ઇશ્વર પાસે ઐશ્વર્ય ન માંગો, અશ્રુ માંગો, અશ્રુ પરમ પ્રસાદ છે : મોરારિબાપુ
ઉપનિષદ કાળમાં ‘ગુરૂ’ શબ્દ જ હતો, મથ્થકાળમાં ‘સદગુરૂ’ શબ્દ આવ્યો
આંતરિક રથયાત્રા માટે એક ‘મનોરથ’
સદગુરૂ અને સદગ્રંથ આપણી સાથે-સાથે ચાલે છે
કેરિચો (કેન્યા)ની લીલુડી ધરતી પર પ્રવાહિત થઇ રહેલી ‘માનસ રથયાત્રા’ રામકથા ગઇકાલે સાતમા પડાવ પર પહોંચી હતી. કથાના શુભ-મંગલ સ્નેહસંવાદને આગળ લઇ જતાં બાપુએ કહ્યું કે ગુરૂ આપણો સારથી છે માર્ગદર્શક છે. ગુરૂ સાધન નથી. આ ધર્મરથ અંતરસ્થ રથ છે. ગુરૂ અને ગ્રંથ તટસ્થ રહીને (કિનારે રહીને) આપણું માર્ગદર્શન કરે છે. કોઇ સારથી રથીને રથમાં બેસાડીને ઉતરી જાય ખરો? ભગવદગીતામાં કૃષ્ણ અર્જુનને પહેલા રથમાંથી ઉતરી જવાનું કહે છે ત્યારે અર્જુન દલીલ કરે છે કે કેમ? ભગવાન કહે છે ચર્ચા-સંવાદ ન કર, હું કહું છું ને ઉતરી જા! પછી અર્જુન આજ્ઞા માની ઉતરી જાય છે અને પછી કૃષ્ણ ઉતરે છે અને રથ ભડભડ ભડભડ! ફરી અર્જુન પ્રશ્ન કહે છે કે હે, સખા! અત્યાર સુધી રથ કેમ ન બળ્યો? ત્યારે કૃષ્ણ હસતા-હસતા કહે છે કેટકેટલા શસ્ત્રો, ભષ્મના અગ્નિબાણો વગેરે વગેરે આ રથ પર ઝીંકાયા પણ સારથિ હું હતો એટલે તારા રથને ઉની આંચ ન આવવા દીધી, ત્યારે રથની ધજા ઉપર બેઠેલા મારા હનુમાનજી કૃષ્ણને સ્પષ્ટ કહે છે કે, ભગવાન, રથની ધજા ઉપર હું બેઠો છું એટલે રથને કશું થયું નથી! હવે તમે અને અર્જુન પણ રથમાંથી ઉતરી ગયા છો તો હવે હું જ જાઉં…ને હનુમાનજી ઉડી જાય છે ને પછી રથ ભડભડ ભડભડ સળગી જાય છે.
‘ગુરૂ’ શબ્દ ઉપનિષદકાળમાં જ હતો, ‘સદગુરુ’ શબ્દ તો આપણા મઘ્યકાળમાં આવ્યો ને મઘ્યકાલીન સંતવાણી-ભજનવાણીમાં ‘સદગુરૂ’ શબ્દનું ખૂબ જ મહત્વ થયું છે. મેં કહ્યું ને કે ગુરૂ અને ગ્રંથ આપણને દૂરથી, તટસ્થ એટલે કે કિનારે રહીને માર્ગદર્શન આપે છે, જ્યારે ‘સદગુરૂ’ અને ‘સદગ્રંથ’ તો આપણી સાથે ને સાથે ચાલે છે. સદગુરૂ હંમેશા પોતાના શિષ્યની સાથે રહીને જ માર્ગદર્શન આપે છે કે બેટા, અહીં કેડ સમાન પાણી છે, આવી જા, ચિંતા ન કર, જો આ બાજુ કાદવ-કિચડ છે, ખાડા છે. આ રીતે સદગુરૂ હોય એ હંમેશા આપણી સાથે ને સાથે જ રહે છે. આ છે સદગુરૂનો મહિમા.
આપણી આંતરિક રથયાત્રાનો પણ એક મનોરથ છે એ છે મનનોરથ. મનોરથ. આ મનોરથ અંતરસ્થ છે. ઘણા લોકો આપણા મનની વાત જાણી જાય છે, ક્યારેક ક્યારેક. બાકી તમારા-મારા મનમાં શું ચાલી રહ્યું છે એ હજુ સુધી કોઈ જ જાણી શક્યું નથી. સંસારમાં દરેક વ્યક્તિના મનમાં મનોરથ નિરંતર ચાલ્યા જ કરે છે. આ આંતરીક મનોરથના બે પૈડા ક્યા? એના બે ઘોડા ક્યા?લ તો મનોરથના બે પૈડા છે ૧) પૂરુષાર્થ અને ૨) પ્રારબ્ધ. ઘણા લોકો પુરૂષર્થ ખૂબ કરે પણ એના પ્રારબ્ધ ન હોય! અને ઘણા લોકોના પ્રારબ્ધ હોય તો એને પુરૂષર્થ વગર સફળતા મળે છે. સાધુ પાસે પ્રારબ્ધ હોય છે. મનોરથના બે ઘોડા (૧) મનોબળ અને (૨) પ્રાણબળ. હવે આ મનોરથના સારથિ કોણ? બલભદ્ર, સુભદ્રા અને જગભદ્ર સારથિ છે અને અંતે આપણા મનોરથનું લક્ષ્ય શું છે? હું વારેવારે કહેતો રહું છું એમ આ મનોરથનું લક્ષ્ય …. ૧) સત્ય ૨) પ્રેમ અને 3) કરૂણા.
