નાગરિક સહકારી બેંકના ૭૪મા સ્થાપના દિને ડો.જ્ઞાનવત્સલ સ્વામીજીનું પ્રેરણાત્મક વ્યાખ્યાન યોજાયું
‘અભિગમ સવળો અને સકારાત્મક હોય તો પ્રગતિ-સફળતાનું માધ્યમ બને છે’; બેંકનો બિઝનેસ મિક્સ ₹૧૨,૫૦૦ કરોડથી વધુ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના ૭૪મા સ્થાપના દિન અવસરે યોજાયેલા વિવિધ કાર્યક્રમોની શૃંખલામાં બીએપીએસ સંસ્થાના પૂજ્ય સંત ડો. જ્ઞાનવત્સલ સ્વામીજીનું ‘સ્મોલ ચેન્જીસ ઈન એટીટ્યુડ, બીગ ચેન્જીસ ઈન લાઇફ’ વિષય પર પ્રેરણાત્મક વ્યાખ્યાન હેમુ ગઢવી હોલ ખાતે યોજાયું હતું, જેમાં બહોળી સંખ્યામાં નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાપના દિન નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટ, કરાઓકે, રક્તદાન મહાશિબિર, નાગરિક રાસોત્સવ, અંતાક્ષરી, ઈન્ડોર ગેમ્સ અને મહિલાઓ માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરાયું હતું. કાર્યક્રમની શરૂઆતમાં સ્વામિનારાયણ ભગવાન, ભારતમાતા અને અરવિંદભાઈ મણીઆરની તસવીર સમક્ષ મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
કાર્યક્રમમાં ડો. જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું કે અભિગમમાં એક નાનું પરિવર્તન જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે અને વ્યક્તિત્વ તથા ચારિત્ર્યનું નિર્માણ કરે છે. સંસાધનો કરતાં સવળો અને સકારાત્મક અભિગમ વધુ મહત્વનો છે તથા ‘એટીટ્યુટ ઈઝ એવરીથીંગ’ પુસ્તક દરેકે વાંચવું જોઈએ. સેવાનો અભિગમ ચિરંતન આનંદ આપે છે અને બીજાનું સારું ઈચ્છવાથી પોતાનું પણ સારું થાય છે.
બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠક જણાવ્યું કે બેંકમાં કર્મચારીઓ કાર્યકર્તાના ભાવથી કામ કરે છે, સ્ટાફ રિલેશન ટીમ જન્મદિવસે ઘરે જઈ શુભેચ્છા પાઠવે છે અને દર પાંચ વર્ષે થતું સેલેરી સેટલમેન્ટ સમય પહેલા થાય છે. બેંકનો બિઝનેસ મિક્સ ₹૧૨,૫૦૦ કરોડથી વધુ થયો છે, સરેરાશ વય ૩૫ વર્ષ છે અને ૨૦૨૭-૨૦૨૮માં ૭૫મા વર્ષે ₹૧૫,૦૦૦ કરોડના બિઝનેસ મિક્સની અભિલાષા છે. શાખાના કર્મચારીઓ બેંકના બ્રાન્ડ એમ્બેસેડર છે અને ગ્રાહકોને કસ્ટમર ડિલાઈટ આપવાનો પ્રયાસ કરવો જોઈએ.
બેંકના સીઇઓ અને જનરલ મેનેજર વિનોદ શર્મા કહ્યું કે બેંકની ખરી તાકાત આર્થિક આંકડા ઉપરાંત લોકોના વિશ્વાસ, કર્મચારીઓની નિષ્ઠા અને સમાજજીવનમાં સકારાત્મક ભૂમિકામાં છે. સામાન્ય માણસ, નાના વેપારીઓ અને ઉદ્યોગ સાહસિકોને સહાયરૂપ બનીને સહુ સાથે મળીને કામ કરે ત્યારે બેંક મજબૂત બને છે.
બોર્ડ ઓફ મેનેજમેન્ટના વાઇસ ચેરમેન હંસરાજભાઈ ગજેરા આભારદર્શન કરતાં જણાવ્યું કે સ્થાપના દિનના કાર્યક્રમોમાં કર્મચારીઓની પ્રતિભા નીખરી છે, રક્તદાન મહાશિબિર દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવાયું છે અને સ્વામીજીના વ્યાખ્યાનથી નાગરિક પરિવારજનોને લાભ મળશે.
આ કાર્યક્રમમાં પૂજ્ય સંત ડો. જ્ઞાનવત્સલ સ્વામીજી, નિત્યપ્રકાશ સ્વામીજી, ચેરમેન દિનેશભાઈ પાઠક, ઈન્ચાર્જ વાઈસ ચેરમેન સીએ ચંદ્રેશભાઈ ધોળકીયા, ડિરેક્ટરો અશોકભાઈ ગાંધી, કીર્તિદાબેન જાદવ, હસમુખભાઈ ચંદારાણા, સીએ. ભૌમિકભાઈ શાહ, સીએ. બ્રિજેશભાઈ મલકાણ, વિક્રમસિંહ પરમાર, નવીનભાઈ પટેલ, જ્યોતિબેન ભટ્ટ, હસમુખભાઈ હિંડોચા, લલિતભાઈ વોરા, શૈલેષભાઈ મકવાણા (કો-ઓપ્ટ), સીઈઓ-જનરલ મેનેજર વિનોદ શર્મા, બોર્ડ ઓફ મેનેજમેન્ટના વાઈસ ચેરમેન હંસરાજભાઈ ગજેરા, અર્જુનભાઈ શિંગાળા, રામભાઈ બરછા, શાખા વિકાસ સમિતિના સદસ્યો, કર્મચારીગણ અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન રજનીકાંત રાયચુરાએ કર્યું હતું.


