વેરાવળમાં દિવાળી પૂર્વે મીઠાઈ-ફરસાણની દુકાનોમાંથી ફુડ વિભાગે 22 ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેતા ફફડાટ
તહેવારોમાં નબળી ગુણવત્તાના ખાદ્યપદાર્થો બજારમાં ન પહોચે અને લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે હેતુસર ફુડ વિભાગે કામગીરી હાથ ધરી
અગ્ર ગુજરાત, વેરાવળ
દિવાળીના તહેવાર નિમિત્તે વેરાવળ સોમનાથની બજારમાં મીઠાઈ, ફરસાણ સહિતની ખાદ્ય વાનગીઓનું મોટા પ્રમાણમાં વેચાણ થતુ હોય છે. ત્યારે આ તહેવારો દરમ્યાન લોકોના આરોગ્ય સાથે કોઈ ચેડાં ન થાય અને શુદ્ધ ગુણવત્તા યુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (ફૂડ વિભાગ) દ્વારા વ્યાપક તપાસ ઝુંબેશ હાથ ધરી જુદી જુદી દુકાનોમાંથી 22 જેટલી ખાદ્યચીજોના સેમ્પલ લઈ પૃથ્થકરણ અર્થે લેબમાં મોકલવામાં આવ્યા છે.
ફુડ વિભાગે હાથ ધરેલ ચેકીંગની કાર્યવાહી અંતર્ગત જુદા જુદા વેપારીઓની પેઢી અને મીઠાઈની દુકાનોમાંથી મીઠાઈ, ફરસાણ, માર્ગેરીન, ડ્રાયફ્રૂટ, ખાદ્યતેલ, નમક તેમજ મકાઈના પૌવાનો ચેવડો સહિતના ખાદ્ય પદાર્થોના 22 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. આ તમામ સેમ્પલને પૃથ્થકરણ અને ભેળસેળની ચકાસણી અર્થે તાત્કાલિક ધોરણે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે.
આ કામગીરીની સાથે ફુડ વિભાગ દ્વારા ખાદ્યચીજોનો ઉત્પાદકો અને તેમના સ્ટાફ માટે એક વિશેષ જાગૃતિ કેમ્પનું પણ આયોજન કરાયું હતું. આ કેમ્પમાં ખાદ્યપદાર્થો બનાવતી વખતે રાખવાની થતી વ્યક્તિગત સ્વચ્છતા, હાઈજેનિક કન્ડિશન, ઉત્પાદન સ્થળ ની સાફ-સફાઈ અને ખાદ્ય સુરક્ષા ના સરકારી નિયમોનું પાલન કરવા અંગે સઘન માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.


