- અલ્બાનિયામાં એક સેલફોન પ્રોવાઇડર અને એર ફ્લાઇટ પર પણ સાઇબર એટેક થયો; ઈરાનનો હાથ હોવાની શંકા
- ઉત્તરપૂર્વીય યુરોપીય દેશ અલ્બાનિયાના સંસદ ભવન પર સાઇબર એટેક થયો છે
- ઈરાન અને MEK બંનેએ હુમલામાં હાથ હોવાનો ઇનકાર કર્યો
ઉત્તરપૂર્વીય યુરોપીય દેશ અલ્બાનિયાના સંસદ ભવન પર સાઇબર એટેક થયો છે. અબ્લાનિયાની સંસદે કહ્યું કે હેકરોએ તેમની ડેટા સિસ્ટમમાં ઘૂસવાની કોશિશ કરી, તેના કારણે સંસદ ભવનમાંની સેવાઓને કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવી છે. મંગળવારે અલ્બાનિયાના સંસદ ભવન તરફથી કહેવામાં આવ્યું કે સોમવારે થયેલા સાઇબર હુમલામાં હેકર સિસ્ટમના ડેટા સુધી પહોંચવામાં સફળ થયા નહોતા. સાઇબર નિષ્ણાતો આ હુમલાની તપાસ કરી રહ્યા છે. તપાસ બાદ સિસ્ટમની બધી સેવાઓ ફરીથી શરૂ થશે.
અલ્બાનિયાના સ્થાનિક મીડિયા અનુસાર, સોમવારે એક સેલફોન પ્રોવાઇડર અને એક એર ફ્લાઇટને પણ સાઇબર એટેકનાં નિશાન બનાવવામાં આવેલાં. રિપોર્ટ અનુસાર, આ સાઇબર એટેક ઈરાન બેઝડ હેકર્સ હોમલેન્ડ જસ્ટિસે કર્યો છે. જોકે, તેની હજુ સુધી પુષ્ટિ નથી થઈ શકી. ઉલ્લેખનીય છે કે આની પહેલાં જુલાઈ, 2022માં પણ અલ્બાનિયાએ સાઇબર એટેકનો સામનો કરવો પડયો હતો. તે હુમલા માટે અલ્બાનિયાની સરકાર અને મલ્ટિનેશનલ ટેક્નોલોજી કંપનીઓએ ઈરાની વિદેશ મંત્રાલયને જવાબદાર ઠરાવ્યું હતું. એવું માનવામાં આવે છે કે આ હુમલો ઈરાનના વિપક્ષી જૂથ મુજાહિદ્દીન-એ-ખલ્ક એટલે કે MEKના સભ્યોને આશ્રાય આપવાના કારણે અલ્બાનિયા સામે બદલો લેવા માટે કરવામાં આવ્યો હતો.
ઈરાન અને MEK બંનેએ હુમલામાં હાથ હોવાનો ઇનકાર કર્યો ।
હકીકતે, 2013થી લઈને અત્યાર સુધીમાં લગભગ 2,500 ઈરાની નિર્વાસિતોને અલ્બાનિયામાં આશ્રાય અપાયો છે. અલ્બાનિયામાં રહેતા ઈરાની કોઈ પણ રાજકીય પ્રવૃત્તિમાં સામેલ નથી થઈ શકતા, તદ્ ઉપરાંત તેમણે અલ્બાનિયાના કાયદાનું પાલન કરવાનું હોય છે. જોકે, ઈરાની વિદેશ મંત્રાલયે એ વાતનો ઇનકાર કર્યો હતો કે અલ્બાનિયાની સરકારી વેબસાઇટો પર હુમલા પાછળ ઈરાનનો હાથ છે. ઈરાને કહેલું કે MEK જ ઈરાન પર પણ હુમલા કરે છે. જોકે, મંગળવારે MEKના મીડિયા પ્રવક્તા અલી સફવીએ બયાન જાહેર કર્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અલ્બાનિયામાં થયેલા સાઇબર હુમલામાં MEKનો હાથ નથી.


