હવે GST રજિસ્ટ્રેશન રદ કરાવવા કચેરીના ધક્કા ખાવામાંથી મુક્તિ
૧ ડિસેમ્બરથી નવી વ્યવસ્થા અમલી બનશે: કર, વ્યાજ, ચાર્જ અને દંડનું લેણું બાકી નહીં હોય તો અધિકારીની તપાસ વિના જ ઓનલાઈન આપોઆપ રજિસ્ટ્રેશન રદ થશે
અગ્ર ગુજરાત, રાજકોટ
વેપારીઓ માટે જીએસટી (GST) સંબંધિત પ્રક્રિયામાં વધુ એક મોટી રાહત મળવા જઈ રહી છે. જીએસટી રજિસ્ટ્રેશન રદ કરાવવા માટે હવે સરકારી કચેરીઓના ધક્કા ખાવા કે અધિકારીની તપાસની રાહ જોવાની જરૂર નહીં પડે. આગામી ૧ ડિસેમ્બરથી અમલી થનારી નવી વ્યવસ્થા હેઠળ કેટલીક શરતો પૂર્ણ થતી હશે તો વેપારીનું જીએસટી રજિસ્ટ્રેશન ઓનલાઈન આપોઆપ રદ થઈ શકશે.
નવી જોગવાઈ મુજબ, કોઈ વેપારી પોતાનું જીએસટી રજિસ્ટ્રેશન રદ કરાવવા માટે અરજી કરે અને તેના તમામ જીએસટી રિટર્ન સમયસર ભરેલા હોય તો રજિસ્ટ્રેશન રદ કરવાની પ્રક્રિયા સરળ બની જશે. આ ઉપરાંત વેપારીના માથે કોઈ પણ પ્રકારનો કર, વ્યાજ, ચાર્જ કે દંડ બાકી ન હોવો જોઈએ. આવી સ્થિતિમાં રજિસ્ટ્રેશન અધિકારી દ્વારા અલગથી તપાસ કે મંજૂરીની લાંબી પ્રક્રિયા વિના જ ઓનલાઈન રજિસ્ટ્રેશન રદ થઈ શકશે.
ખાસ વાત એ છે કે રજિસ્ટ્રેશન જે તારીખથી રદ કરવાની માંગણી કરવામાં આવી હશે, તે જ તારીખથી રજિસ્ટ્રેશન રદ થયેલું ગણાશે. તેની સત્તાવાર જાણકારી પણ જીએસટી પોર્ટલ મારફતે ફોર્મ GST REG-38માં ઓનલાઈન આપવામાં આવશે.
આ ઉપરાંત ઓટોમેટિક રજિસ્ટ્રેશન રદ કરવાની પ્રક્રિયામાં અગાઉથી અમલી કેટલીક બે શરતો પણ દૂર કરવામાં આવી છે. પરિણામે પાત્રતા ધરાવતા વેપારીઓ માટે રજિસ્ટ્રેશન રદ કરાવવાનું કામ વધુ ઝડપી, પારદર્શક અને સરળ બનશે. જીએસટીના વહીવટી માળખામાં ડિજિટલ પ્રક્રિયાને વધુ મજબૂત બનાવતી આ વ્યવસ્થાથી ખાસ કરીને ધંધો બંધ કરનારા અથવા જીએસટી રજિસ્ટ્રેશન ચાલુ રાખવાની જરૂર ન ધરાવતા વેપારીઓને મોટી રાહત મળવાની આશા છે. હવે કાગળિયા, તપાસ અને અધિકારીની મંજૂરીની રાહ જોવાની ઝંઝટ ઘટશે અને ઓનલાઈન પ્રક્રિયાથી જ કામ પૂર્ણ થઈ શકશે.


