સરકારી હોસ્પિટલ કે રંગરેલિયાંનું સ્થળ..
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર કરતાં ‘પ્રેમલીલા’ની ચર્ચા વધુ
દર્દીઓના સગાં માટે પાસ વગર પ્રવેશબંધી, મીડિયાને પણ દરવાજે અટકાવાય છે, છતાં OPD બિલ્ડિંગની સીડી પાસે અભદ્ર હરકતોનો વીડિયો સામે આવતાં તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલોનો મારો
દર્દીની બેદરકારી ભરી સારવારમાં વગોવાયેલી હોસ્પિટલ ફરી એક વખત ચર્ચાનું કેન્દ્ર બની : સારવાર તો ઠીક વિભાગોનું ધ્યાન રાખવામાં પણ તંત્ર વામણું સાબિત
અતુલ સુરાણી – અસીમ અઘામ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની સરકારી સિવિલ હોસ્પિટલમાં એક પછી એક સામે આવી રહેલા વિવાદો જાણે હોસ્પિટલ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કરી રહ્યા છે. હજુ તો દર્દીની સારવારમાં કથિત બેદરકારીનો મામલો શાંત પડ્યો નથી ત્યાં હવે હોસ્પિટલના OPD વિભાગના બિલ્ડિંગમાં પ્રેમલીલાનો વીડિયો સામે આવતાં વધુ એક વખત સિવિલ હોસ્પિટલ ચર્ચાના ચકડોળે ચડી છે. એક તરફ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓ પર પ્રવેશના નામે નિયંત્રણો લાદવામાં આવી રહ્યાં છે, બીજી તરફ હોસ્પિટલના જ બિલ્ડિંગમાં શિસ્ત અને મર્યાદાને નેવે મૂકતી હરકતો થતી હોવાના દૃશ્યો સામે આવતાં તંત્રની દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થાની પોલ ખૂલી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.
હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ખબર પૂછવા આવતા સગાં-સંબંધીઓને પણ સિક્યુરિટી ગાર્ડ દ્વારા પાસ વગર પ્રવેશવા દેવામાં આવતા નથી. દર્દીઓના પરિવારજનો માટે નિયમોનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, હોસ્પિટલના વિવિધ વિભાગોમાં ચાલતી કામગીરી અને બેદરકારી અંગે અહેવાલ તૈયાર કરવા જતા મીડિયા કર્મીઓને પણ અંદર પ્રવેશતા અટકાવવામાં આવતા હોવાની ફરિયાદો ઊઠી રહી છે. જાણે હોસ્પિટલમાં શું ચાલી રહ્યું છે તે બહાર ન આવે તે માટે તંત્રએ મીડિયાના પ્રવેશ પર જ અંકુશ મૂક્યો હોય તેવી ચર્ચા છે. જોકે, સવાલ એ છે કે મીડિયાને રોકવાથી હોસ્પિટલની વાસ્તવિક સ્થિતિ છુપાવી શકાશે ખરી?
આ તમામ નિયંત્રણો વચ્ચે હવે OPD વિભાગના બિલ્ડિંગની સીડી પાસેનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક પુરુષ અને મહિલા અભદ્ર હરકતો કરતા હોવાનું જોવા મળતું હોવાનો દાવો થઈ રહ્યો છે. આ દૃશ્યોને લઈને હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓની સંડોવણી હોવાની પણ ચર્ચા ઊઠી છે. જો આ વીડિયો હોસ્પિટલના કર્મચારીઓ સાથે સંકળાયેલો હોય તો તે માત્ર શિસ્તભંગનો મામલો નથી, પરંતુ દર્દીઓની સારવાર માટે ઊભી કરવામાં આવેલી સરકારી વ્યવસ્થાની ગરિમા સાથે જોડાયેલો ગંભીર પ્રશ્ન છે.
સામાન્ય રીતે જાહેર બગીચાઓ કે અન્ય જાહેર સ્થળોએ આવી હરકતોની ચર્ચા થતી હોય છે, પરંતુ દર્દીઓની સારવાર માટેના સરકારી હોસ્પિટલના બિલ્ડિંગમાં જ આવી ઘટના સામે આવવી એ અત્યંત ગંભીર બાબત છે. હોસ્પિટલ કોઈની અંગત મોજશોખ કે મનમાની માટેનું સ્થળ નથી. અહીં ગંભીર બીમારીઓથી પીડાતા દર્દીઓ, મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સારવાર માટે આવે છે. આવા સંજોગોમાં હોસ્પિટલના પરિસરમાં શિસ્ત, સલામતી અને સ્વચ્છ વાતાવરણ જાળવવાની જવાબદારી તંત્રની છે.
