- બંને ટીમ બે દાયકા પછી બીજી વખત આમનેસામને, ભારતનું પલડું ભારે
- વડાપ્રધાન મોદી, ઓસી.ના ડે.પીએમ, ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે
- અભિનેતા રજનીકાંત સહિત ફિલ્મી અને ક્રિકેટની હસ્તીઓનો મેળાવડો
ટૂર્નામેન્ટમાં તમામ દસ મેચ જીતીને અજેય રહેલી ભારત અને પાંચ વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા વચ્ચે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈસીસી વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ રમાશે. આઠમી વખત ફાઇનલ રમનાર ઓસ્ટ્રેલિયન ટીમ માટે ઇનફોર્મ રહેલી ભારતીય ટીમને તેના જ હોમગ્રાઉન્ડમાં હરાવવી આસાન રહેશે નહીં. સેમિફાઇનલમાં ભારતે ન્યૂઝીલેન્ડને તથા ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું. ભારતે લીગ તબક્કામાં ઓસ્ટ્રેલિયન ટીમને આસાનીથી પરાજય આપ્યો હતો. મહેન્દ્રસિંહ ધોનીએ 2011માં જીતેલા વર્લ્ડ કપ દરમિયાન જે સમીકરણો રચાયા હતા તેવા જ આ વખતે 2023માં થયા છે. ભારત રમતના તમામ પાસામાં ઓલરાઉન્ડ પ્રદર્શન કરીને સતત જીતી રહી છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયન ટીમની સૌથી મોટી ચિંતા ભારતીય સ્પિનર્સ છે. અમદાવાદની સ્પિનિંગ ટ્રેક ઉપર જાડેજા અને કુલદીપ યાદવ હુકમનો એક્કો સાબિત થઈ શકે છે. આ મુકાબલો બપોરે 2:00 વાગ્યાથી શરૂ થશે. ફાઇનલમાં કેટલાક રસપ્રદ મુકાબલા પણ થઈ શકે છે જેમાં રોહિત વિ. પેટ કમિન્સ અને શમી વિરુદ્ધ ડેવિડ વોર્નર વચ્ચે એકબીજા ઉપર હાવી થવાની હરીફાઈ પણ સામેલ છે. ટોસ જીતનાર ટીમ પ્રથમ બેટિંગ કરે તેવી સંભાવના છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ દરમિયાન જે પિચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તે પિચ જ ફાઇનલ માટે ઉપયોગમાં લેવાશે જેના કારણે સ્પિનર્સની ભૂમિકા મહત્ત્વપૂર્ણ બની શકે છે.
ગાંધીનગરની ઐતિહાસિક અડાલજની વાવ વિશ્વ ફલક પર ચમકી છે. અડાલજની વાવનું નામ આઈસીસી વર્લ્ડકપ-2023 સાથે જોડાઈ ગયું છે. કારણ કે ફાઈનલ મેચ પહેલાં બંને ટીમના કેપ્ટન અડાલજની વાવ ખાતે ફોટોસેશન માટે પહોંચ્યા હતા. બંને ટીમના કેપ્ટનના આગમનને પગલે મોટી સંખ્યામાં ચાહકો વાવની આસપાસ ઊમટી પડયાં હતા. એટલું જ નહીં આસપાસના રહેવાસીએ પોતાની છત ઉપરથી તેઓના ફોટો અને વીડિયો લઈને સોશિયલ મીડિયામાં શેર કર્યા હતા. પ્રાચીન સમયમાં પાણીના સંરક્ષણ માટે બનાવાયેલી અડાલજની ઐતિહાસિક વાવ જોવા માટે રાજ્ય સહિત દેશભરમાં લોકો આવે છે.
ભારત -ઓસી. હેડ ટૂ હેડ
વન-ડે ક્રિકેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધી 150 મુકાબલા થયા છે જેમાં 83 વિજય સાથે ઓસ્ટ્રેલિયાનું પલડું ભારે છે. ભારતે 57 મેચ જીતી હતી અને 10 મેચ અનિર્ણીત રહી હતી. વન-ડે વર્લ્ડ કપમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે 13 મેચ રમ્યું છે જેમાં પાંચ વિજય અને આઠ પરાજય મળ્યા છે.
ફાઇનલ દરમિયાનના કાર્યક્રમ
ટોસ બાદ અને મેચ પહેલાં એર-શૉ થશે. પ્રથમ ઇનિંગના બ્રેકમાં આદિત્ય ગઢવી, પ્રીતમ, જોનીતા સહિત વિવિધ કલાકારો પ્રોગ્રામ રજૂ કરશે. બીજી ઇનિંગના ડ્રિંક્સ બ્રેકમાં લેઝર શૉ યોજાશે. મેચના અંતે આતશબાજી અને ડ્રોન શૉ થશે.
