ઇન્સ્ટાગ્રામની મહિલા મિત્રના બ્લેકમેઇલિંગથી કંટાળી યુવકે ઝેર પીધું
આગાભી પીપળીયાના યુવકની રૂબરૂ મુલાકાત બાદ સાથેના ફોટાના આધારે બ્લેકમેઇલ કરતી હોવાનો આક્ષેપ
અગ્ર ગુજરાત, રાજકોટ
સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે કેળવાતી મિત્રતા ક્યારેક ભારે મુશ્કેલીનું કારણ બની શકે છે. આવો જ એક કિસ્સો વાંકાનેર તાલુકાના આગાભી પીપળીયા ગામે સામે આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ મારફતે અજાણી મહિલા સાથે થયેલી ઓળખાણ અને ત્યારબાદ રૂબરૂ મુલાકાત સુધી પહોંચેલી મિત્રતા અંતે બ્લેકમેઇલિંગમાં ફેરવાઈ હોવાનો યુવકે આક્ષેપ કર્યો છે. મહિલાની કથિત બ્લેકમેઇલિંગથી કંટાળીને 27 વર્ષીય યુવકે ઝેરી દવા પી લેતાં તેને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, આગાભી પીપળીયામાં રહેતો 27 વર્ષીય યુવક મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. આશરે એક મહિના પહેલાં ઇન્સ્ટાગ્રામ પર તેની એક અજાણી મહિલા સાથે ઓળખાણ થઈ હતી. ધીમે ધીમે બંને વચ્ચે મિત્રતા કેળવાઈ હતી અને ત્યારબાદ રૂબરૂ મુલાકાત પણ થઈ હતી. આ દરમિયાન બંનેએ સાથે ફોટા પણ પડાવ્યા હતા.
યુવકના જણાવ્યા મુજબ, શરૂઆતમાં સામાન્ય મિત્રતા ધરાવતી આ ઓળખાણ બાદમાં તેના માટે મુશ્કેલીરૂપ બની હતી. મહિલા તેને બ્લેકમેઇલ કરવા લાગી હોવાનો આક્ષેપ યુવકે કર્યો છે. આ પરિસ્થિતિથી માનસિક રીતે કંટાળીને ગત બપોરે પોતાના ઘરે જ તેણે ઝેરી દવા પી લીધી હતી. બનાવની જાણ થતાં યુવકને પ્રથમ વાંકાનેર ખાતે સારવાર માટે લઈ જવાયો હતો, જ્યાંથી વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. હાલ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બીજી તરફ, સમગ્ર બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.


