- પંજાબ સરકારની લોકોને માસ્ક પહેરવાની સલાહ
- છેલ્લા 24 કલાકમાં કોરોનાના 752 નવા કેસ નોંધાયા
- વિશ્વમાં મહિનામાં કોવિડ કેસ 52% વધ્યા: WHO
દેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેની વચ્ચે પંજાબ સરકાર પણ કડક બની છે. રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગ તરફથી કોવિડ એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. તેમાં લોકોને ભીડ ધરાવતાં સ્થાનોમાં માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. સરકારે જણાવ્યું હતું કે દેશના ઘણા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાના નવા વેરિઅન્ટ JN.1ના કેસીસમાં વધારો થયો છે તેથી પ્રદેશના તમામ લોકોએ કોવિડ એડવાઇઝરીનં કડક પાલન કરવું પડશે.
દરમિયાન પાછલા 24 કલાક દરમિયાન કોરોના સંક્રમણના આંકડાએ પાછલા આઠ મહિનાનો રેકોર્ડ તોડયો હતો. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર પાછલા 24 કલાકમાં 752 કેસીસ નોંધાયા હતા કે જે 21 મે પછી સૌથી મોટો આંકડો છે. આ સાથે દેશમાં કોરોનાના એક્ટિવ કેસીસની સંખ્યા 3,000ને પાર જતી રહી છે અને 3,420 નોંધાઇ છે. પાછલા 24 કલાકમાં કોરોના સંક્રમણના કારણે ચાર લોકોનાં મોત થયાં હતાં જેમાં બે કેરળમાં તથા રાજસ્થાન અને કર્ણાટકમાં એક-એક હતાં. નોંધનીય છે કે કોવિડ-19ના વધતા જતાં કેસીસ માટે વિશ્વભરમાં ઝડપથી વધી રહેલાં JN.1 વેરિઅન્ટને મુખ્ય કારણ માનવામાં આવે છે.
વિશ્વમાં મહિનામાં કોવિડ કેસમાં 52 ટકાનો વધારો: WHO
દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થા WHOએ જણાવ્યું હતું કે પાછલા એક મહિના દરમિયાન નવા કોવિડ કેસીસની સંખ્યામાં 52 ટકાનો વધારો થયો હતો અને આ ગાળા દરમિયાન 850000 નવા કેસીસ નોંધાયા હતાં. તેણે ઉમેર્યું હતું કે પાછલા ચાર સપ્તાહ દરમિયાન કોવિડના કારણે મોતની સંખ્યામાં આઠ ટકાનો વધારો નોંધાયો હતો અને 3000થી વધુ નવા મોત નોંધાયા હતાં. તેણે જણાવ્યું હતું કે આ ગાળા દરમિયાન હોસ્પિટલાઇઝેશનમાં 23 ટકા અને આઈસીયુ સારવારમાં 51 ટકાનો વધારો થયો હતો.


