ગાર્ડી વિદ્યાપીઠ ખાતે આપત્તિ વ્યવસ્થાપન અંગે ડિઝાસ્ટર મેનેજમેન્ટ મોકડ્રીલ યોજાઈ
તાલીમ સત્રમાં નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન અપાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સ્થિત ગાર્ડી વિદ્યાપીઠના એચ. વી. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ નર્સિંગ કેમ્પસમાં આપત્તિ વ્યવસ્થાપન અંગે એક સફળ મોક ડ્રીલ અને તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટની નિષ્ણાત ટીમ દ્વારા આપત્તિ વ્યવસ્થાપન અને ટેકનિકલ બાબતો વિશે વિગતવાર સૈદ્ધાંતિક માહિતી આપવામાં આવી હતી. જેમાં ભૂકંપ જેવી આપત્તિઓ સમયે રેસ્ક્યુ કેવી રીતે કરવું તેનું જીવંત ડેમોન્સ્ટ્રેશન વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને બતાવવામાં આવ્યું હતું.
આ સત્રમાં આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) આર. એ. ચુડાસમા અને તેમની ટીમ દ્વારા સરાહનીય પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમની ટીમે માત્ર ૮૬ મિનિટમાં સંપૂર્ણ સેટ-અપ તૈયાર કરીને ભૂકંપ જેવી પરિસ્થિતિમાં ફસાયેલા ૫ લોકોને બચાવવાની મોક ડ્રીલનું સફળતાપૂર્વક નિદર્શન કર્યું હતું.
આ તાલીમ કાર્યક્રમમાં સંસ્થાના મેનેજિંગ ડાયરેક્ટર જય મહેતા, ચેરમેન ડો.અરવિંદ ભટ્ટ તથા પ્રિન્સિપાલ ડૉ. આશિષ ગૌતમ, તેમજ સમગ્ર સ્ટાફ અને નર્સિંગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના હોદ્દેદારો દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમની કાર્યક્ષમતાને બિરદાવવામાં આવી હતી. આ મોક ડ્રીલથી વિદ્યાર્થીઓને આપત્તિ સમયે બચાવ કામગીરી અને કટોકટીના સમયમાં લેવાના પગલાં અંગેની મહત્વપૂર્ણ વ્યવહારુ જાણકારી મળી હતી.


