માધાપર પાસેના IOCL પ્લાન્ટ ગેસ લીકેજ બાદ આગ અને ચારથી પાંચ લોકો ઇજાગ્રસ્ત
ફાયર બ્રિગેડ, પોલીસ, આરોગ્ય વિભાગ અને NDRFની ટીમોએ સંભાળ્યો મોરચો; એક કલાકથી વધુની કવાયત બાદ મોકડ્રીલ હોવાનું જાહેર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના જામનગર રોડ પર માધાપર નજીક આવેલા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL)ના પ્લાન્ટમાં ટેન્ક નંબર-૧માં ગેસ લીકેજ બાદ ભીષણ આગ ફાટી નીકળ્યા અને ચારથી પાંચ લોકો ઇજાગ્રસ્ત થયાના ઘટનાક્રમથી પ્લાન્ટ તથા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જોકે, આગ પર કાબૂ મેળવવા, ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા અને ગેસ લીકેજનું સમારકામ કર્યા બાદ આ સમગ્ર ઘટના જિલ્લા કક્ષાની મોકડ્રીલ હોવાનું જાહેર થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો.
માધાપર સ્થિત IOCL પ્લાન્ટની ટેન્ક નં. ૧માં ગેસ લીકેજ બાદ આગ લાગતા મેઈન્ટેનન્સ ટીમે પ્રયાસો કર્યા હતા, પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં તાત્કાલિક જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમનો સંપર્ક કરાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ, ફાયર બ્રિગેડની ટીમો અને એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી. એક તબક્કે આગ કાબૂમાં આવ્યા બાદ ફરી ભીષણ બનતા ફાયર ફાઈટરો સાથે NDRFની ટીમ પણ જોડાઈ હતી અને સંયુક્ત પ્રયાસોથી આગ પર કાબૂ મેળવાયો હતો. ચારથી પાંચ લોકો ઇજાગ્રસ્ત થતાં આરોગ્ય વિભાગની ટીમે એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડી સારવાર આપી હતી. બીજી તરફ NDRFએ ગેસ લીકેજનું સ્થળ શોધી કાઢ્યા બાદ IOCLના એન્જિનિયરોએ સમારકામ કરીને લીકેજ બંધ કર્યું હતું.
કલાકથી વધુ સમયની કવાયત બાદ બપોરે સાડા ચાર વાગ્યાના અરસામાં આ સમગ્ર ઘટના ઔદ્યોગિક એકમોમાં ગેસ લીકેજ, આગ કે કટોકટી સમયે જાનમાલનું નુકસાન અટકાવવા તથા વિવિધ વિભાગોની સજ્જતા અને સંકલન ચકાસવા માટે યોજાયેલી જિલ્લા કક્ષાની મોકડ્રીલ હોવાનું જાહેર કરાયું હતું.
આ પ્રસંગે આસિસ્ટન્ટ કલેક્ટર અતુલ સિંહ, IOCLના બ્રાન્ચ મેનેજર વિક્રમ ચૌધરી, NDRFના અધિકારી રાકેશ બિસ્ત, જિલ્લા ઉદ્યોગ સલામતી વિભાગના નાયબ નિયામક નરેશ ચૌધરી, IOCLના સેફ્ટી ઓફિસર અમિતકુમાર નીરંજન, જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર પૂજા વાઘમારે સહિત વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


