તુલસીદાસજીનો ધર્મરથ મૌલિક છે : મોરારિબાપુ
આફ્રિકા-કેન્યાના કેરિચોની પ્રાકૃતિક સૌંદર્ય અને ચાના બગીચાઓથી સમૃધ્ધ ભૂમિ પર ‘માનસ રથયાત્રા’નો શુભમંગલ પ્રારંભ
દરેક યાત્રાનો જન્મ પદયાત્રાથી થાય છે
જે યોગ્ય હોય એને જ યોગ પ્રાપ્ત થાય છે, અયોગ્યને નહીં!
પ્રિય બાપુની ૯૮૧મી રામકથા ‘માનસ રથયાત્રા’નો શુભમંગલ પ્રારંભ આફ્રિકાના કેન્યાના કેરિચોની ભૂમિ પરથી ગત શનિવારથી થયો હતો. આ રામકથાના કેન્દ્રીય વિષય સંદર્ભે પ્રેમસંવાદ કરતા પ્રિય બાપુએ કહ્યું હતું કે હું બે દિવસથી વિચારતો હતો કે આ કથાનો વિષય ‘માનસ ગુરૂપ્રસાદ’ રાખું કેમ કે હમણા ગુરૂપૂણિમાનો મંગલ અવસર આવી રહ્યાં છે. (તા.૨૯-૭-૨૬) તો ગુરૂ મહિમા વિશે કહું! અગાઉ ગુરૂ વિશે તો ઘણી ઘણી કથાઓમાં બોલાયું છે, પ્રવચનોમાં પણ બોલાયું છે. એક વિચાર એ પણ આવ્યો કે હમણાં જ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દિવસ ગયો તો થયું કે માનસની રથયાત્રા વિશે સંવાદ કરીએ કેમ કે ભારતમાં જગન્નાથજીની રથયાત્રાનો મોટો મહિમા છે. જગન્નાથજી મંદિર અને અમદાવાદની રથયાત્રા વિશેષ છે. અમદાવાદની રથયાત્રા તો એકસો ઓગણ પચ્ચાસમી છે, અમારા ભાવનગરમાં પણ ઓગણ પચાસ વર્ષોથી જગન્નાથજીની રથયાત્રા નીકળે છે, હું અહીં આવ્યો એ પહેલા ભાવનગરની રથયાત્રાના દર્શન-પૂજનનો લ્હાવો લઇને આવ્યો છું. તો કેરિચોની રામકથાનો રામકથાનો મુખ્ય વિષય ‘માનસ રથયાત્રા’ રહેશે અને તુલસીદાસજીના રામચરિત માનસમાં કેટકેટલી યાત્રાઓ છે અને કઇ-કઇને કયાં-કયાં રથયાત્રાના સંદર્ભો છે એ વિશે આપણે સંવાદ કરીશું.
લંકા કાંડની આ ત્રિપદી ચોપાઇ અને કેન્દ્રમાં રાખીને માનસ (હૃદય) યાત્રા કરીશું તમે પણ આ ચોપાઇઓનું ગાન કરો.
નાથ ન રથ નહીં પદયાત્રા,
કેકિ બિધિ જિતબ બીર બલવાના
સૌરજ ધીરજ તે હિ રથ ચાકા,
સત્ય સીલ દ્રઢ ધ્વજા પતાકા
સખા ધર્મમય અસરથ જાકે,
જીતન કહું ન કતહું રિપુ તાકે.
તુલસીદાસજી ધર્મરથ મૌલિક છે. હું મારી જવાબદારી સાથે આ વિધાન કરૂ છું કે માનસનો ધર્મરથ મૌલિક છે. આપણે ત્યાં અનુભૂતિના ત્રણ પ્રકાર છે. (૧) લૌકિક (૨) અલૌકિક અને (3) મૌલિક.
