- વિકેટકીપિંગમાં લોકેશ રાહુલે દિલ જીત્યા
- કોહલી બીજી વખત સદી ચૂક્યો
- ભારતના વર્લ્ડ કપ ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ વિજય
વાનખેડે ખાતે રમાયેલા વન-ડે વર્લ્ડ કપની 33મી મેચમાં યજમાન ભારતે શ્રીલંકાને 302 રનથી હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ભારતે શુભમન ગિલ, વિરાટ કોહલી તથા શ્રોયસ ઐયરની અડધી સદી વડે આઠ વિકેટે 357 રન બનાવ્યા હતા. ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર શ્રીલંકન ટીમ 55 રનના સ્કોરે તંબુભેગી થઇ ગઇ હતી. ભારતે વન-ડે ક્રિકેટમાં શ્રીલંકાને બે વખત 300 રનના માર્જિનથી હરાવનાર બીજી ટીમ બની ગઇ છે. ભારતે આ પહેલાં ચાલુ વર્ષના જાન્યુઆરીમાં ત્રિવેન્દ્રમ ખાતે શ્રીલંકાને 317 રનના માર્જિનથી હરાવ્યું હતું. રનના માર્જિનના આધારે વર્લ્ડ કપમાં બીજો બેસ્ટ અને ભારતના વર્લ્ડ કપ ઇતિહાસનો સર્વશ્રેષ્ઠ વિજય પણ નોંધાયો છે.
શમીએ મિચેલ સ્ટાર્કની બરોબરી કરી
શમીએ વર્લ્ડ કપમાં ત્રીજી વખત એક મેચમાં પાંચ વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી છે અને તે પ્રથમ બોલર બનવાની સાથે તેણે ઓસ્ટ્રેલિયાના પેસ બોલર મિચેલ સ્ટાર્કની બરોબરી કરી છે જેણે પણ ત્રણ વખત પાંચ-પાંચ વિકેટ ખેરવી છે.
સદી વિના ભારતનો હાઇએસ્ટ સ્કોર નોંધાયો
ભારતે વ્યક્તિગત સદી વિના આઠ વિકેટે 357 રનનો સ્કોર નોંધાવ્યો છે જે પણ અનોખો રેકોર્ડ છે. આ પહેલાં વર્લ્ડ કપની મેચમાં સદી વિના હાઇએસ્ટ સ્કોર પાકિસ્તાને 2019માં નોટિંગહામ ખાતે ઇંગ્લેન્ડ સામે આઠ વિકેટે 348 રનનો નોંધાવ્યો હતો.
પાંચ વિકેટ છતાં મદુશંકા બીજો ખર્ચાળ બોલર
ભારત સામે શ્રીલંકન બોલર દિલસાન મદુશંકાએ વાનખેડે ખાતે વર્લ્ડ કપની મેચમાં ભારત સામે 10 ઓવરમાં 80 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. તેણે રોહિત (4), ગિલ (92), કોહલી (88), ઐયર (82) તથા સૂર્યકુમારને (12) આઉટ કર્યા હતા. મદુશંકાએ ભલે પાંચ વિકેટ ઝડપી હોય પરંતુ વન-ડે ક્રિકેટમાં તેણે એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. શ્રીલંકન બોલર વન-ડેમાં બીજો સૌથી ખર્ચાળ પાંચ વિકેટ ઝડપનાર બોલર બની ગયો છે. આ પહેલાંનો રેકોર્ડ ઇંગ્લેન્ડના આદિલ રશીદના નામે હતો જેણે 2019માં વેસ્ટ ઇન્ડિઝ સામે 85 રનમાં પાંચ વિકેટ હાંસલ કરી હતી.
ઐયરે વન-ડેમાં 2000 રન પૂરા કર્યા, સિદ્ધુ અને ગાંગુલીને પાછળ રાખ્યા
ભારતના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રોયસ ઐયરે વન-ડેમાં બે હજાર રન પૂરા કર્યા હતા. તેણે શ્રીલંકા સામે વર્લ્ડ કપની મેચમાં 56 બોલમાં 82 રન ફટકાર્યા હતા. તે ભારત તરફથી સૌથી ઓછી ઇનિંગ્સમાં બે હજાર રન પૂરા કરનાર ત્રીજો બેટ્સમેન બની ગયો છે. શુભમન ગિલ આ યાદીમાં મોખરાના સ્થાને છે જેણે 38 ઇનિંગ્સમાં આ માઇલસ્ટોન પાર કર્યો હતો. બીજા ક્રમે રહેલા શિખર ધવને 48 ઇનિંગ્સમાં તથા ઐયરે 49 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. ઐયરે ભૂતપૂર્વ બેટ્સમેન નવજોતસિંહ સિદ્ધુ (52) અને સૌરવ ગાંગુલી (52) પાછળ રાખી દીધા હતા.