યુદ્ધની ગરમી ઓસરી, ક્રૂડના ભાવમાં ઠંડક
ભારત માટે ક્રૂડ 80 ડોલરથી નીચે છતાં પેટ્રોલ-ડીઝલ સસ્તુ થવાની આશા ધૂંધળી
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં નરમાઈ, ભારતનું આયાત બિલ ઘટવાની સંભાવના; ઓઈલ કંપનીઓ પહેલાં જૂનું નુકસાન ભરપાઈ કરવા પર ભાર મૂકે તેવી શક્યતા
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
પશ્ચિમ એશિયામાં સર્જાયેલા ઈરાન સંકટ અને યુદ્ધજન્ય અનિશ્ચિતતા વચ્ચે હવે વૈશ્વિક ઊર્જા બજારમાં રાહતના સંકેતો જોવા મળી રહ્યા છે. ભારત માટે ક્રૂડ ઓઈલની પડતર કિંમત (ઈન્ડિયન ક્રૂડ બાસ્કેટ) મંગળવારે ઘટીને પ્રતિ બેરલ 78.66 ડોલર થઈ ગઈ હતી. ખાસ વાત એ છે કે ફેબ્રુઆરીના અંતથી શરૂ થયેલી ભૂરાજકીય અશાંતિ બાદ પ્રથમ વખત ભારત માટે ક્રૂડની કિંમત 80 ડોલરની સપાટીથી નીચે આવી છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ઘટાડવા માટે રાજદ્વારી પ્રયાસો તેજ બનતા તેમજ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ ઊર્જા માર્ગ ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં જહાજોની અવરજવર ફરી સામાન્ય થવાની આશાએ વૈશ્વિક બજારોમાં સકારાત્મક સંકેતો આપ્યા છે. તેના પરિણામે બ્રિન્ટ ક્રૂડના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં આશરે 18 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે અને તે 78 ડોલર પ્રતિ બેરલની આસપાસ આવી પહોંચ્યો છે. ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો ક્રૂડ આયાતકાર દેશ હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં થતી દરેક હલચલની સીધી અસર દેશની અર્થવ્યવસ્થા પર પડે છે. ક્રૂડના ભાવ ઘટવાથી ભારતનું આયાત બિલ ઓછું થઈ શકે છે, જેના કારણે ચલણ ખાતાની ખાધ અને ફુગાવાના દબાણમાં રાહત મળવાની સંભાવના છે. ખાસ કરીને પરિવહન ખર્ચ ઘટે તો વિવિધ ચીજવસ્તુઓના ભાવ પર પણ સકારાત્મક અસર જોવા મળી શકે છે.
જોકે સામાન્ય ગ્રાહકો માટે તાત્કાલિક રાહત મળવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે. કારણ કે પેટ્રોલ અને ડીઝલના આંતરરાષ્ટ્રીય ફ્રી ઓન બોર્ડ (FOB) ભાવ હજુ પણ ઊંચા સ્તરે છે. આ મહિનામાં પેટ્રોલનો સરેરાશ FOB ભાવ લગભગ 114 ડોલર અને ડીઝલનો 132 ડોલર પ્રતિ બેરલની આસપાસ રહ્યો છે. પરિણામે રિટેલ ઈંધણના ભાવ ઘટાડવા માટે તે પૂરતું અનુકૂળ વાતાવરણ હજુ સર્જાયું નથી.
ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે છેલ્લા કેટલાક મહિનામાં યુદ્ધ અને સપ્લાય વિક્ષેપના કારણે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. ક્રિસિલ ઇન્ટેલિજન્સના અંદાજ મુજબ માર્ચથી મે 2026 દરમિયાન પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના વેચાણમાં કંપનીઓને સંચિત રીતે લગભગ એક લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેથી ક્રૂડના ભાવમાં મળતી હાલની રાહતનો ઉપયોગ કંપનીઓ પ્રથમ તબક્કે પોતાના નુકસાનની ભરપાઈ માટે કરી શકે છે.
સરકાર અને પેટ્રોલિયમ મંત્રાલય માટે રાહતની બીજી બાબત એ છે કે ભારત પાસે હાલમાં આશરે 74 દિવસ ચાલે તેટલો ઈંધણનો સ્ટોક ઉપલબ્ધ છે. તેમાં વ્યૂહાત્મક પેટ્રોલિયમ ભંડાર ઉપરાંત રિફાઇનરી, પાઇપલાઇન, ટર્મિનલ અને ડેપોમાં રહેલા જથ્થાનો સમાવેશ થાય છે. આ સ્ટોક વૈશ્વિક સંકટ દરમિયાન દેશની ઊર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ કવચ સાબિત થઈ શકે છે. વિશ્લેષકોના મતે જો આગામી અઠવાડિયામાં ક્રૂડ 75થી 80 ડોલરની વચ્ચે સ્થિર રહે અને પશ્ચિમ એશિયામાં સ્થિતિ વધુ ન બગડે તો ભારત માટે આર્થિક મોરચે રાહતના નવા દ્વાર ખુલવાની શક્યતા છે. જોકે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સીધો ઘટાડો જોવા માટે હજુ થોડો સમય રાહ જોવી પડી શકે છે.
ભારત માટે ક્રૂડ 80 ડોલરની નીચે
ભારતની ક્રૂડ બાસ્કેટ કિંમત ઘટીને 78.66 ડોલર પ્રતિ બેરલ થઈ, જે યુદ્ધ બાદનો સૌથી નીચો સ્તર છે.
બ્રિન્ટ ક્રૂડમાં 18%નો ઘટાડો
એક સપ્તાહમાં વૈશ્વિક બ્રિન્ટ ક્રૂડના ભાવમાં આશરે 18 ટકા જેટલો ઘટાડો નોંધાયો.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર નજર
ઊર્જા સપ્લાય માટે મહત્વપૂર્ણ માર્ગ ફરી સામાન્ય બનવાની આશાએ બજારમાં નરમાઈ આવી.
આયાત બિલમાં મળશે રાહત
ક્રૂડ સસ્તુ થતાં ભારતનું તેલ આયાત બિલ ઘટી શકે છે અને વિદેશી ચલણની બચત થશે.
ફુગાવા પર સકારાત્મક અસર
પરિવહન અને ઉત્પાદન ખર્ચ ઘટતા મોંઘવારીના દબાણમાં ઘટાડો થઈ શકે છે.
પેટ્રોલ-ડીઝલ સસ્તું થવાની શક્યતા ઓછી
FOB ભાવ હજુ ઊંચા હોવાથી ગ્રાહકોને તાત્કાલિક રાહત મળવી મુશ્કેલ છે.
ઓઈલ કંપનીઓને મોટું નુકસાન
માર્ચથી મે દરમિયાન ઓઈલ માર્કેટિંગ કંપનીઓને અંદાજે રૂ.1 લાખ કરોડનું નુકસાન થયું.
74 દિવસનો ઈંધણ સ્ટોક
ભારત પાસે હાલ 74 દિવસ સુધી ચાલે તેટલો વ્યૂહાત્મક અને વ્યાપારી ઈંધણ ભંડાર ઉપલબ્ધ છે.


