં રહેલા આ યુવકે લગભગ એક કલાક સુધી હોસ્પિટલને બાનમાં લીધી હતી. જોકે, એક કલાકની જેહમત બાદ પોલીસ-સિક્યુરિટીએ નીચે ઉતાર્યો. જ્યારે દારુડિયાને લઈ જઈ રહ્યા હતા ત્યારે બોલ્યો કે, ‘તમે બધા જયરાજસિંહના માણહ છો ને મને મારતા નહી’
‘તમે બધા જયરાજસિંહના માણહ છો ને મને મારતા નહી’હા ઉતારી લ્યો વીડિયો, મારા દલિત ભાઈઓ ભેગા છે હું નમ્ર વિનંતી કરુ છુ કેટલાક લોકો મારા ભેગા છે એટલે હું આત્મવિલોપન કરવા માગતો નથી બાકી ઠેકડો મારી ગયો હોત, સમજાઈ ગયું.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં અચાનક હોબાળો મચી ગયો હતો. એક શખસ નશાની હાલતમાં હોસ્પિટલના પાંચમા માળે પહોંચી ગયો હતો. ત્યાં જઈને તેણે બારી કે ગેલેરીના છેડે ઊભા રહી નીચે કૂદકો મારવાની ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. આ દૃશ્ય જોઈને હોસ્પિટલમાં હાજર દર્દીઓના સગા-સંબંધીઓ અને સ્ટાફના જીવ તાળવે ચોંટ્યા હતા. લોકોમાં એવી ચર્ચા જાગી હતી કે, જાણે ‘શોલે’ ફિલ્મનો વીરુ ટાંકી પર ચડ્યો હોય એવો જ નજારો અહીં પાંચમા માળે જોવા મળ્યો હતો.
આ ઘટનાની જાણ થતા જ સિવિલ હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ્સ, હોમગાર્ડના જવાનો અને ત્યાં તૈનાત પોલીસ સ્ટાફ તાત્કાલિક પાંચમા માળે દોડી ગયો હતો. યુવક ખૂબ જ ઉશ્કેરાયેલી હાલતમાં હતો અને નશો કરેલો હોવાથી તેને સમજાવવો મુશ્કેલ હતો. જોકે, સુરક્ષા જવાનોએ ભારે સતર્કતા અને ધીરજ દાખવી હતી. એક તરફ યુવકને વાતોમાં પરોવીને સમજાવવામાં આવી રહ્યો હતો, તો બીજી તરફ જવાનોએ તક મળતા જ તેને પાછળથી પકડી લીધો હતો. આ દિલધડક રેસ્ક્યુ બાદ યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો હતો.
આ હાઈવોલ્ટેજ ડ્રામા લગભગ એક કલાક સુધી ચાલ્યો હતો. મોડી રાત્રે હોસ્પિટલમાં શાંતિના બદલે ફિલ્મી દૃશ્યો સર્જાયા હતા .હોસ્પિટલના પટાંગણમાં મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને સૌ કોઈ મોબાઈલમાં આ ‘શરાબીનો ખેલ’ કેદ કરી રહ્યા હતા. જે બાદ આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થયા છે.
પોલીસ-સિકયુરીટીની સમય સુચકતાથી મોટી દુર્ઘટના અટકી
સુરક્ષા જવાનોએ આ દારૂડિયા યુવકને ઝડપી લીધા બાદ તુરંત જ પોલીસના હવાલે કર્યો હતો. આ સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ અને સિક્યુરિટીની સમયસૂચકતાને કારણે કોઈ મોટી દુર્ઘટના ઘટી ન હતી અને યુવકનો જીવ બચી ગયો હતો.


