સિંગતેલમાં ફરી રૂ.૧૫ અને કપાસિયા તેલમાં રૂ.૨૦નો વધારો ઝીંકાયો
તહેવાર ટાણે જ મોંઘવારી ભડકે બળતા સામાન્ય પરિવારના બજેટને અસર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યમાં તહેવારોની સિઝન ટાણે જ આમ જનતા પર મોંઘવારીનો નવો માર પડ્યો છે. ઘરગથ્થુ વપરાશમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં અચાનક વધારો ઝીંકાયો છે. જેને કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારનું રસોડાનું બજેટ ખોરવાઈ ગયું છે.
બજારના આંકડા મુજબ સીંગતેલના પ્રતિ ડબ્બાના ભાવમાં 15 રૂપિયાનો વધારો થયો છે. આ વધારા સાથે જ સીંગતેલના ડબ્બાનો ભાવ 2970 રૂપિયાથી વધીને 3030 રૂપિયા સુધી પહોંચી ગયો છે. બીજી તરફ કપાસિયા તેલમાં પણ પ્રતિ ડબ્બે 20 રૂપિયાનો વધારો નોંધાયો છે, જેના કારણે કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2575 રૂપિયાથી વધીને 2625 રૂપિયા થયો છે.
ખાદ્યતેલના ભાવમાં થયેલા આ વધારા પાછળનું મુખ્ય કારણ મગફળીનું ઓછું ઉત્પાદન માનવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં અપૂરતા અને ઓછા વરસાદને કારણે મગફળીના પાકને ભારે અસર પહોંચી છે. મગફળીનું ઉત્પાદન ઘટવાને કારણે યાર્ડોમાં નવી મગફળીની આવક પણ ધારણા કરતાં ખૂબ જ ઓછી રહી છે.
ઓછી આવક અને સામે ઊંચી માંગના કારણે ગત વર્ષની સરખામણીએ મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 400 થી 500 રૂપિયાનો સીધો વધારો જોવા મળ્યો છે. મગફળીના ઊંચા ભાવ અને મિલોમાં કાચા માલની અછતના કારણે તેલ મિલરો દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ જો નવી આવકમાં સુધારો નહીં થાય તો આગામી દિવસોમાં પણ ભાવ ઊંચા સ્તરે જળવાઈ રહે તેવી શક્યતા છે.


