- તા. 7મી મેએ ઓરેન્જ એલર્ટની શકયતા
- 1517 મતદાન મથકોએ ફર્સ્ટ એઈડની કિટ, ORSના પેકેટ સહિત જરૂરી દવાઓ ઉપલબ્ધ રહેશે
- તાત્કાલીક સારવાર મળે તે માટે દરેક મથકોએ ફર્સ્ટ એઈડની કીટ ફાળવાઈ છે
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર હવે મતદાનના દિવસને ગણતરીના દિવસો બાકી છે. હાલમાં સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લા ગ્રામ્યમાં ખાસ કરીને રણ નિકટના વિસ્તાર ગરમીની દ્રષ્ટીએ સમગ્ર રાજયમાં અગ્ર હરોળમાં આવે છે. ત્યારે તા. 7મી મેના રોજ સમગ્ર રાજયમાં ઓરેન્જ એલર્ટની આગાહી હવામાન વિભાગે વ્યકત કરી છે. ત્યારે સુરેન્દ્રનગર આરોગ્ય વિભાગ પણ સજ્જ થયુ છે. મતદાનના દિવસે જિલ્લાના 1517 મતદાન મથકોએ ફર્સ્ટ એઈડની કીટ, ઓઆરએસના પેકેટ સહિતની જરૂરી દવાઓ ઉપલબ્ધ રહેશે.
સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર તા. 7મી મેના રોજ મતદાન થનાર છે. ત્યારે જિલ્લા ચૂંટણી વિભાગ મતદાનની તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યુ છે. બીજી તરફ હાલ જિલ્લામાં આકાશમાંથી આગનગોળા વરસી રહ્યા છે. ત્યારે તા. 7મી મેના રોજ પણ રાજયના હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે. જેના મુજબ તા. 7મી મેના રોજ 43 ડીગ્રી આસપાસ તાપમાન રહી શકે છે. ત્યારે મતદાનના દિવસે આકરી ગરમી અને હીટવેવની અસરને લઈને સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય વિભાગ સજ્જ બન્યો છે. આ અંગે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી અને નોડલ ઓફીસર ફોર હેલ્થ ડો. બી.જી.ગોહિલે જણાવ્યુ કે, સંભવીત હીટવેવની અસરને લઈને તા. 7મી મેના રોજ મતદાનના દિવસે જિલ્લાના 1517 મતદાન મથકોએ છાંયડો, પુરતા પ્રમાણમાં પીવાનું પાણી, જરૂરી દવાઓ સહિત પ્રાથમી વ્યવસ્થા ઉભી કરાઈ છે. મતદાન કરવા આવતા મતદારોને ગરમીની અસર કે અન્ય કોઈ મેડીકલ જરૂરિયાત જણાય તો તાત્કાલીક સારવાર મળે તે માટે દરેક મથકોએ ફર્સ્ટ એઈડની કીટ ફાળવાઈ છે. આ કીટમાં જરૂરી દવાઓ, પાટાઓ, ઓઆરએસના પાઉચ મતદાન દીઠ ફાળવાયા છે. બીજી તરફ ડીસ્પેચીંગ અને રીસીવીંગ સેન્ટરો પર આરોગ્ય વિભાગની ટીમ એમ્બ્યુલન્સ સાથે હાજર રહેશે. જેમાં પ્રાથમિક તપાસણી બાદ દર્દીને નજીકના પીએચસી કે સીએચસીમાં મોકલી અપાય તેવી વ્યવસ્થા છે.