- વેધર રિપોર્ટ : હવામાન સાફ રહેશે, મેચના બીજા ભાગમાં ઝાકળ મહત્ત્વનું પરિબળ
- વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બનવાની રેસમાં મોખરે
- બંને ટીમના ખેલાડી અને કેપ્ટને પીચનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું
- ભારતીય ટીમ તેની ફાઈનલ પ્લેઈંગ ઈલેવનમાં એકાદ ફેરફાર કરી શકે
- ક્રિકેટ ચાહકોમાં ફાઈનલ મેચને લઈને જોવાતો ભારે ઉત્સાહ
- ભારત જીતે તો ઠેરઠેર વિવિધ પ્રકારની ઉજવણીનું આયોજન કરાયું
- 2003ની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 125 રને હરાવ્યું હતું
- 2011ના વર્લ્ડકપમાં ભારત ઓસ્ટ્રેલિયાને ક્વાર્ટર ફાઈનલમાં હરાવી ચૂક્યું છે
વિજેતા ટીમને 33.31 કરોડ રૂપિયા મળશે
વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનનાર ટીમને 33.31 કરોડ રૂપિયા (ચાર મિલિયન અમેરિકન ડોલર) અને રનર્સ-અપ બનનાર ટીમને 16.65 કરોડ રૂપિયાનો પુરસ્કાર મળશે. ટૂર્નામેન્ટનું કુલ બજેટ 83.29 કરોડ રૂપિયા (10 મિલિયન ડોલર) રાખવામાં આવ્યું હતું.
325 પ્લસનો સ્કોર વિનિંગ સ્કોર સાબિત થશે
ફાઇનલ પહેલાં પિચ ક્યૂરેટરે સંકેત આપી દીધો હતો કે બીજી ઇનિંગમાં પિચ ધીમી પડતી હોવાના કારણે 325થી વધારાનો સ્કોર વિનિંગ સાબિત થઈ શકે છે. કાળી માટીથી બનેલી પિચ ઉપર હેવી રોલર ફેરવીને તેને સ્લો બેટિંગ ટ્રેક બનાવી દેવામાં આવી છે જેના કારણે આ પિચ ઉપર બીજી ઇનિંગમાં નોર્મલ સ્પીડથી સ્કોરબોર્ડ ફેરવી શકાશે નહીં.
ભારતના 10 પ્લેયર્સ પ્રથમ વખત ફાઇનલ રમશે
વિરાટ કોહલી અને અશ્વિન 2011ના વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનેલી ભારતીય ટીમનો હિસ્સો હતા. સુકાની રોહિત શર્મા સહિત ભારતના 10 ખેલાડીઓ પ્રથમ વખત વર્લ્ડ કપની ફાઇનલ રમશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયાના સાત ખેલાડીઓ બીજી વખત ફાઇનલ મુકાબલો રમશે જેમાં વોર્નર, સ્મિથ, કમિન્સ તથા સ્ટાર્કનો પણ સમાવેશ થાય છે.
વર્તમાન વર્લ્ડ કપમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળ્યો
સર્વાધિક રન : વન-ડે વર્લ્ડ કપમાં ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી ટોચના ક્રમે છે. રનમશીન બનેલો કોહલી 10 મેચમાં 711 રન બનાવી ચૂક્યો છે અને તે પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટની રેસમાં સૌથી આગળ છે.
સર્વાધિક વિકેટ : ભારતીય પેસ બોલર મોહમ્મદ શમી હાઇએસ્ટ વિકેટના મામલે પ્રથમ સ્થાને છે અને તેણે છ મેચમાં 23 વિકેટ હાંસલ કરી ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયાનો લેગ સ્પિનર એડમ ઝમ્પા 22 વિકેટ સાથે બીજા ક્રમે છે.
હાઇએસ્ટ સિક્સર : સુકાની રોહિત શર્મા 28 સિક્સર સાથે પ્રથમ સ્થાને છે. બીજા ક્રમે રહેલો ભારતીય બેટ્સમેન શ્રોયસ ઐયર પણ અત્યાર સુધી 24 છગ્ગા ફટકારી ચૂક્યો છે.
બેસ્ટ બોલિંગ ફિગર : મોહમ્મદ શમીએ ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલમાં 57 રનમાં સાત વિકેટનો બેસ્ટ સ્પેલ નાખ્યો હતો. તે વર્લ્ડ કપની એક જ ઇનિંગમાં સર્વાધિક વિકેટનો રેકોર્ડ પોતાના નામે કરી ચૂક્યો છે.
સર્વાધિક 50 પ્લસ ઇનિંગ : કોહલીએ વર્તમાન વર્લ્ડ કપની 10 મેચમાં આઠ વખત 50 પ્લસનો સ્કોર નોંધાવી ચૂક્યો છે. આ સિવાય કોઈ ખેલાડીએ આવી સિદ્ધી મેળવી નથી.


