- ભોપાલ, અજમેર, બિકાનેર, લખનઉ સહિત નવ શહેરમાં ઝીરો વિઝિબિલિટી
- નવા વર્ષના આરંભ સાથે ઉત્તર ભારતમાં ઠંડીનો પારો ઝડપથી ગગડી રહ્યો છે
- ઉત્તર ભારતમાં કોલ્ડવેવની ચેતવણી
નવા વર્ષના આરંભ સાથે ઉત્તર ભારતમાં ઠંડીનો પારો ઝડપથી ગગડી રહ્યો છે. જમ્મુ અને કાશ્મીરમાં બરફવર્ષા જોવા મળી રહી છે. શ્રીનગરમાં તાપમાન માઇનસ પાંચ ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી ગયું હતું જેને પગલે પ્રસિદ્ધ દાલ સરોવર પર બરફની સપાટી છવાઇ છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, દિલ્હી અને ઉત્તરપ્રદેશ સહિત દેશના 19 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું. ઉત્તર ભારતના ઘણા જિલ્લાઓમાં વિઝિબિલિટી 50 મીટર કરતાં પણ ઓછી હોવાના કારણે 21 ટ્રેન વિલંબથી ચાલી રહી છે. મંગળવારે સવારે ભોપાલ, અજમેર, બિકાનેર, લખનઉ, વારાણસી, બરેલી, પટિયાલામાં ઝીરો વિઝિબિલિટી રહી હતી.
ઉત્તર ભારતમાં કોલ્ડવેવની ચેતવણી
હિમાલયના ઊંચાણવાળા ભાગોમાં સતત હિમવર્ષાના કારણે સમગ્ર ઉત્તર ભારતમાં કોલ્ડવેવની સંભાવના છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ અને ઉત્તરપ્રદેશમાં ધુમ્મસની હાલની સ્થિતિ જળવાઇ રહેશે. જો કે દક્ષિણ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં હળવા વરસાદની સંભાવના છે. પંજાબ, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં તીવ્ર કોલ્ડ વેવની સ્થિતિ ઊભી થવાની શક્યતા છે.


