રાજકીય પક્ષો માટે સત્તાનું નવું સમીકરણ
લોકસભાની 26થી 39, વિધાનસભાની 182થી 273 બેઠકો થશે
નવા સીમાંકનથી ગુજરાતના શહેરી વિસ્તારોમાં 50થી 60 બેઠકો વધી શકે; 33 ટકા મહિલા અનામત લાગુ થતાં લોકસભાની 13 અને વિધાનસભાની 91 બેઠકો મહિલાઓ માટે અનામત રહેશે, જૂના રાજકીય સમીકરણો બદલાશે
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
કેન્દ્ર સરકાર દ્વારા નવા સીમાંકન અને મહિલા અનામત અધિનિયમ-૨૦૨૩ના અમલીકરણની દિશામાં કવાયત તેજ કરવામાં આવતાં ગુજરાતના રાજકીય નકશામાં ઐતિહાસિક ફેરફારો થવાની શક્યતા ઊભી થઈ છે. નવી સીમાંકન પ્રક્રિયા અમલી બને તો ગુજરાતમાં લોકસભાની હાલની ૨૬ બેઠકો વધીને ૩૯ થઈ શકે છે, જ્યારે વિધાનસભાની ૧૮૨ બેઠકોનો આંકડો વધીને ૨૭૩ સુધી પહોંચી શકે છે. એટલે કે લોકસભામાં ૧૩ અને વિધાનસભામાં ૯૧ બેઠકોનો વધારો થવાની સંભાવના છે. જોકે, આ આંકડા સંભવિત છે અને અંતિમ બેઠકો સીમાંકન પ્રક્રિયા બાદ નક્કી થશે.
સીમાંકનના કારણે માત્ર બેઠકોની સંખ્યા જ નહીં, પરંતુ રાજ્યના રાજકીય સમીકરણો પણ ધરમૂળથી બદલાઈ શકે છે. વર્ષોથી અસ્તિત્વમાં રહેલી કેટલીક બેઠકોનું નામ અને ભૌગોલિક માળખું બદલાઈ શકે છે, તો કેટલીક નવી બેઠકો અસ્તિત્વમાં આવશે. વર્તમાન બેઠકોમાં સમાવિષ્ટ ગામો, તાલુકાઓ અને શહેરી વિસ્તારોની હદમાં પણ ફેરફાર થવાની શક્યતા છે.
નવા માળખા હેઠળ ૩૩ ટકા મહિલા અનામતનો અમલ થાય તો લોકસભાની કુલ ૩૯ બેઠકોમાંથી ૧૩ અને વિધાનસભાની ૨૭૩ બેઠકોમાંથી ૯૧ બેઠકો મહિલાઓ માટે અનામત રહી શકે છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટેની અનામત બેઠકોની સંખ્યામાં પણ નવી વસતીના આંકડા અને સીમાંકનના માપદંડ પ્રમાણે ફેરફાર થઈ શકે છે. પરિણામે રાજ્યના રાજકારણમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ નોંધપાત્ર રીતે વધવાની સંભાવના છે.
આ સમગ્ર પ્રક્રિયામાં ગુજરાતનાં ચાર મુખ્ય મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સૌથી વધુ ચર્ચામાં રહેશે. રાજ્યમાં વર્ષ ૨૦૨૬ દરમિયાન નવા મહાનગરોની રચના થતાં મહાનગરપાલિકાઓની સંખ્યા વધીને ૧૭ થઈ છે. વધતા શહેરીકરણ અને વસતીને ધ્યાનમાં રાખીને શહેરી મતવિસ્તારોમાં ૫૦થી ૬૦ જેટલી નવી બેઠકો ઉમેરાઈ શકે તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે.
જિલ્લાવાર સંભવિત ગણતરી જોઈએ તો અમદાવાદ શહેર અને જિલ્લાની હાલની ૨૧ બેઠકો વધીને ૨૯થી ૩૦ થઈ શકે છે. સુરતની ૧૬ બેઠકો વધીને ૧૯થી ૨૦ થવાની શક્યતા છે. વડોદરા જિલ્લામાં પણ બેઠકોમાં વધારો થઈ શકે છે. બનાસકાંઠામાંથી વાવ-થરાદનો નવો જિલ્લો અલગ થતાં બંને વિસ્તારોની વસતી અને ભૌગોલિક સ્થિતિના આધારે ૮થી ૧૦ બેઠકોનું માળખું બની શકે છે.
ગુજરાતની રાજકીય અસર માત્ર લોકસભા અને વિધાનસભા પૂરતી સીમિત નહીં રહે. રાજ્યસભાની હાલની ૧૧ બેઠકોની સંખ્યામાં પણ ભવિષ્યમાં ફેરફારની શક્યતા અંગે ચર્ચા થઈ રહી છે, જોકે તેમાં વધારો આપોઆપ સીમાંકનથી થશે તેવું માની શકાય નહીં. તેની પ્રક્રિયા અલગ બંધારણીય અને કાયદાકીય જોગવાઈઓને આધીન રહેશે.
