વિશ્વભરમાં કોરોના મહામારી દરમિયાન COVID-19ના 70 કરોડથી વધુ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 69.58 લાખથી વધુ લોકોના મોત થયા છે. દરમિયાન, કોવિડ-19નું નવું સ્વરૂપ, JN.1 વેરિયન્ટ 41 દેશોમાં મળી આવ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, આ નવા વેરિયન્ટના અત્યાર સુધીમાં 7,300 થી વધુ કેસ નોંધાયા છે. ભારતમાં પણ JN.1 વેરિઅન્ટના ઘણા કેસ નોંધાયા છે.
WHOએ JN.1ને ગણાવ્યો ‘વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાયરસના JN.1 વેરિયન્ટને ‘વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ તરીકે વર્ગીકૃત કર્યો છે. WHOએ કહ્યું, ‘આનાથી સામાન્ય લોકોના સ્વાસ્થ્ય માટે કોઈ મોટો ખતરો નથી. એક મીડિયા રિપોર્ટ અનુસાર, કોવિડ-19નું JN.1 વેરિયન્ટ શરીરની રોગપ્રતિકારક શક્તિને ઘટાડી શકે છે. તે અન્ય COVID-19 પ્રકારો કરતાં વધુ સરળતાથી ફેલાઈ શકે છે. જો કે, હજુ સુધી અત્યંત ગંભીર રોગના કોઈ ચિહ્નો મળ્યા નથી.
શું છે JN.1 ઇન્ફેકશનના મુખ્ય લક્ષણો?
JN.1 વેરિયન્ટના વાયરસનો અભ્યાસ કરતા વાઈરોલોજિસ્ટ એન્ડ્રુ પેકોસે જણાવ્યું હતું કે, ‘જો આ વેરિઅન્ટના વધુ કેસ નોંધાય તો પણ હાલમાં JN.1ના ફેલાવાને લઈને ગભરાવાની કે ડરવાની જરૂર નથી. જો કે, તેના સામાન્ય લક્ષણોમાં તાવ અથવા શરદી, ઉધરસ, થાક અને શરીરમાં દુખાવોનો સમાવેશ થાય છે. પેકોસ જોન્સ હોપકિન્સ બ્લૂમબર્ગ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થમાં કામ કરે છે.
- JN.1 ને પહેલા તેના મૂળ વંશ BA.2.86 નો ભાગ માનવામાં આવતું હતું
- તેને હવે અલગ ‘વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે.
- હાલમાં વપરાતી કોરોના રસી JN.1 સામે રક્ષણ આપવામાં પણ અસરકારક છે.
અમેરિકામાં સામે આવ્યો હતો JN.1નો પહેલો કેસ
યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) અનુસાર, 8 ડિસેમ્બર સુધીમાં યુ.એસ.માં નોંધાયેલા કોરોના સંક્રમણના કુલ કેસોમાં સબવેરિયન્ટ JN.1 કેસના અંદાજિત 15 થી 29 ટકા હોઈ શકે છે. CDC એ પણ સ્વીકાર્યું હતું કે JN.1 વેરિઅન્ટ બહુ જોખમી નથી. સલામત રહેવા માટે, અમેરિકામાં ઉપયોગમાં લેવાતી કોરોના રસીનો એક ડોઝ પૂરતો છે. અમેરિકામાં JN.1નો પહેલો કેસ સપ્ટેમ્બરમાં નોંધાયો હતો. ગયા અઠવાડિયે ચીનમાં સાત કેસ નોંધાયા હતા. હવે તે 41 દેશોમાં ફેલાઈ ગયો છે.


