- વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા
- જનજીવન ખોરવાઈ ગયું, ભારે વરસાદે તબાહી સર્જી
- રાજ્યની અનેક નદીઓ અને તળાવોના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો
તમિલનાડુમાં સતત બે દિવસથી ભારે વરસાદે તબાહી મચાવી છે. જેના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્યની અનેક નદીઓ અને તળાવોના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યના ચાર તટીય જિલ્લાઓ કન્યાકુમારી, તિરુનેલવેલી, તુતીકોરીન અને તેનકસીમાં સૌથી ખરાબ સ્થિતિ છે. અહીં પૂર જેવી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ જિલ્લાઓમાં NDRF અને SDRFના 250 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. 7500થી વધુ લોકોએ તેમના ઘર છોડીને રાજ્ય સરકાર દ્વારા સ્થાપિત રાહત શિબિરોમાં આશરો લેવો પડ્યો છે. બચાવ ટુકડીઓની મદદથી તેમને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે હાલમાં મંગળવારે પણ વરસાદ ચાલુ રહેવાનો છે, જેના કારણે સ્થિતિ વધુ વણસી જશે.
ભારતીય સેના બચાવ કાર્યમાં લાગેલી છે
ભારતીય સેનાની રાહત ટીમને પણ રાહત અને બચાવ કાર્યમાં તૈનાત કરવી પડી હતી. ખાસ કરીને વસઈપુરમમાં સેનાના જવાનોએ લોકોને સલામત સ્થળે પહોંચાડવાની જવાબદારી ઉપાડી છે. 17 મહિલાઓ અને બાળકો સહિત 13 અન્ય લોકોને સોમવારે (18 ડિસેમ્બર) રાત્રે 9:30 વાગ્યાની આસપાસ સૌપ્રથમ બચાવી લેવામાં આવ્યા હતા. બીજી ટીમે સગર્ભા મહિલા સહિત 12 મહિલાઓ, એક શિશુ સહિત 6 બાળકો અને અન્ય 12 લોકોને બહાર કાઢ્યા છે. આ સાથે સેના દ્વારા 26 મહિલાઓ, 10 બાળકો અને 28 અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
7,500 લોકોને રાહત શિબિરમાં મોકલવામાં આવ્યા છે
તિરુનેલવેલી અને થૂથુકુડી સહિત દક્ષિણ તમિલનાડુના ઘણા વિસ્તારોમાં ગામડાઓ, નગરો, રસ્તાઓ અને હાઇવે આગલા દિવસે ભારે વરસાદને કારણે ડૂબી ગયા છે. મુશળધાર વરસાદથી પ્રભાવિત તમિલનાડુના ચાર દક્ષિણ જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 7,434 લોકોને જિલ્લાઓમાં સ્થાપિત 84 રાહત કેન્દ્રોમાં લાવવામાં આવ્યા છે. તુતીકોરિન એરપોર્ટ પર આઠ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે થૂથુકુડી જિલ્લામાં 800 રેલવે મુસાફરો ફસાયેલા છે.
ફ્લાઈટ્સ રદ, રેલવે મુસાફરો પણ ફસાયા
સોમવારે તુતીકોરિન એરપોર્ટ પર ઓછામાં ઓછી 8 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી કારણ કે આ વિસ્તારમાં ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. ટ્રેન વ્યવહાર પણ પ્રભાવિત થયો છે. દક્ષિણ રેલવેના અધિકારીઓનું કહેવું છે કે તમિલનાડુના થૂથુકુડી જિલ્લાના રેલવે સ્ટેશનો પર 800થી વધુ મુસાફરો ફસાયેલા છે. હાલમાં વરસાદના કારણે સ્થિતિ વધુ વણસે તેવી શક્યતા છે.


