- આ વખતે રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ 2024 નક્કી કરાઈ
- 50 લાખ સુધીની આવક ધરાવનાર ITR ફોર્મ 1, ITR ફોર્મ 4 મુજબ રિટર્ન ભરી શકશે
- ITR ફોર્મ 1 એ સહજ તરીકે અને ITR ફોર્મ 4 સુગમ તરીકે ઓળખાય છે
આવકવેરા વિભાગ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT) દ્વારા આકારણી વર્ષ 24-25 માટે નવા ફોર્મ ITR-1 તેમજ ITR- 4 બહાર પાડવામાં આવ્યા છે. આકારણી વર્ષ 2024-25 માટે જે વ્યક્તિઓ કે સંસ્થાઓની આવક વર્ષે રૂ. 50 લાખ સુધીની હશે તેઓ આવકવેરા રિટર્ન માટે આ ફોર્મ ભરી શકશે. આવકવેરાનું રિટર્ન ભરવાની છેલ્લી તારીખ આ વખતે 31 જુલાઈ 2024 નકકી કરવામાં આવી છે. ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં બિઝનેસ કે વ્યવસાયમાંથી વર્ષે રૂ. 50 લાખ સુધીની આવક ધરાવનાર વ્યક્તિઓ, હિન્દુ અવિભક્ત કુટુંબ (HUF) તેમજ પેઢીઓ નવા ITR ફોર્મ 1 તેમજ ITR ફોર્મ 4 મુજબ આવકવેરા રિટર્ન ભરી શકશે.
આઈટી રિટર્ન ફોર્મ ભરવામાં સરળ
સામાન્ય રીતે જે તે નાણાકીય વર્ષ માટેનાં ITR ફોર્મ માર્ચ મહિનાનાં અંતમાં કે એપ્રિલની શરૂઆતમાં બહાર પાડવામાં આવે છે. ગયા વર્ષે ફોર્મ ફેબ્રુઆરીમાં બહાર પાડવામાં આવ્યા હતા. આ વખતે કરદાતાઓ સરળતાથી ITR ભરી શકે તે માટે તે ડિસેમ્બરનાં અંતમાં બહાર પાડવામાં આવ્યા છે. ITR ફોર્મ 1 એ સહજ તરીકે અને ITR ફોર્મ 4 સુગમ તરીકે ઓળખવામાં આવે છે. જે સામાન્ય રીતે નાના અને મધ્યમ કરદાતાઓ દ્વારા ભરવામાં આવે છે.
કોણ કયું ફોર્મ ભરી શકે?
સહજ ફોર્મ જે વ્યક્તિઓની આવક પગાર કે વેતન દ્વારા, વન હાઉસ પ્રોપર્ટી દ્વારા કે વ્યાજ જેવા અન્ય સ્ત્રોતો દ્વારા રૂ. 50 લાખ સુધીની હોય અને ખેતીની આવક રૂ. 5,000 સુધીની હોય તેઓ ભરી શકે છે.
સુગમ ફોર્મ એવી વ્યક્તિઓ, હિન્દુ અવિભક્ત કુટુંબ (HUF) તેમજ લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશિપ (LLP) સિવાયની પેઢીઓ કે જેની વાર્ષિક આવક બિઝનેસ કે પ્રોફેશનમાંથી રૂ. 50 લાખ સુધીની હોય તેઓ ભરી શકશે.


