સદગુરુ કલ્યાણ ફાઉન્ડેશન તેમજ વિવેકાનંદ યુથ ક્લબના સંયુક્ત ઉપક્રમે
કાલે સૌરાષ્ટ્ર-ગુજરાતના થેલેસેમિયા પીડિત બાળકો અને વાલીઓ માટે મેગા મેડિકલ માર્ગદર્શન કેમ્પ
હેમેટોલોજી અને થેલેસેમિયા ક્ષેત્રના ભારતના સર્વશ્રેષ્ઠ વૈશ્વિક ખ્યાતી પ્રાપ્ત તબીબી નિષ્ણાત ડો. એમ.બી.અગ્રવાલ તેમજ રાજકોટના નિષ્ણાત તબીબો થેલેસેમિયા અંગેનું માર્ગદર્શન આપશે
અગ્ર ગુજરાત, રાજકોટ
સદગુરુ લોકકલ્યાણ ફાઉન્ડેશન અને વિવેકાનંદ યુથ ક્લબના સંયુક્ત ઉપક્રમે રાજકોટ તેમજ સૌરાષ્ટ્ર-ગુજરાતના થેલેસેમિયા પીડિત બાળકો અને વાલીઓ માટે ‘થેલેસેમિયા સારવારમાં પ્રગતિ, જીવનની આશા’ શીર્ષક હેઠળ આવતીકાલે રવિવાર, તા.૨૯/૧૧/૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ વાગ્યાથી મેગા મેડિકલ માર્ગદર્શન કેમ્પ યોજાશે. આ કેમ્પ ૩-જનકલ્યાણ સોસાયટી, એસ્ટ્રોન ચોક પાસે, રાજકોટ ખાતે જનકલ્યાણ સોસાયટીના વાતાનુકુલિત (એસી) હોલમાં યોજાશે.
થેલેસેમિયાએ લોહીનો વારસાગત અને અસાધ્ય તેમજ અતિ ખર્ચાળ, પીડાદાયક જીવલેણ રોગ છે. આ બાળકોની વેદના અસહ્ય હોય છે બાળકોને વારંવાર લોહી ચડાવવું પડે છે, મોંઘી દવાઓ અને ઇજેક્શન લેવા પડે છે અને છતાં પણ થેલેસેમીયાના દર્દીઓને કમનસીબે બચાવી શકાતા નથી.
મુંબઈના જાણીતા હેમેટોલોજિસ્ટ અને હેમેટો-ઓન્કોલોજિસ્ટ (બોમ્બે હોસ્પિટલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિસના હેમેટોલોજી વિભાગના પ્રોફેસર અને વડા, હિન્દુજા, લીલાવતી અને બ્રિચ કેન્ડી હોસ્પિટલ સાથે સંકળાયેલા; WHO ફેલોશિપ પ્રાપ્ત અને ૨૦૨૫માં Lifetime Achievement Award વિજેતા) થેલેસેમિક મેજર દર્દીઓ, બાળકો અને વાલીઓને ‘થેલેસેમિયા: ૨૦ સામાન્ય પડકાર અને ઉકેલ‘ વિષય પર માર્ગદર્શન આપશે. રાજકોટના જાણીતા હેમેટોલોજિસ્ટ ડો. નિશાંત ઘરસંડીયા ‘થેલેસેમિયા સારવારમાં નવીન પ્રગતિ‘ વિષય પર બોલશે. જાણીતા એન્ડોક્રિનોલોજીસ્ટ ડો.નિલેશ દેત્રોજા ‘થેલેસેમિયામાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને લગતી જટિલતાઓ‘ અંગે માહિતી આપશે. તેમજ લીવર સ્પેશિયાલિસ્ટ ડો.પારસ ડી. શાહ ‘થેલેસેમિયામાં યકૃત અને પાચનતંત્રનું સ્વાસ્થ્ય‘ વિષય પર માર્ગદર્શન આપશે.
