સાવરકુંડલા-મહુવા રોડ પર શ્વાન આડું ઉતરતા વાહન પલટાયું, 14 લોકોને ઈજા
ગંભીર રીતે ઘવાયેલા 3ને અમરેલી હોસ્પિટલ ખસેડાયા
અગ્ર ગુજરાત, અમરેલી
અમરેલી જિલ્લાના સાવરકુંડલા-મહુવા રોડ પર મોડી રાત્રે એક કેરી વાહન અકસ્માતનો ભોગ બન્યું હતું. મામલતદાર કચેરી નજીક અચાનક શ્વાન આડું ઉતરતા વાહન પલટી ગયું હતું. આ અકસ્માતમાં અંદાજે 14 જેટલા મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
ઈજાગ્રસ્તો પૈકી ત્રણ લોકોને ગંભીર ઈજાઓ થતાં તેમને વધુ સારવાર માટે તાત્કાલિક અમરેલી સિવિલ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. અન્ય ઈજાગ્રસ્તોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક સેવાભાવી લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે ખાનગી વાહનો મારફતે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવામાં મદદ કરી હતી. સાવરકુંડલા ટાઉન પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને અકસ્માતનો ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે.
ઈજાગ્રસ્ત ડાંગર કરણ બાલાભાઈએ જણાવ્યું હતું કે તેઓ મહુવા તાલુકાના ગોરસ ગામ સ્થિત ઠાકર દ્વારે દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. મામલતદાર ઓફિસ નજીક અચાનક શ્વાન આડું આવતા ડ્રાઈવરે જોરથી બ્રેક મારી, જેના કારણે વાહન પલટી ગયું અને તેઓ રોડ પર પટકાયા. તેમણે પુષ્ટિ કરી કે વાહનમાં 14 લોકો સવાર હતા અને બધાને ઈજા થઈ હતી.
સાવરકુંડલા શહેરના સેવાભાવી ભરતભાઈ રબારીએ માહિતી આપી હતી કે તેમને અકસ્માત અંગે ફોન મળતા તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું કે ત્યાંનો માહોલ ખૂબ જ ખરાબ હતો અને 12 થી વધુ લોકો ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યા હતા. તેમણે અને તેમના સાથીઓએ પોતાની ખાનગી ગાડીઓ દ્વારા ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડી સારવાર શરૂ કરાવી હતી.


