- લીગમાં મુંબઇની સાથે ટીમ માલિક તરીકે જોડાવું એક સન્માનની બાબત: અમિતાભ બચ્ચન
- મુંબઈમાં આગામી બીજી માર્ચથી શરૂ થનારી ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગમાં તક મળશે
- આ લીગમાં હૈદરાબાદ, મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ, કોલકાતા અને શ્રીનગરની ટીમો ભાગ લેશે
સ્પોર્ટ્સને લઈને બોલિવૂડનો ક્રેઝ જગજાહેર છે. આઈપીએલ હોય કે પછી પ્રો કબડ્ડી લીગ હોય શાહરુખ ખાન, પ્રીટિ ઝિન્ટા, અભિષેક બચ્ચન સહિત ફિલ્મ જગતના ઘણા સિતારા આ લીગમાં ભાગ લેનારી ટીમના માલિક છે. હવે આ યાદીમાં બિગ બી અમિતાભ બચ્ચન પણ જોડાઈ ગયા છે. મુંબઈમાં આગામી બીજી માર્ચથી શરૂ થનારી ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ(આઈએસપીએલ)માં બિગ બી મુંબઈ ટીમના માલિક તરીકે જોડાયા છે. આ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી જાણકારી આપતાં અમિતાભ બચ્ચને લખ્યું છે કે, એક નવો દિવસ, એક નવી શરૂઆત… મારા માટે આ લીગમાં મુંબઇની સાથે ટીમ માલિક તરીકે જોડાવું એક સમ્માનની બાબત છે. તેની મારફત ઊભરતી પ્રતિભાઓને સુવર્ણ તક મળશે. તેમણે આગળ લખ્યું છે કે આ એક મોટો અવસર છે, એવા ખેલાડીઓ માટે કે જેમણે સડકો અને ગલીઓમાં પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું છે. આ લોકો હવે એક પ્રોફેશનલ તરીકે એક ટીમ સાથે જોડાઈને પોતાના ટેલન્ટને લાખો લોકો સામે દેખાડી શકશે. નોંધનીય છે કે અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચને પણ પ્રો કબડ્ડી લીગમાં પોતાની ટીમ ખરીદેલી છે. જયપુર પિંક પેન્થર્સના નામ સાથે અભિષેકની આ ટીમ અનેક સિઝનમાં ચેમ્પિયન પણ રહી ચૂકી છે.
મારા માટે એક નવી શરૂઆત : બિગ બી
81 વર્ષના મહાનાયકે સોશિયલ મીડિયા પર વધુમાં જણાવ્યું હતું કે મારા માટે આ એક નવી શરૂઆત છે. બચ્ચને પોતાના અંગત બ્લોગ પર લખ્યું હતું કે ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ એક રોમાંચક અને સારું ફોર્મેટ છે. અહેવાલો અનુસાર બીજી માર્ચથી શરૂ થતી આ લીગમાં કુલ 19 મેચ રમાડવામાં આવશે અને તેમાં આ છ ટીમ ભાગ લેશે. અહેવાલો અનુસાર શ્રીનગરની ટીમનો માલિક અક્ષય કુમાર છે તેમ બેંગલુરુની ટીમનો માલિક રિતિક રોશન છે. અમિતાભે પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પણ શેર કર્યો હતો જેમાં શેરી ક્રિકેટની ઝલક સાથે પ્રોમો છે.
અક્ષય કુમારે પણ એક ટીમ ખરીદી છે : આ ટી10 ટેનિસ બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં અમિતાભ બચ્ચન અગાઉ અક્ષય કુમારે પણ એક ટીમ ખરીદી છે. અક્ષય કુમાર શ્રીનગરની યીમનો માલિક છે. નોંધનીય છે કે ઈન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગનું આયોજન મુંબઈના એક સ્ટેડિયમમાં કરવામાં આવશે જે બીજી માર્ચથી નવ માર્ચ સુધી ચાલશે. આ લીગમાં હૈદરાબાદ, મુંબઈ, બેંગલુરુ, ચેન્નઈ, કોલકાતા અને શ્રીનગરની ટીમો ભાગ લેશે.


