ઝોન ૧ના પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્યું ફૂટ પેટ્રોલીંગ
રાજકોટમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ તે માટે પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. શહેરના ઝોન ૧ હેઠળના પોલીસ સ્ટેશન વિસ્તારોમાં સ્થાનિક પોલીસ દ્વારા પેરા મિલેટ્રી ફોર્સના જવાનોને સાથે રાખીને ફ્લેગ માર્ચ યોજવામાં આવી રહી છે ગઈકાલે એ ડીવીઝન અને બી ડીવીઝન પોલીસમાં જવાનોએ ફૂટ પેટ્રોલીંગ કયું હતું. રાજકોટમાં લોકસભાની ચૂંટણીનું મતદાન આગામી મંગળવારે યોજાનાર છે ત્યારે શહેર પોલીસ કમિશનરરાજુ ભાર્ગવ દ્વારા અગાઉથી જ તકેદારીના ભાગરૂપે ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકોના અટકાયતી પગલા લેવાનું, પાસામાં ગુનેગારોને ધકેલવા સહિતની કામગીરી કરવામાં આવી હતી આ ઉપરાંત મતદારો મૂક્તમને મતદાન કરી શકે તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ફૂટ પેટ્રોલીંગ કરવાની સૂચના પણ આપવામાં આવી હતી આ અંતર્ગત ઝોન ૧ના એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર જી બારોટ દ્વારા લોહાનગર, વિજય પ્લોટ, ટાગોર રોડ સહિતના વિસ્તારોમાં પેરા મિલેટ્રી ફોર્સના જવાનોને સાથે રાખીને ગઈકાલે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી જયારે બી ડીવીઝન પીઆઈ એસ એમ જાડેજા દ્વારા સ્ટાફ અને ફોર્સના જવાનોને સાથે રાખીને પોલીસ સ્ટેશન હેઠળના સંવેદનશીલ વિસ્તારો જેવા કે જુનો મોરબી રોડ, સેટેલાઈટ ચોક લાતી પ્લોટ, ચામડીયાપરા ખાટકીવાસ, ગાંધી સ્મૃતિ સોસાયટી, ભગવતીપરા, પેડક રોડ, સંતકબીર રોડ સહિતના વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી શહેરના અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પણ સ્થાનિક પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ યોજવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


