સોમનાથ ટ્રસ્ટના મહેશ્વરી ભવનના રૂમબોયે યાત્રિકને ભૂલાયેલી ગોલ્ડ રિંગ પરત કરી
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓને ઉત્તમ સુવિધાઓ અને સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવામાં શ્રી સોમનાથ ટ્રસ્ટ હંમેશા અગ્રેસર રહ્યું છે. હાલમાં જ ટ્રસ્ટ સંચાલિત મહેશ્વરી ભવન ખાતે સ્ટાફની નિષ્ઠા અને પ્રામાણિકતાનું વધુ એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે, જેણે યાત્રિકોના મનમાં સોમનાથની છાપને વધુ ઉજ્જવળ બનાવી છે.
સોમનાથ ટ્રસ્ટના મહેશ્વરી ભવનમાં રૂમ નંબર 510 માં રોકાયેલા યાત્રિક પારેખ દેવાંગ એન. જ્યારે રૂમ ચેકઆઉટ કરીને નીકળ્યા, ત્યારે તેઓ પોતાની કિંમતી સોનાની વીંટી રૂમમાં જ ભૂલી ગયા હતા. ચેકઆઉટ બાદ જ્યારે મહેશ્વરી ભવનના ફરજ પરના રૂમબોય કલ્પેશ બામણીયા રૂમ ચેક કરવા ગયા, ત્યારે તેમને આ ગોલ્ડ રિંગ મળી આવી હતી. તેમણે પોતાની કર્તવ્ય નિષ્ઠા અને ટ્રસ્ટના સંસ્કાર પ્રમાણે તુરંત જ ફરજ પરના અધિકારીને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ ટ્રસ્ટ દ્વારા યોગ્ય ખરાઈ કરીને આ ગોલ્ડ રિંગ તેના મૂળ માલિક શ્રી દેવાંગભાઈ પારેખને સહીસલામત પરત કરવામાં આવી હતી. પોતાની કિંમતી વસ્તુ હેમખેમ પરત મળતા યાત્રિકે રૂમબોય કલ્પેશ બામણીયા અને સોમનાથ ટ્રસ્ટનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.