સિક્યુરિટી ગાર્ડને માત્ર દરવાજે ઊભા રાખવાથી સુરક્ષાની જવાબદારી પૂરી થઈ જતી નથી. હોસ્પિટલના દરેક વિભાગ, સીડી, કોરિડોર અને અન્ય જાહેર જગ્યાઓ પર નિયમિત દેખરેખ રાખવી પણ એટલી જ જરૂરી છે. દર્દીઓના સગાં માટે પાસની વ્યવસ્થા કડક હોય તો હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે પણ સમાન શિસ્તના નિયમો હોવા જોઈએ. માત્ર બહારથી આવતા લોકો પર નિયંત્રણ અને અંદર ચાલતી પ્રવૃત્તિઓ પ્રત્યે આંખ આડા કાન કરવાની નીતિ કેટલા સમય સુધી ચાલશે?
હવે આ વીડિયો સામે આવ્યા બાદ સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન સહિતના જવાબદાર અધિકારીઓ શું પગલાં લે છે તે જોવાનું રહ્યું. વીડિયોની સત્યતા ચકાસી, તેમાં દેખાતા લોકોની ઓળખ કરી અને જો કર્મચારીઓની સંડોવણી સાબિત થાય તો કડક કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. દર્દીઓ માટે બનેલી હોસ્પિટલમાં દર્દીઓની સેવા કરતાં વ્યક્તિગત મનમાનીને પ્રાધાન્ય મળતું હોય તો તંત્રએ આત્મમંથન કરવાનો સમય આવી ગયો છે.
દર્દીઓ માટે નિયમોનો ડંડો, કર્મચારીઓ માટે છૂટછાટ?
દર્દીઓના સગાં-સંબંધીઓને પાસ વગર પ્રવેશવા દેવામાં આવતા નથી. દરવાજે સિક્યુરિટી ગાર્ડ દ્વારા પૂછપરછ કરવામાં આવે છે. પરંતુ હોસ્પિટલના જ બિલ્ડિંગમાં અભદ્ર હરકતોનો વીડિયો સામે આવતાં સવાલ થાય છે કે નિયમોનો અમલ માત્ર સામાન્ય નાગરિકો માટે જ છે કે પછી હોસ્પિટલના કર્મચારીઓને પણ આ નિયમો લાગુ પડે છે?
મીડિયાને રોકવાથી સત્ય છુપાશે ખરું?
હોસ્પિટલમાં ચાલતી કામગીરી અને દર્દીઓની સમસ્યાઓ અંગે અહેવાલ તૈયાર કરવા જતા મીડિયા કર્મીઓને અંદર પ્રવેશવા દેવામાં આવતા હોવાની ફરિયાદો છે. મીડિયાને રોકવા પાછળનું કારણ શું? હોસ્પિટલની વ્યવસ્થા પારદર્શક હોય તો મીડિયાના પ્રવેશથી તંત્રને ડર શા માટે? બેદરકારી છુપાવવાને બદલે તેને સુધારવાની જરૂર છે.
OPD બિલ્ડિંગની સીડી પાસે જ શિસ્તના ધજાગરા
OPD વિભાગના બિલ્ડિંગની સીડી પાસે પુરુષ અને મહિલા અભદ્ર હરકતો કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. હોસ્પિટલ જેવા સંવેદનશીલ સ્થળે આવી ઘટના સામે આવવી એ સુરક્ષા વ્યવસ્થાની અસરકારકતા સામે સવાલ ઊભા કરે છે. આખરે હોસ્પિટલમાં દેખરેખ રાખવાની જવાબદારી કોની?
સિક્યુરિટી ગાર્ડની ફરજ માત્ર દરવાજા પૂરતી છે?
હોસ્પિટલમાં પ્રવેશ નિયંત્રણ માટે સિક્યુરિટી ગાર્ડ તહેનાત કરવામાં આવ્યા છે. પરંતુ તેમની જવાબદારી માત્ર પાસ તપાસવા પૂરતી મર્યાદિત ન હોવી જોઈએ. હોસ્પિટલના જાહેર વિસ્તારોમાં શિસ્ત જળવાય, કોઈ અનિચ્છનીય પ્રવૃત્તિ ન થાય અને દર્દીઓની સુરક્ષા જળવાય તે માટે પણ અસરકારક દેખરેખ જરૂરી છે.
સિવિલ સર્જન હવે જવાબદારીથી છટકી શકશે?
વીડિયો સામે આવ્યા બાદ હવે સિવિલ સર્જન અને હોસ્પિટલના જવાબદાર અધિકારીઓની કસોટી છે. શું વીડિયોની તપાસ થશે? શું તેમાં દેખાતા લોકોની ઓળખ કરવામાં આવશે? શું હોસ્પિટલના કર્મચારીઓની સંડોવણી જણાશે તો કાર્યવાહી થશે? કે પછી અન્ય વિવાદોની જેમ આ મામલો પણ તપાસના નામે ફાઇલોમાં દબાઈ જશે? દર્દીઓને જવાબ જોઈએ છે, માત્ર આશ્વાસન નહીં.