આ ફેરફારોને પગલે ભાજપ, કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષોએ પોતાની જૂની ચૂંટણી વ્યૂહરચનામાં મોટા ફેરફારો કરવા પડશે. જ્ઞાતિ-જાતિનાં સમીકરણો, શહેરી-ગ્રામીણ મતદારોનું પ્રમાણ, મહિલા ઉમેદવારોની પસંદગી અને સ્થાનિક નેતૃત્વ જેવા મુદ્દાઓ વધુ મહત્ત્વના બનશે. વર્ષોથી એક જ મતવિસ્તારમાં રાજકીય વર્ચસ્વ ધરાવતા નેતાઓ માટે પણ નવા મતવિસ્તારમાં પોતાની પકડ સાબિત કરવાનો પડકાર ઊભો થઈ શકે છે. આમ, સીમાંકન ગુજરાતના રાજકારણમાં નવા યુગની શરૂઆત કરાવી શકે છે.
વસતી વધી, બેઠકોનું માળખું જૂનું
ગુજરાતમાં છેલ્લાં પાંચ દાયકામાં વસતીમાં મોટો વધારો થયો છે. ૧૯૭૦ના દાયકામાં જે વસતીના આધારે વિધાનસભાની ૧૮૨ બેઠકોનું માળખું નક્કી થયું હતું, તેની સરખામણીએ આજે વસતી અનેકગણી વધી છે. મતદારોની સંખ્યા અને મતવિસ્તારની જવાબદારી વધી હોવા છતાં બેઠકોનું માળખું લાંબા સમયથી લગભગ યથાવત્ છે. સીમાંકનનો મુખ્ય હેતુ વસતીના પ્રમાણમાં પ્રતિનિધિત્વનું સંતુલન સ્થાપવાનો છે.
શહેરીકરણ વધ્યું, શહેરોને વધુ પ્રતિનિધિત્વની જરૂર
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં વસતીનો વ્યાપ ઝડપથી વધ્યો છે. આસપાસનાં ગામો પણ શહેરી વિસ્તારનો ભાગ બની રહ્યાં છે. પરિણામે એક જ ધારાસભ્ય કે સાંસદ માટે વિશાળ અને વધતી વસતીના પ્રશ્નોનું પ્રતિનિધિત્વ કરવું મુશ્કેલ બને છે. નવી બેઠકો ઊભી થવાથી શહેરી વિસ્તારોને વધુ રાજકીય પ્રતિનિધિત્વ મળી શકે છે.
મહિલા અનામતથી રાજકારણમાં નવી પેઢીનો પ્રવેશ
લોકસભા અને વિધાનસભામાં ૩૩ ટકા મહિલા અનામત લાગુ થતાં મહિલાઓને રાજકીય ક્ષેત્રે વધુ તક મળશે. સંભવિત માળખા પ્રમાણે ગુજરાતમાં લોકસભાની ૧૩ અને વિધાનસભાની ૯૧ બેઠકો મહિલાઓ માટે અનામત થઈ શકે છે. અત્યાર સુધી રાજકારણમાં પુરુષપ્રધાન ગણાતા અનેક વિસ્તારોમાં મહિલા નેતૃત્વ ઊભું થશે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મહિલાઓના અનુભવને રાજ્ય અને રાષ્ટ્રીય રાજકારણ સુધી લઈ જવાની તક પણ મળશે.
જૂનાં જ્ઞાતિ અને રાજકીય સમીકરણોનું ગણિત બદલાશે
નવી બેઠકોની રચના અને જૂની બેઠકોની હદ બદલાતાં જ્ઞાતિ આધારિત મતદારોનું પ્રમાણ પણ બદલાશે. એક બેઠકમાં પ્રભુત્વ ધરાવતી જ્ઞાતિ બીજી બેઠકમાં લઘુમતીમાં આવી શકે છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકોનું માળખું પણ બદલાઈ શકે છે. પરિણામે વર્ષોથી ચોક્કસ મતવિસ્તાર પર પકડ ધરાવતા નેતાઓ અને પક્ષોએ નવેસરથી રાજકીય ગણતરી કરવી પડશે.
રાજકીય પક્ષો માટે નવી તક અને મોટો પડકાર
બેઠકો વધવાનો અર્થ માત્ર વધુ ઉમેદવારોને તક મળવી એટલો જ નથી. દરેક પક્ષે નવા મતવિસ્તારોમાં સંગઠન ઊભું કરવું પડશે, નવા ચહેરાઓ શોધવા પડશે અને સ્થાનિક પ્રશ્નોના આધારે ચૂંટણી વ્યૂહરચના ઘડવી પડશે. જૂના મતવિસ્તારના બે ભાગ થાય તો વર્તમાન ધારાસભ્ય કે સાંસદની રાજકીય પકડનું પણ નવેસરથી મૂલ્યાંકન થશે. ભાજપ અને કોંગ્રેસ સહિતના પક્ષો માટે આ ફેરફાર રાજકીય તકની સાથે મોટો પડકાર પણ બની શકે છે.


