જાફરાબાદના બાબરકોટમાં ૭૫ હેક્ટર રિઝર્વ ફોરેસ્ટની જમીન ખાનગી કંપનીને સોંપવાની હિલચાલ સામે રોષ !
વન વિભાગની બેવડી નીતિ સામે સવાલો: 2016 માં જે જમીન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરાયો હતો, ત્યાં હવે માઇનિંગ માટે પોઝિટિવ અભિપ્રાય અપાયાની ચર્ચા,
અગ્ર ગુજરાત, જાફરાબાદ
અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે સર્વે નંબર ૬૯ પૈકીની ૭૫ હેક્ટર રિઝર્વ ફોરેસ્ટની જમીન અલ્ટ્રાટેક સિમેન્ટ લિમિટેડ કંપનીને ખનન (માઇનિંગ) માટે સોંપી દેવાની ચાલી રહેલી હિલચાલને પગલે સ્થાનિક ગ્રામજનો અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. વર્ષોથી સિંહોના કાયમી નિવાસસ્થાન ગણાતી આ જમીન ખાનગી કંપનીને અપાશે તો એશિયાટીક સિંહોના અસ્તિત્વ સામે મોટો ખતરો ઉભો થશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૧૬ માં તત્કાલીન ડીસીએફ (ગીર પૂર્વ ડિવિઝન,ધારી) દ્વારા આ જમીન કંપનીને આપવા સામે લેખિતમાં સખત વિરોધ નોંધાવી નકારાત્મક રિપોર્ટ આપવામાં આવ્યો હતો. જેમાં આ વિસ્તાર સિંહોનો કાયમી વસવાટ, પ્રજનન ક્ષેત્ર, કોરિડોર હોવાનો અને હાઇકોર્ટની પી.આઇ.એલ.નો સ્પષ્ટ ઉલ્લેખ કરીને પર્યાવરણને ભારે નુકસાન થવાની ચેતવણી અપાઈ હતી. અત્યાર સુધી તમામ અધિકારીઓનો રિપોર્ટ નેગેટિવ રહ્યા બાદ હવે અચાનક આ જમીન માઇનિંગ માટે આપવા પોઝિટિવ અભિપ્રાય અપાઈ રહ્યાની ચર્ચાથી વન વિભાગ અને સરકારની ‘સેવ લાયન’ની નીતિ સામે ગંભીર પ્રશ્નાર્થો ઉભા થયા છે. સિંહોના ઘરમાં જ માઈનિંગની તૈયારી હિલચાલના કારણે ખળભળાટ મચ્યો છે. રાજુલા-જાફરાબાદ વિસ્તારમાં અગાઉ જે સિંહોની સંખ્યા ૧૫ થી ૨૦ જેટલી હતી તે કોરિડોરના ઉપયોગને કારણે વધીને હાલ ૫૫ થી ૭૫ જેટલી થઈ ગઈ છે. જો આ વિસ્તારમાં માઈનિંગની પ્રવૃત્તિ શરૂ થશે તો સિંહોના કુદરતી વાસસ્થાન અને અવરજવરના કોરિડોરને ભારે નુકસાન થશે. પર્યાવરણની સમતુલા ખોરવાશે અને માનવ-સિંહ વચ્ચે સંઘર્ષના બનાવો વધી શકે છે. સ્થાનિક વિસ્તારમાં પ્રદૂષણમાં વધારો થતાં ટીબી અને અન્ય બીમારીઓનું પ્રમાણ વધવાની દહેશત છે. આ બાબતે બાબરકોટ ગામના સરપંચ પ્રતિનિધિ અનકભાઇ સાંખટ તથા ચેતનભાઇ વ્યાસ સહિતના આગેવાનોની આગેવાનીમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કંપની દ્વારા અગાઉ યોજાયેલી લોક સુનાવણીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના અને એનજીટી (NGT) દ્વારા એન્વાયરમેન્ટલ ક્લિયરન્સ રદ કરાયું હોવાના આક્ષેપો કરાયા હતા. આગેવાનોએ ચીમકી આપી છે કે, જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમા આવેદનપત્રો આપીને ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવશે. હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી (PIL) દાખલ કરવામાં આવશે. આ બેઠકમાં કાળુભાઈ વાઘ, જગદીશભાઈ ઝાખરા, હરસુરભાઈ રામ, ક્થડભાઈ રામ, દીપેન વ્યાસ અને જયદીપભાઈ ધાખડા સહિત આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


