- મોડી રાત સુધી નિવાસસ્થાને હાજર હેમંત સોરેન અજ્ઞાત સ્થળે જતા રહ્યા
- ઝારખંડના સીએમ કાર્યાલય તરફથી સત્તાવાર પત્ર ઇમેલ મારફત મળ્યો
- ઝારખંડના સીએમ કાર્યાલયે ઈડીને પત્ર લખી 31 જાન્યુઆરીએ પૂછપરછનો સમય નક્કી કર્યો
જમીન ગોટાળા સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરવા માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ઈડી)ની ટીમ સોમવારે સવારે પાટનગર દિલ્હી સ્થિત હેમંત સોરેનના નિવાસસ્થાન પર પહોંચી ગઇ હતી. જો કે ઈડીની આ ટીમ ઝારખંડના સીએમના દક્ષિણ દિલ્હીના પોશ વિસ્તાર શાંતિ નિકેતનમાં તેના નિવાસસ્થાન પર પહોંચી ત્યારે તે ગાયબ થઇ ગયાં હતાં. અહેવાલો અનુસાર સોરેન અડધી રાત સુધી દિલ્હી ખાતેના ઘરે જ ઉપલબ્ધ હતાં પણ તે પછી કોઇ અજ્ઞાત સ્થળ પર જતાં રહ્યા હતાં. ઈડીની ટીમ તેમની રાહ જોઇને આખો દિવસ તેના ઘર પર જળવાઇ રહી હતી, સાથોસાથ તેમના લોકેશનને ટ્રેસ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ તેમાં સફળતા હાંસલ થઇ ન હતી. જો કે મોડી સાંજે ઈડીના ક્ષેત્રિય કાર્યાલયને ઝારખંડના સીએમ કાર્યાલય તરફથી સત્તાવાર પત્ર ઇમેલ મારફત મળ્યો હતો અને તેમાં ઈડીને 31 જાન્યુઆરીએ પૂછપરછ માટે સમયની જાણકારી આપવામાં આવી છે.
ઈડીની ટીમે રાંચીમાં આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી. ઈડીએ કહેવાતા જમીન ગોટાળા સાથે જોડાયેલાં મની લોન્ડરિંગ કેસમાં વધુ પૂછપરછ માટે હેમંત સોરેનને સમન્સ ઈશ્યૂ કર્યો હતો.
ઈડીની ટીમ આખો દિવસ રાહ જોઇ પરત આવી
અહેવાલો અનુસાર આ ઘટનાક્રમ બાદ ઈડીની ટીમ સોરેનના નિવાસસ્થાનને છોડીને જતી રહી હતી. જો કે મોટી સંખ્યામાં સુરક્ષા દળોને ઘરની અંદર અને બહાર તૈનાત રાખવામાં આવ્યા છે. નોંધનીય છે કે ઈડી દ્વારા હેમંત સોરેનને નવું સમન્સ ઈશ્યૂ કરવામાં આવ્યા બાદ તે અચાનક દિલ્હી પહોંચી ગયાં હતાં.


