- સમિતિમાં CJIને સમાવવા, કેન્દ્રનું ગત 28 ડિસે.નું ગેઝેટ નોટિફિકેશન કોરાણે મૂકવા પણ માગ
- ગેઝેટ નોટિફિકેશનમાં CEC તથા ECsની નિમણૂક માટેના નિયમોનો ઉલ્લેખ હતો
- CEC/ચૂંટણી કમિશનરના વેતનના સંબંધમાં કાયદામાં સુધારો કરાયો છે
મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) તથા અન્ય ચૂંટણી કમિશનરો (ECs)ની નિમણૂક માટે તટસ્થ અને સ્વતંત્ર પસંદગી સમિતિ રચીને પારદર્શી તથા સ્વતંત્ર પસંદગી વ્યવસ્થાના અમલનો કેન્દ્ર સરકારને આદેશ કરવાની દાદ માગતી એક જાહેર હિતની અરજી (પીઆઇએલ) સુપ્રીમ કોર્ટમાં મંગળવારે દાખલ થઇ છે. એક વકીલ દ્વારા દાખલ કરાયેલી આ પીઆઇએલમાં CEC તથા ECsની નિમણૂક માટેની પસંદગી સમિતિમાં ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા (CJI)નો સમાવેશ કરવાની તથા આવી નિમણૂકો માટે કેન્દ્ર સરકાર દ્વારા ગત 28 ડિસેમ્બરે જારી કરાયેલું ગેઝેટ નોટિફિકેશન કોરાણે મૂકવાની પણ દાદ માગવામાં આવી છે. ગેઝેટ નોટિફિકેશનમાં CEC તથા ECsની નિમણૂક માટેના નિયમોનો ઉલ્લેખ હતો. નોંધનીય છે કે ગત 21 ડિસેમ્બરે લોકસભામાં પસાર થયેલા ચીફ ઇલેક્શન કમિશનર એન્ડ અધર ઇલેક્શન કમિશનર્સ (એપોઇન્ટમેન્ટ, કન્ડિશન્સ ઓફ સર્વિસ એન્ડ ટર્મ્સ ઓફ ઓફિસ) બિલ, 2023માં CEC તથા ECsની નિમણૂક માટે રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટે વડાપ્રધાન, લોકસભાના વિપક્ષના નેતા તથા વડાપ્રધાને નોમિનેટ કરેલા એક કેન્દ્રીય પ્રધાનની અધ્યક્ષતામાં પસંદગી સમિતિની જોગવાઇ છે. CEC/ચૂંટણી કમિશનરના વેતનના સંબંધમાં કાયદામાં સુધારો કરાયો છે.


