- માલદીવના મંત્રીઓએ બફાટ કરવો ભારે પડ્યો
- સોશિયલ મીડિયામાં દેખાયો ભારતીયોનો ગુસ્સો
- #BoycottMaldives ચાલી રહ્યું છે ટ્રેન્ડમાં
પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાત બાદ માલદીવ બોખલાઇ ગયું છે. માલદીવ પીએમ મોદીના લક્ષદ્વીપ વિઝિટને લઇને કટાક્ષ કરી રહ્યુ છે. ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર માલદીવને બરાબરનું ટ્રોલ કરવામાં આવી રહ્યું છે. #BoycottMaldives ટ્રેન્ડ શરૂ થઇ ગયો છે. માલદીવ્સના મંત્રીઓએ લક્ષદ્વીપને લઇને કરેલી ટીકા બદલ લાખોનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં યુઝર્સ લાલઘૂમ
સોશિયલ મીડિયા પર લોકો માલદીવ વિરુદ્ધ ગુસ્સો ઠાલવી રહ્યા છે. લોકો કહે છે કે પર્યટન પર નિર્ભર માલદીવને ભારતની તાકાતનો ખ્યાલ નથી. આટલું જ નહીં, ઘણા એવા લોકો છે જેઓ માલદીવનો પ્રવાસ કેન્સલ કર્યા બાદ હવે લક્ષદ્વીપને પ્રાધાન્ય આપી રહ્યા છે. સાથે જ લોકો માલદીવને ખરીખોટી સંભળાવી રહ્યા છે.
માલદીવને ફટકો પડશે
જે રીતે લોકો સોશ્યિલ મીડિયા પર માલદીવ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે તેનાથી માલદીવને આંચકો લાગશે તે નિશ્ચિત છે. માલદીવનું અર્થતંત્ર મુખ્યત્વે પ્રવાસન પર આધારિત છે. સોશિયલ મીડિયા પર આવી ઘણી પોસ્ટ શેર કરવામાં આવી રહી છે જેમાં લોકો તેમના માલદીવ પ્રવાસને રદ કરવાની માહિતી આપતા સ્ક્રીનશોટ શેર કરી રહ્યા છે.
માલદીવની ટ્રીપ કેન્સલ કરવાની માહિતી આપતા X પર એક યુઝરે લખ્યું, ‘હું મારા જન્મદિવસ માટે માલદીવ જવાનું પ્લાનિંગ કરી રહ્યો હતો, જે 2 ફેબ્રુઆરીનો પ્લાન હતો. આ અંગે ટ્રાવેલ એજન્ટ સાથે પણ ચર્ચા થઈ હતી, પરંતુ માલદીવના મંત્રીની ટ્વીટ જોઈને મે મારો પ્લાન જ કેન્સલ કરી દીધો.
તો બીજા અન્ય એક યુઝરે કહ્યું કે તેણે માલદીવમાં ત્રણ અઠવાડિયાના રોકાણ માટે 5 લાખ રૂપિયા બુક કર્યા છે. પરંતુ માલદીવના મંત્રીઓના નિવેદન બાદ અમે તેને કેન્સલ કરી દીધો છે.
એકે લખ્યું, ‘હું થોડા મહિના પહેલા માલદીવ ગયો હતો. કાશ હું ન ગયો હોત. મેં મારી ભત્રીજીને તેનું હનીમૂન પેકેજ ગિફ્ટ કર્યું અને હવે મેં મારા એજન્ટને કેન્સલ કરવા કહ્યું છે. હું 50 હજાર રૂપિયા ગુમાવી રહ્યો છું, પરંતુ માલદીવ તેની કિંમત છે.