અમારા અનુબાપુએ (અનુભાઈ હરિયાણી) એક સરસ રચના લખી મોકલી છે, ગાય શકાય એવી રચના છે…
સાંભળ મારા મીત, મૌન મારું ગીત,
આંસુ મારી રીત, તું ક્યાંથી જાણે પ્રીત?
આંસુએ અંઘોળ કરી, મેં આંખે આંજી પ્રીત,
હરિએ ત્રોફ્યું ત્રાજવું, મેં તારું નામ કર્યું અંકિત!
આપણા હરિશભાઈ (હરિશચંન્દ્ર જોશી)નો પણ આ સંદર્ભનો એક સરસ શેર છે
આંખમાં આંસુ નથી છીદ્ર છે!
તું ગમે તે હો ‘હરિશ’ દરીદ્ર છે!
કવિ ગાયક: હરિશચન્દ્ર જોશી (ભાવનગર)
કથાસાર કહેતાં બાપુએ અહલ્યાનો પ્રસંગ ખુબ વિસ્તારથી સજળ આંખે વર્ણવ્યો હતો… વિશ્વામિત્રજી રામ-લક્ષ્મણને અહલ્યાની શીલા તરફ લઈ જાય છે, અને આશ્રમ પાસે વિશ્વામિત્ર ઉભા રહી જાય છે ત્યારે રામજી પૂછે છે કે ગુરૂદેવ! આ કોનો આશ્રમ છે? અને આશ્રમ કેમ વેરવિખેર છે? ઈન્દ્ર એ છળકપટ કરીને અહલ્યાને છેતરી છે એ બધી વાત વિશ્વામિત્ર કહે છે અને પછી પથ્થર બની (વાયુભક્ષા) ગયેલી અહલ્યાને ચરણસ્પર્શ કરવાનું કહે છે અને અહલ્યા પ્રગટ થયા છે, સજીવ થયા છે, પણ રામજીને મનમાં ગ્લાનિ થાય છે કે મેં એક સ્ત્રીને પગ અડાડ્યો?! રામજી ગુરૂ વિશ્વામિત્રને પોતાની પીડા કહે છે કે-ગુરૂ, આ પીડાનો ઉપાય, પ્રાયશ્ચિત શું? તો વિશ્વામિત્રજી કહે છે કે, ગંગાસ્નાન કરો એટલે તમારી પીડા-પ્રાયશ્ચિત રૂપે દૂર થઈ જાય. રામજી કહે છે કે ગંગા ક્યાં? તરત વિશ્વામિત્રજી ગંગા કિનારે લઈ જાય છે. અહીં સતયુગનું સ્મરણ રામજી ને થયું છે. સતયુગમાં એક ભક્તે મને પથ્થરમાંથી પ્રગટાવ્યો હતો. એ ભક્ત શિરોમણી પ્રહલાદજી અને અહીં મેં પથ્થરમાંથી અહલ્યાને સજીવ કર્યા.
કથામાં ગઈકાલે ભોજન પ્રસાદનું મેનૂ આ મુજબ હતું: ગંગાજળમાં બનેલી રસોઈના પ્રસાદમાં (૧)ખીર (૨) પુરી (3)ચણાનું શાક (૪) વાલોર-તુવેરનું શાક (૫)ગોટા ભજીયા (૬) દાળ (૭)ભાત (૮) સલાડ (૯)પાપડ (૧૦) છાશ. પંદરસો જેટલા કથા ભક્તોએ પ્રેમપૂર્વક પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
કથારત્નો
૧) વેદ માટે વિદ્યાલયો છે, પણ આંસુ માટે કોઈ પાઠશાળા નથી!
૨) પવિત્રને પણ પવિત્ર કરે એ છે ‘પાવન’ શબ્દ
3) બુંદનો સમૂહ જ સમુદ્ર છે: ઓશો
૪) ‘‘તટસ્થિતા બોધયન્તી ગુરવહ શ્રુતયો યથા પ્રજ્ઞેવ તરેન વિદ્વાન ઈશ્વરાનુ ગુહયાતમ્…’’
૫) ઓકરે તાલ મિલે નદી કે જલ મેં
નદી મિલે સાગર મેં, સાગર મિલે કૌને જલ મેં કોઈ જાને ના…
-મારી દ્રષ્ટિએ આ આઘ્યાત્મિક ગીત છે.