ગઇકાલ-રવિવાર-બીજા દિવસની રામકથાનો પ્રેમાળ સંવાદમાં આગળ વધતા પ્રિય બાપુએ કહ્યું કે હું ભાગવદનો વકતા નથી. છાત્ર પણ નથી, પણ ભાગવદનો શ્રોતા છું. ભાગવદમાં પણ કોઇ સ્કંધ ના કોઇ શ્લોકમાં લૌકિક, અલૌકિક અને મૌલિકનો સંદર્ભ આવે છે અને મને બે ચાર ભાગવદના વકતાઓએ એ લખીને મોકલ્યું છે. એના આધારે હું કહેવા માંગું કે તુલસીજીનો ધર્મરથ મૌલિક છે. હું ચાર બાબતો કહું તો (૧) માનસ મારો શ્વાસ છે, રામચરિત માનસ ન હોત તો હું કયારનોય મૃત્યુ પામ્યો હોત, આ મેં ઘણી વખત આપને કહ્યું છે કે માનસ મારો શ્વાસ છે. પ્રાણ છે, માનસ ન હોત તો હું પણ ન હોત! (૧) ભગવદગીતા મારો વિશ્વાસ છે એક વાત યાદ રાખજો કે ભરોસો જ ભરોસાને જન્મ આપે છે. ભરોસામાંથી ભરોસાનો જન્મ થાય છે. આ કોઇ પ્રાસાનું પ્રાસ નથી પણ આ વ્યાસાનુવ્યાસ છે. આ કોઇ ગ્રામર (વ્યાકરણ) નથી, ગીરા છે (3) ભાગવદમારી તલાસ (ખોજ-શોધ) છે. અને આપ સૌના આર્શિવાદ હોય તો મારે એક મનોરથ છે કે માનસ ભાગવદ યાત્રા વિષયને લઇને એક રામકથા ગાન કરવું છે. (૪) ઉપનિષદ મારો પ્રકાશ છે.
દરેક યાત્રાનો જન્મ પદયાત્રાથી જ થાય છે. રામની પદયાત્રા એક યજ્ઞયાત્રા છે. તમે જૂઓ ચૌદ વર્ષના વનવાસ દરમ્યાન કેટકેટલી પદયાત્રા રામે કરી છે. રથયાત્રાની જનની પદયાત્રા છે. આદિ જગદગુરૂ શંકરાચાર્યજીની પદયાત્રા-કાલડી કેદારનાથ સુધી અને દ્વારિકાથી જગન્નાથજી સુધી. કૃષ્ણની પદયાત્રા એ રણછોડ બનીને ડાકોર ગયા હશે ત્યારે પદયાત્રા જ કરી હશે! તુલસીદાસજીની પદયાત્રા, શંકર મહાદેવની પદયાત્રા અને હમણાની જ વાત, જેના હું અને તમે સાક્ષી છીએ એ વિનો બાજીની પદયાત્રા (ભૂદાન યાત્રા નિમિતે)
આપણી ગુજરાતની દિકરી સુનિતા વિલિયમ્સની અંતિરક્ષ યાત્રા એમણે પોતે કહ્યું કે હું નાનપણમાં ભણતી હતી ત્યારે ખૂબ પદયાત્રા કરતી. આમ પદયાત્રાથી અંતરિક્ષ યાત્રા સુધીના સફર છે. હનુમાનજીની પદયાત્રા. મને કાલે રાત્રે વિચારતો હતો કે કેટકેટલી યાત્રાઓ હોય છે. એની યાદી મેં લખી લીધી છે. પહાલ તો આ પોથીયાત્રા-કોઇપણ ભગવદ કથા હોય એની પોથીયાત્રા, શોભાયાત્રા, રથયાત્રા, વરયાત્રા જો કે વર તો ઘોડા ઉપર નીકળે! કળશયાત્રા, કાવડ યાત્રા-હમણા ઉત્તરાખંડમાં કાવડ યાત્રા હતી. તીર્થયાત્રા, વનયાત્રા, હનુમાનજીની પાતાળ યાત્રા, બૃધ્ધ ભગવાનની ધર્મચક્ર યાત્રા, ગંગા સાગર યાત્રા, જીવન યાત્રા, માનસમાં અંતરિક્ષ યાત્રા, વિદેશ યાત્રા, પ્લેન યાત્રા, જળયાત્રા, ટ્રેન યાત્રા અને સ્ટીમર યાત્રા, ટ્રેઇન યાત્રાઓની કથાઓ કરી છે ત્યારે ખૂબ આલોચનાઓ પણ થઇ છે. ખૂબ સહન કર્યુ છે. ખેર….એક અત્યંત મહત્વની છેલ્લી યાત્રા છે એ સ્મશાન યાત્રા.
