- તમિલનાડુમાં વરસાદી કહેર
- ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત
- નદી નાળાએ ભયજનક જળસપાટી વટાવી
તમિલનાડુના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તમિલનાડુ સરકારે સોમવારે ભારે વરસાદને કારણે તિરુનેલવેલી, થૂથુકુડી, કન્યાકુમારી અને તેનકાસી જિલ્લામાં તમામ શાળાઓ, કોલેજો, ખાનગી સંસ્થાઓ, બેંકો અને નાણાકીય સંસ્થાઓમાં રજા જાહેર કરી છે. થૂથુકુડીમાં વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે. જ્યારે કોવિલપટ્ટી વિસ્તારમાં 40 તળાવો તેમની પૂર્ણ ક્ષમતાએ પહોંચી ગયા છે.
ભારે વરસાદની શક્યતા
IMD અનુસાર, 18 ડિસેમ્બરે તમિલનાડુના કન્યાકુમારી, તિરુનેલવેલી, થૂથુકુડી, રામનાથપુરમ, પુડુકોટ્ટઈ અને તંજાવુર જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે 19 ડિસેમ્બરે, તમિલનાડુના કન્યાકુમારી, તિરુનેલવેલી, થૂથુકુડી અને રામનાથપુરમ જિલ્લામાં એક-બે સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. IMDની આગાહી અનુસાર, 19 ડિસેમ્બરે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં એક કે બે જગ્યાએ વાવાઝોડું અને વીજળી પડવાની સંભાવના છે.
40 તળાવો ભરાયા
થુથુકુડી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી રાજેશે જણાવ્યું હતું કે, “કોવિલપટ્ટી પંચાયતમાં 40 તળાવો વરસાદી પાણીથી ભરાઇ ગયા છે. જો કે બે તળાવ વધારે પાણીને કારણે ઓવરફ્લો થયુ હતું. તળાવમાં ભંગાણ જોવા મળતા સમારકામનું કામ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.
સાવચેતીના ભાગરૂપે રાખી રહી છે નજર
તમિલનાડુ સરકારે લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સાવચેતીનાં પગલાં લીધાં છે. તમિલનાડુના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી, કેકેએસએસઆર રામચંદ્રને જણાવ્યું હતું કે સરકાર દ્વારા વિવિધ સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત જિલ્લાઓ માટે મંત્રીઓ અને બે IAS અધિકારીઓની અલગથી નિમણૂક કરવામાં આવી છે અને તેઓ કરવામાં આવનારી કામગીરી પર નજર રાખી રહ્યા છે.


