- ગોવામાં હત્યા કર્યા બાદ દીકરાનું શબ લઇને કર્ણાટક પહોંચી
- અલગ રહેતો પતિ દીકરાને ન મળી શકે તે માટે હીન કૃત્ય આચર્યું
- સૂચના અને તેના પતિએ 10 વર્ષના લગ્નજીવન બાદ 2020માં ડિવોર્સ માટે અરજી કરી હતી
બેંગલુરુમાં એક AI સ્ટાર્ટ-અપની સીઇઓ સૂચના સેઠે તેનાથી અલગ રહેતો પતિ ચાર વર્ષના દીકરાને ન મળી શકે તે માટે દીકરાની હત્યા કર્યાનો હચમચાવી મૂકે તેવો કિસ્સો સામે આવ્યો છે. 39 વર્ષની સૂચના બેંગલુરુ બેઝડ સ્ટાર્ટ-અપ માઇન્ડફુલ AI લેબની સીઇઓ છે. તે ગોવામાં દીકરાની હત્યા કર્યા બાદ તેનું શબ બેગમાં લઇને બેંગલુરુ જતી હતી ત્યારે રસ્તામાં ચિત્રદુર્ગ ખાતે પોલીસે તેની ધરપકડ કરી હતી. ધરપકડ બાદ તેને ગોવાની કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેને 6 દિવસના પોલીસ રિમાન્ડ હેઠળ મોકલી હતી. સૂત્રોના જણાવ્યાનુસાર સૂચના અને તેના પતિએ 10 વર્ષના લગ્નજીવન બાદ 2020માં ડિવોર્સ માટે અરજી કરી હતી.
બીજી તરફ કોર્ટે તેના પુત્રને દર રવિવારે મળવાની મંજૂરી આપી હતી. કોર્ટના આ હુકમને પગલે સૂચનાએ દીકરા સાથે ગોવાની ટ્રિપ પ્લાન કરી અને ત્યાં પિતા-પુત્ર વચ્ચેની નિર્ધારિત મુલાકાત પૂર્વે નોર્થ ગોવાના કેન્ડોલિમની હોટેલના રૂમમાં દીકરાની હત્યા કરી નાખી. ત્યાર બાદ તે દીકરાનું શબ બેગમાં લઇને ટેક્સીમાં બેંગલુરુ રવાના થઇ ગઇ હતી.
હત્યારી જનેતા કેવી રીતે પકડાઇ?
સૂચનાએ 6 જાન્યુઆરીએ કેન્ડોલિમના એક રેન્ટેડ સર્વિસ એપાર્ટમેન્ટમાં દીકરા સાથે ચેક – ઇન કર્યું હતું. બે દિવસના સ્ટે બાદ તેણે કામ અર્થે બેંગલુરુ જવાનું હોવાનું કહીને એપાર્ટમેન્ટ સ્ટાફને ટેક્સીની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું. સ્ટાફે સસ્તો ફ્લાઇટ ઓપ્શન સજેસ્ટ કર્યો તેમ છતાં સૂચનાએ ટેક્સીમાં જ જવાનો આગ્રહ રાખ્યો હતો અને છેવટે ટેક્સીમાં બેંગલુરુ જવા નીકળી હતી. જોકે દીકરા સાથે ચેક-ઇન કરનારી સૂચના હોટેલમાંથી ચેક-આઉટ વખતે ભારે બેગ સાથે એકલી હોવાથી તથા રૂમમાંથી લોહીનાં ડાઘ મળી આવતા શંકા જતા હોટેલના સ્ટાફે સ્થાનિક પોલીસને જાણ કરી હતી. સ્થાનિક પોલીસે ટેક્સી ડ્રાઇવરનો કોન્ટેક્ટ નંબર મેળવીને તેનો સંપર્ક કરતા તે કર્ણાટકના ચિત્રદુર્ગમાં હોવાનું જાણવા મળતા પોલીસે કર્ણાટક પોલીસને જાણ કર્યા બાદ સૂચના ઝડપાઇ હતી. પોલીસે ટેક્સી ડ્રાઇવરના ફોન પર સૂચનાની પૂછપરછ કરી ત્યારે તે ખોટું બોલી હતી કે હોટેલ રૂમમાં લોહીના ડાઘ તેના પિરિયડ્સના હતા અને તેનો દીકરો એક ફ્રેન્ડને ત્યાં છે. ત્યાર બાદ પોલીસે સૂચનાને શંકા ન જાય તે માટે ટેક્સી ડ્રાઇવરને સૂચનાને લઇને નજીકના પોલીસ સ્ટેશને પહોંચવા કોંકણી ભાષામાં કહ્યું હતું. ત્યાં પોલીસે તેની બેગ તપાસતાં તેમાંથી તેના દીકરાનું શબ મળી આવ્યું હતું. ત્યાર બાદ કલંગુટ પોલીસ ચિત્રદુર્ગ પહોંચીને સૂચનાને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ગોવા લાવી હતી. તેના દીકરાનું પોસ્ટમોર્ટમ ચિત્રદુર્ગમાં થશે. સૂચનાનો પતિ વેંકટ રમણ હાલ જકાર્તામાં છે, જેને પોલીસે સમગ્ર ઘટનાક્રમની જાણ કરી ભારત પરત ફરવા વિનંતી કરી હતી.
દીકરાની હત્યા બાદ સૂચનાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો
પોલીસના જણાવ્યાનુસાર સૂચનાએ ગોવાના કેન્ડોલિમમાં હોટેલ રૂમમાં દીકરાની ગળું દબાવીને હત્યા બાદ પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હોટેલ રૂમમાં એક ટોવેલ પરથી મળી આવેલા લોહીના ડાઘ સૂચનાએ કરેલા આપઘાતના પ્રયાસના હતા. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ સૂચનાએ કોઇ ધારદાર વસ્તુથી ડાબા હાથના કાંડા પર કાપો મારીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.


