- ઇન્દોરના વેપારીએ બસ ડ્રાઇવરને રૂપિયા ભરેલું બોક્સ અમદાવાદના એક શખ્સને પહોંચાડવા આપ્યું હતું
- રકમ હવાલાની હોવાનું જાણવા મળતા પોલીસની તે દિશામાં પણ તપાસ
- આવકવેરા વિભાગને પણ જાણ કરવામાં આવશે
ઇન્દોરમાં એક ખાનગી બસના ડ્રાઇવર પાસેથી 14 લાખ રૂપિયા પડાવી લેવા બદલ શહેરના ચંદન નગર પોલીસ સ્ટેશનના બે કોન્સ્ટેબલની ધરપકડ કરાઇ છે. 23 ડિસેમ્બરે બસ ડ્રાઇવરને અંકિત જૈન નામના ઇન્દોરના એક વેપારીએ 14 લાખ રૂપિયા ભરેલું બોક્સ અમદાવાદમાં રહેતા કનૈયાલાલ નામના શખ્સને પહોંચાડવા માટે આપ્યું હતું. આરોપી કોન્સ્ટેબલો યોગેશ ચૌહાણ અને દીપક યાદવે તપાસના નામે બસ ડ્રાઇવર નરેન્દ્ર તિવારી પાસેથી બોક્સ લઇ લીધું હતું અને તેની જપ્તી પણ નહોતી બતાવી કે તેમના પોલીસ સ્ટેશનને જાણ પણ નહોતી કરી. કનૈયાલાલે પોતાને પૈસા નહીં મળ્યા હોવાની અંકિત જૈનને જાણ કરતા અંકિતે બસ ડ્રાઇવર સામે વિશ્વાસભંગનો પોલીસ કેસ કર્યો હતો. આ કેસની તપાસમાં બહાર આવ્યું કે બંને કોન્સ્ટેબલોએ બસ ડ્રાઇવર પાસેથી 14 લાખ રૂપિયા ભરેલું બોક્સ તપાસના નામે લઇ લીધું હતું. સમગ્ર મામલે પોલીસે આરોપી કોન્સ્ટેબલો સામે આઇપીસી કલમ 392 હેઠળ લૂંટનો કેસ દાખલ કરી બંનેની ધરપકડ કરી છે. પોલીસ વેપારીની પણ પૂછપરછ કરી રહી છે કે તેણે આટલી મોટી રકમ બસ ડ્રાઇવર મારફત કેમ મોકલાવી હતી? રકમ હવાલાની હોવાનું પણ પોલીસને જાણવા મળતા પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. એડિશનલ ડીસીપી અભિનય વિશ્વકર્માએ જણાવ્યું હતું કે રકમ અંગે આવકવેરા વિભાગને પણ જાણ કરવામાં આવશે.