થેલેસેમિયા એ લોહીનો વારસાગત, અસાધ્ય, અતિ ખર્ચાળ અને પીડાદાયક રોગ છે, જે મુખ્યત્વે લગ્ન પહેલા થેલેસેમિયા ટેસ્ટ ન કરાવવા તથા જાગૃતિના અભાવને કારણે બાળકોમાં જોવા મળે છે. થેલેસેમિયા માઈનોર (જેમ કે અમિતાભ બચ્ચનને થેલેસેમિયા માઈનોર છે, જેને સારવારની જરૂર નથી)થી વિપરીત, માતા-પિતા બંને માઈનોર હોય ત્યારે બાળકને થેલેસેમિયા મેજર થવાની શક્યતા રહે છે. થેલેસેમિયા મેજર પીડિત બાળકને જીવનભર દર મહિને ૨ થી ૪ વાર લોહી ચડાવવું પડે છે, મોંઘી દવાઓ અને ઇન્જેક્શન લેવા પડે છે, જેનો માસિક ખર્ચ ₹૮,૦૦૦ થી ₹૧૦,૦૦૦ થાય છે. જીવન દરમિયાન એક દર્દીને આશરે ૫૦ થી ૬૦ હજાર ટીકડીઓ, ૫ થી ૬ હજાર ઇન્જેક્શન અને ૭૦૦ જેટલી લોહીની બોટલોની જરૂર પડે છે. રાજકોટમાં ૫૦૦થી વધુ થેલેસેમિયા પીડિત બાળકો સતત પીડા વચ્ચે જીવી રહ્યા છે, ત્યારે ‘પહેલા થેલેસેમિયા ટેસ્ટ, પછી જ સગાઈ કે લગ્ન‘ સૂત્ર અપનાવવા અને રક્તદાન પ્રવૃત્તિ વધારવા પર ભાર મૂકાયો છે.
દસ વર્ષ બાદ રાજકોટમાં યોજાતા આ મેગા કેમ્પનું રીમોટથી ઉદઘાટન જાહેરજીવનના શ્રેષ્ઠીઓ દ્વારા કરાશે અને ઉપસ્થિત સૌનું કુમકુમ તિલકથી સ્વાગત થશે. થેલેસેમિયા પ્રવૃત્તિમાં સહાયરૂપ દાતાઓ, બ્લડબેંકો, રક્તદાતાઓ, ડોક્ટરો અને સંસ્થાઓનું સન્માન કરાશે. તમામ બાળકો અને વાલીઓ માટે ચા-કોફી, નાસ્તો, ભોજન, બાળકોને સ્મૃતિભેટ તેમજ રિદ્ધિ સિદ્ધિ ફાર્મ વાળા લવજીભાઈ પ્રજાપતિ તરફથી અમેરિકન મકાઈ નાસ્તાની વ્યવસ્થા કરાઈ છે.
આયોજન માટે સદગુરુ લોકકલ્યાણ ફાઉન્ડેશનના રાજુભાઈ પોબારૂ, ડો. જનકભાઈ ઠક્કર, ડો. નિશાંત ચોટાઇ, ઉમેશભાઈ નંદાણી, કિશોરભાઈ કોટક, જીતુલભાઈ કોટેચા, પ્રદીપભાઈ જોબનપુત્રા, હિરેનભાઈ ખખ્ખર તથા વિવેકાનંદ યુથ ક્લબના અનુપમ દોશી, મિતલ ખેતાણી, ડો. રવિ ધાનાણી સહિતના કાર્યરત છે. રજિસ્ટ્રેશન અને વિશેષ માહિતી માટે અનુપમભાઈ દોશી (મો. ૯૪૨૮૨ ૩૩૭૯૬), મિતલભાઈ ખેતાણી (મો. ૯૮૨૪૨ ૨૧૯૯૯), જીતુલભાઈ કોટેચા (મો. ૯૩૭૪૧ ૫૪૦૦૦) અથવા ડો. રવિ ધાનાણી (મો. ૭૦૧૬૯ ૫૩૩૫૧)નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.


