રાજકોટમાં ૧૦મા આંતરરાષ્ટ્રીય મશીન ટૂલ્સ પ્રદર્શનને અભૂતપૂર્વ પ્રતિસાદ: બે જ દિવસમાં ૩૧,૦૦૦થી વધુ લોકોએ લીધી મુલાકાત
આજી વસાહતના NSIC ગ્રાઉન્ડ ખાતે દેશ-વિદેશની ૩૫૦ કંપનીઓના સ્ટોલ; ૨૮ નવેમ્બરે પ્રદર્શનનો અંતિમ દિવસ
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્રના પાટનગર તેમજ ઔદ્યોગિક હબ ગણાતા રાજકોટના આજી વસાહતમાં આવેલા NSIC ગ્રાઉન્ડ ખાતે ગત તા. ૨૫ નવેમ્બરથી શરૂ થયેલા ૧૦મા આંતરરાષ્ટ્રીય મશીન ટૂલ્સ પ્રદર્શનને પ્રથમ દિવસથી જ અભૂતપૂર્વ અને ઉત્સાહજનક પ્રતિસાદ સાંપડી રહ્યો છે. મશીન ટૂલ્સ એસોસિએશન-રાજકોટ અને કે એન્ડ ડી કોમ્યુનિકેશન લિમિટેડ-અમદાવાદ દ્વારા સંયુક્ત રીતે આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલા વેપારીઓ, ઉત્પાદકો, એન્જિનિયરો અને મુલાકાતીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે.
આ પ્રદર્શનના પ્રથમ દિવસે ૨૧,૦૦૦થી વધુ લોકોએ મુલાકાત લીધી હતી, જ્યારે ગઈકાલે બીજા દિવસે ૧૦,૦૦૦થી વધુ લોકોએ પ્રદર્શન નિહાળી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. માત્ર બે જ દિવસમાં ૩૧,૦૦૦થી વધુ મુલાકાતીઓની હાજરીથી સમગ્ર ઔદ્યોગિક જગતમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય બાબત એ છે કે, આ પ્રદર્શનમાં જે વેપાર-ઉદ્યોગકારોએ પોતાની કંપનીના ઉત્પાદનોના સ્ટોલ રાખ્યા છે, તેમણે પણ રાજકોટ મશીન ટૂલ્સ એસોસિએશનને અભિનંદન આપી એક અવાજે આ પ્રદર્શનની વ્યવસ્થા અને સફળતાને વખાણી હતી.
આ આંતરરાષ્ટ્રીય મશીન ટૂલ્સ પ્રદર્શનમાં દેશ-વિદેશની કુલ ૩૫૦ કંપનીઓ ભાગ લઈ રહી છે. વિવિધ વિશાળ ડોમમાં આ કંપનીઓ દ્વારા આધુનિક મશીનરી અને ઔદ્યોગિક ઉત્પાદનો સાથે સ્ટોલ ઊભા કરવામાં આવ્યા છે. તેમાંથી કેટલીક કંપનીઓ તો છેલ્લા ૧૦ વર્ષથી સતત આ પ્રદર્શનમાં ભાગ લઈ રહી છે. પ્રદર્શનમાં ભાગ લઈ રહેલા કેટલાક સ્ટોલધારકોએ જણાવ્યું હતું કે, આ પ્લેટફોર્મ તેમના વ્યવસાય અને નેટવર્કિંગ માટે અત્યંત મહત્વપૂર્ણ અને ફળદાયી સાબિત થઈ રહ્યું છે.
રાજકોટની કે.ટી.એમ. ટેકનોલોજી એન્ડ ઇનોવેશન્સ (ઇન્ડિયા) પ્રા.લિ.ના સૌરાષ્ટ્ર મેનેજર દીપકભાઈ પારડીયાએ જણાવ્યું હતું કે, તેમની કંપની વર્ષ ૨૦૧૫થી રાજકોટમાં કાર્યરત છે. કંપની દ્વારા CNC, VMC, TMC, DCMC અને VTM જેવા અદ્યતન મશીનોનું ઉત્પાદન કરવામાં આવે છે, જેની માત્ર સૌરાષ્ટ્ર-ગુજરાત કે સમગ્ર ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વના અનેક દેશોમાં નિકાસ થઈ રહી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ આંતરરાષ્ટ્રીય પ્રદર્શનથી તેમની કંપનીને ઘણો ફાયદો થયો છે. માત્ર બે દિવસમાં જ અનેક ઉદ્યોગકારોએ તેમની કંપનીના સ્ટોલની મુલાકાત લીધી છે અને કેટલાક ઉદ્યોગકારોએ તો મશીનરીનું બુકિંગ પણ કરાવી લીધું છે. આ સફળ આયોજન બદલ તેમણે આયોજકોને શુભકામના પાઠવી હતી.
આ જ રીતે રાજકોટની ભાગોળે મહત્વના ઔદ્યોગિક ક્ષેત્ર તરીકે વિકસેલા શાપર ખાતે કાર્યરત રાજેશ ગ્લોબલ મશીન ટૂલ્સ પ્રા.લિ. કંપનીના ડાયરેક્ટર જીગ્નેશભાઈ કાલરીયાએ જણાવ્યું હતું કે, તેમની કંપની છેલ્લા ૪૨ વર્ષથી કાર્યરત છે. કંપની શીટ મેટલ, CNC પ્રેસ બ્રેક, હાઇડ્રોલિક અને સેમી આયર્ન વર્કર જેવી મશીનરીનું ઉત્પાદન કરે છે. તેમના પ્રાઈમ ગ્રાહકોમાં ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી અને વેદાન્તા સહિતની દિગ્ગજ કંપનીઓનો સમાવેશ થાય છે. તેઓ દેશ-વિદેશમાં પોતાની મશીનરી સપ્લાય કરી રહ્યા છે અને આ પ્રદર્શનમાં પાંચમી વખત હિસ્સો લઈ રહ્યા છે. તેમણે જણાવ્યું કે, આ પ્રદર્શનથી કંપનીના વિકાસ અને વ્યાપારને નવો બુસ્ટરડોઝ મળ્યો છે.
આ ૧૦મા આંતરરાષ્ટ્રીય મશીન ટૂલ્સ પ્રદર્શનનો આવતીકાલે તા. ૨૮ નવેમ્બરના રોજ અંતિમ દિવસ છે. આથી વધુમાં વધુ ઉદ્યોગકારો, ટેકનિકલ નિષ્ણાતો અને મુલાકાતીઓ પ્રદર્શનની મુલાકાત લઈ નવી ટેક્નોલોજીથી માહિતગાર થાય અને પોતાના વ્યાપારનો વધુ વિકાસ કરે તેવી આયોજકો દ્વારા હાર્દિક અપીલ કરવામાં આવી છે.


