ધ્રોલ-ટંકારા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત : ત્રણ લોકોના મોત
ચારથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થતા સારવારમાં ખસેડાયા
અગ્ર ગુજરાત, જામનગર
જામનગરના ધ્રોલ પંથકમાં આજે એક ગોઝારો અકસ્માત સર્જાયો છે. ધ્રોલ-લતીપર-ટંકારા રોડ પર આવેલી જીવદયા ગૌશાળા પાસે બે ફોરવ્હીલર કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારના ફૂરચેફૂરચા ઉડી ગયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ધ્રોલ-લતીપર રોડ પર બે કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી તે દરમિયાન ગૌશાળા પાસે કોઈ કારણોસર બંને કારનું નિયંત્રણ ગુમાવતા સામસામે ભટકાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનાસ્થળે જ 3 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. આ અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે તાત્કાલિક જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઉપરાંત એક વ્યક્તિને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા. પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને આગળની કાયદેસરની કાર્યવાહી (Legal Action) હાથ ધરી છે. અકસ્માતને પગલે રોડ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી, જેને પોલીસે ભારે જહેમત બાદ પૂર્વવત કરી હતી. હાલમાં પોલીસે બંને કારને કબજે કરીને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