અમારે કૈલાસ ગુરૂકૂળનો જયદેવ (માંકડ) એના માતા જયોત્સનાબહેને મને હમણાં એક સરસ વાત કરી કે બાપુ, વર્ષો પહેલા અમારા ઘરમાં પીતળના વાસણો હતાં. પછી સ્ટીલના વાસણો આવ્યાં. ત્યારે જયદેવના પપ્પા (શિરિપભાઇ માંકડ)એ ડૉ.કાકા (ડોલરાય માંકડ)ને કહ્યું કે બાપુજી, અત્યારે સ્ટીલના વાસણોનો જમાનો આવી ગયો છે. તો આપણે પણ સ્ટીલના વાસણો વસાવીએ? અને પછી ડૉ.કાકાએ જે જવાબ આપ્યો છે એ સાધુ બ્રાહ્મણનો જવાબ છે. ડૉ.કાકાએ કહ્યું કે ભલે સ્ટીલના વાસણો આવ્યા પણ જયાં સુધી આપણી આજુબાજુ રહેતા લોકોના ઘરમાં સ્ટીલના વાસણો ન આવે ત્યાં સુધી આપણે સ્ટીલના વાસણો ન લેવાય! સાહેબ, આ છે સાધુતા…
કથારત્નો
(૧) રથયાત્રાની જનની પદયાત્રા છે
(૨) ભરોસો જ ભરોસાને જન્મ આપે છે
(3) માનસ મારો શ્વાસ છે, ભગવદ ગીતા મારો વિશ્વાસ છે, ભાગવદત મારી તલાસ છે અને ઉપનિષદ મારો પ્રકાશ છે
(૪) ઘણા લોકોનું જીવન ગધેડા જેવું હોય અને નિંદા નંદિની કરતા હોય!!!
(૫) જે જયાં ખોવાયું હોય ત્યાંથી જ મળે છે
એક આવી રામકથાનો મનોરથ….
રથયાત્રા વિષયક રામકથાનો પ્રેમસંવાદમાં પ્રિય બાપુએ એક વિશેષ રામકથાના મનોરથ વિશે કહ્યું હતું કે મને ‘માનસ ભાગવદ યાત્રા’ વિષયને કેન્દ્રમાં રાખીને એક રામકથા ગાવાનો મનોરથ જાગ્યો છે. જોઇએ કયારે થાય? આ જન્મ ન થાય તો આગલા જન્મે પણ જયાં-જયાં ભાગવદ શ્રવણ થયાં છે એ સ્થાનો પર જઇ જઇને ભાગવદની ખોજ-તલાસ કરવી છે. હું ભાગવદનો વકતા નથી, છાત્ર પણ નથી, હા હું ભાગવદનો શ્રોતા છું. તો આવી રામકથા ગાવી છે, આપ સૌ સંતો-ભકતો, ભાગવદ કથાકારો અને તમે સૌ મારા શ્રોતા ફલાવર્સ આર્શિવાદ આપજો કે ‘માનસ ભાગવદયાત્રા’ રામકથા થાય અને થશે જ, અને તમે પણ સૌ આવજો.


