- ઋષભ પંતના મોંઘી અને લગ્ઝરી ઘડિયાળોના શોખનો લીધો લાભ
- મોંઘી અને લગ્ઝરી ઘડિયાળોનો બિઝનેસ કરતો હોવાનો આપ્યો વિશ્વાસ
- બાઉન્સ ચેક આપીને ઋષભ પંત સાથે કરી કાઢી 1.6 કરોડની ઠગાઇ
ક્રિકેટર માંથી મહાઠગ બનનાર મૃણાંક સિંહની ક્રાઇમ કુંડળીમાં અનેક કારસ્તાનો નોંધાયા છે. પરંતુ, તેની ક્રાઇમ કુંડળીમાં એક નામ એવું પણ છે જેના પર સૌનું ધ્યાન જઈ રહ્યું છે. આ નામ છે ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર ઋષભ પંત. વાસ્તવમાં, ઋષભ પંતને મોંઘી અને લગ્ઝરી ઘડિયાળોનો જબરો શોખ છે. બસ, મહાઠગને પંતના આ શોખને પોતાની કમાણીનો રસ્તો બનાવ્યો અને બે વર્ષમાં પંતને 1.6 કરોડનો ચૂનો ચોપડી દીધો અને તે પણ બાઉન્સ ચેક દ્વારા.
ધરપકડ બાદ પોલીસે કર્યા અનેક ખુલાસા
હોટલ તાજ પેલેસને પાંચ લાખથી વધુનો ચૂનો ચોપડનાર મૃણાંક સિંહની ધરપકડ બાદ પોલીસે અનેક ખુલાસા કર્યા છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું છે કે ક્રિકેટર ઋષભ પંતને વૈભવી ઘડિયાળો બતાવીને લાખો રૂપિયાની ઠગાઇ કરવામાં આવી. ઋષભ પંતનો ટાઈમ બગાડીને તેમને બાઉન્સ ચેક આપીને મહાઠગ મૃણાંક સિંહે છેતરપિંડી આચરી હતી. હાલ તો ઋષભ પંતનું પોતાનું ક્રિકેટ કેરિયર જોખમમાં છે. એક રોડ એક્સિડન્ટમાં ઋષભ પંત મેદાનથી સીધા હોસ્પિટલના બિછાને પહોંચી ગયા. પરંતુ દિલ્હીના ચણક્યપુરીમાં જ્યારે પોલીસે આ મહાઠગની ધરપકડ કરી ત્યારે ઋષભ પંત સાથે થયેલ ઠગાઇની આખી વાત ખૂલીને સામે આવી.

પંતનો ‘જબરો’ શોખ ભારે પડ્યો
વાસ્તવમાં, ઋષભ પંતને મોંઘી અને વૈભગી ઘડિયાળો રાખવાનો જબરો શોખ છે અને આ વાત મહાઠગ મૃણાંક સિંહના ધ્યાનમાં આવી ગઈ. મૃણાંક પોતાની વૈભવી લાઇફસ્ટાઇલને કારણે પહેલેથી જ અનેક ક્રિકેટરો વચ્ચે પ્રખ્યાત થઈ ચૂક્યો હતો. બે વર્ષ પહેલાંની વાત છે. મૃણાંક સિંહે ઋષભ પંત પર નજર રાખી અને બાદમાં પંતને વૈભવી, મોંઘી અને લગ્ઝરી ઘડિયાળો સસ્તા ભાવે અપાવવાનો એવો ખેલ ખેલ્યો કે ઋષભ પંતને બે વર્ષ પહેલા 1.6 કરોડ રૂપિયાનો ચૂનો લગાડી દીધો હતો.

મૃણાંકની જાળમાં ફસાઈને પંતે ગુમાવ્યા 1.6 કરોડ
ત્યારબાદ ઋષભ પંતે પોતાની સાથે થયેલ 1.6 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ દાખલ કર્યો હતો. મૃણાંકે બાઉન્સ ચેક દ્વારા પંત સાથે ઠગાઇ કરી હતી. અંડર-19 ક્રિકેટરે ત્યારે કહ્યું હતું કે તેણે લક્ઝરી ઘડિયાળો, બેગ, જ્વેલરી વગેરેનો બિઝનેસ શરૂ કર્યો છે. બસ તેની આ વાતનો વિશ્વાસ કરીને ઋષભ તેની જાળમાં ફસાઈ ગયો હતો. અને મૃણાંકની જાળમાં ફસાઈને પંતે પોતાની 1.6 કરોડ રૂપિયાની જંગી રકમ ગુમાવી દીધી.
મૃણાંકના અનેક મહિલા મોડેલ્સ અને યુવતીઓના સંબંધો
પોલીસે જેમ જેમ આરોપી મૃણાંકના જીવનના પાના તપાસ્યા તેમ તેમ તેના દુષ્કૃત્યો પ્રકાશમાં આવી રહ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી મૃણાંક ઘણી યુવાન મહિલા મોડેલ્સ અને છોકરીઓ સાથે પરિચયમાં હતો. તેના મોબાઈલમાં છોકરીઓના ઘણા વીડિયો અને તસ્વીરો મળી આવી છે, જેમાંથી કેટલાક અત્યંત વાંધાજનક છે. હવે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી બે દિવસની કસ્ટડી લીધી હતી. આ કેસની વધુ તપાસ કરવામાં આવી રહી છે અને તેના મોબાઈલ ફોનનું પણ વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. આ કેસમાં હજુ પણ ઘણા પીડિતો સામે આવે તેવી શક્યતા છે.


