મનપાની ફૂડ વિભાગની મેગા ડ્રાઇવ
32 પેઢીઓમાં ચેકિંગ, 17 કિલો અખાદ્ય ખાદ્યપદાર્થોનો નાશ
હોટલ, રેસ્ટોરન્ટ, ડેરી અને પ્રોવિઝન સ્ટોર સહિતની પેઢીઓમાં તપાસ; 17 સંચાલકોને સ્ટોરેજ, લાઇસન્સ અને સ્વચ્છતા મુદ્દે નોટિસ, રૂ.7,500નો વહીવટી ચાર્જ વસૂલાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ, વાસી ખોરાકના વેચાણ અને સ્વચ્છતાના અભાવ સામે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ વિભાગે કાર્યવાહી તેજ બનાવી છે. ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં ન થાય તે હેતુથી હાથ ધરાયેલી સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત શહેરની કુલ 32 પેઢીઓમાં સર્વેલન્સ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ તપાસ દરમિયાન વાસી, અખાદ્ય, પડતર અને એક્સપાયર્ડ ખાદ્યપદાર્થોનો કુલ 17 કિલો જથ્થો મળી આવતાં તેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ તપાસ દરમિયાન કુલ 17 પેઢીઓને સ્ટોરેજ, ફૂડ લાઇસન્સ, હાઇજેનિક કન્ડિશન અને યોગ્ય લેબલિંગ સહિતની બાબતો અંગે નોટિસ આપવામાં આવી છે. જ્યારે નિયમોના ભંગ બદલ કુલ રૂ.7,500નો વહીવટી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ-2006 હેઠળ શંકાસ્પદ ખાદ્યપદાર્થોના કુલ સાત નમૂના લેવામાં આવ્યા છે, જેને પૃથક્કરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. લેબોરેટરીના રિપોર્ટ બાદ ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે વધુ સ્પષ્ટતા થશે.
ફૂડ વિભાગની ટીમે શહેરના ગોંડલ રોડ, કોઠારિયા રોડ, 80 ફૂટ રોડ, કુવાડવા હાઇવે, અમદાવાદ હાઇવે, ભક્તિનગર, રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. ખાસ કરીને હોટલ, રેસ્ટોરન્ટ, ડેરી ફાર્મ, ચાઇનીઝ અને પંજાબી ફૂડની દુકાનો, આઇસ્ક્રીમ પાર્લર, પાન કાફે અને પ્રોવિઝન સ્ટોરને તપાસના દાયરામાં લેવામાં આવ્યા હતા.
આ ડ્રાઇવ દરમિયાન ગોંડલ રોડ પર આવેલી ધ પાઇનવીંટા હોટલમાંથી પનીર અને મગના શાકના નમૂના લેવામાં આવ્યા હતા. હાઇજેનિક કન્ડિશન અંગે સંચાલકોને નોટિસ પણ આપવામાં આવી હતી. કોઠારિયા રોડ પર આવેલી જય યોગેશ્વર ડેરી ફાર્મમાંથી બટર અને મિક્સ દૂધના નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે 80 ફૂટ રોડ પર આવેલી તપસી રેસ્ટોરન્ટમાંથી લાલ મરચું પાઉડર, હળદર અને ગ્રેવીના નમૂના લેવામાં આવ્યા હતા. આમ, દૂધ-ડેરીની બનાવટોથી માંડીને રેસ્ટોરન્ટમાં વપરાતા મસાલા અને તૈયાર ગ્રેવીની ગુણવત્તા ચકાસવા તંત્રએ સેમ્પલિંગ કર્યું છે.
બીજી તરફ કુવાડવા હાઇવે પર જૂના જકાતનાકા સામે આવેલી જય દેવજીવન રેસ્ટોરન્ટમાંથી વાસી મંચુરિયન, પનીર અને બાંધેલો લોટ મળી અંદાજે છ કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ પેઢીને લાઇસન્સ અને સ્વચ્છતાના મુદ્દે નોટિસ ફટકારવામાં આવી હતી તેમજ રૂ.500નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો. કોઠારિયા રોડની ન્યુ સાગર સોસાયટીમાં આવેલા રહાન પ્રોવિઝન સ્ટોરમાંથી એક્સપાયરી ફૂડ પેકેટ અને પસ્તી સહિત પાંચ કિલો જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ પેઢી પાસેથી પણ રૂ.500નો ચાર્જ વસૂલાયો હતો.
કોઠારિયા રોડની ભોજલરામ સોસાયટીમાં આવેલી શ્રી હરિ પ્રોવિઝનમાંથી છ કિલો એક્સપાયરી ફૂડ પેકેટનો નાશ કરાયો હતો. સાથે જ યોગ્ય લેબલિંગ અને લાઇસન્સ અંગે નોટિસ આપી રૂ.500નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો. આમ, કેટલીક પેઢીઓમાં ગ્રાહકોને વેચાણ માટે રાખવામાં આવેલા એક્સપાયરી ખાદ્યપદાર્થો પણ મળી આવ્યા હતા.
આ ઉપરાંત 80 ફૂટ રોડ અને મટુકી મેઇન રોડ પર આવેલી જય ખોડિયાર ચાઇનીઝ એન્ડ પંજાબી, ક્રિષ્ના દાળપકવાન અને શ્યામ પાન એન્ડ ચા સહિતની પેઢીઓને સ્વચ્છતાના મુદ્દે નોટિસ આપવામાં આવી હતી. પ્રમુખરાજ ડેરી ફાર્મ, શ્રીજી એન્ટરપ્રાઇઝ, સૈરાની ફીશ, સૈરાની સમોસા અને સંતોષ પ્રોવિઝન સામે પણ વહીવટી કાર્યવાહી કરવામાં આવી હતી. તેમાં લાઇસન્સ, લેબલિંગ અને હાઇજેનિક કન્ડિશન અંગેની ખામીઓ ધ્યાને લેવામાં આવી હતી.
ગ્રીનલેન્ડ ચોકડી, રૈયા રોડ, ભક્તિનગર સર્કલ, સ્ટેશન પ્લોટ અને 150 ફૂટ રિંગ રોડ વિસ્તારમાં આવેલા આઇસ્ક્રીમ પાર્લર, ફાસ્ટફૂડ અને અન્ય ખાદ્યપદાર્થોના એકમોનું પણ સર્વેલન્સ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે પુનિતનગર, 80 ફૂટ રોડ અને કુવાડવા હાઇવે વિસ્તારની અનેક ખાણીપીણીની પેઢીઓ પણ તપાસવામાં આવી હતી.
મહાનગરપાલિકાની આ કાર્યવાહીથી ખાદ્યપદાર્થોનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. જોકે, માત્ર ચેકિંગ અને નોટિસ પૂરતું નહીં, પરંતુ લેબોરેટરીમાં મોકલાયેલા સાત નમૂનાના રિપોર્ટના આધારે નિયમભંગ કરનારાઓ સામે આગળની કાયદેસરની કાર્યવાહી થાય તે પણ એટલું જ જરૂરી છે. તહેવારો કે સામાન્ય દિવસોમાં નાગરિકોને શુદ્ધ, ગુણવત્તાયુક્ત અને સ્વચ્છ ખાદ્યપદાર્થો મળે તે માટે ફૂડ વિભાગ દ્વારા આવી તપાસ સતત ચાલુ રહે તેવી લોકમાંગ પણ છે.


