હોક્રસ-ફ્રી પોલીસનો આજ સાંજથી કડક અમલ શરૂ
લાખાજીરાજ રોડ સહિત 23 માર્ગો પર મનપા 6 ટીમો ઉતારી દબાણ હટાવવા કામગીરી કરશે: મંજૂરી વગરના પાથરણા, રેંકડી-કેબીન સહિતનો નડતરરૂપ માલ-સામાન જપ્ત કરશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજથી (25 નવેમ્બર) નવી હોકર્સ પોલિસીનો અમલ શરૂ કરાયો છે, જે અંતર્ગત શહેરનાં મુખ્ય 23 રાજમાર્ગોને દબાણ મુક્ત કરવાની ઝૂંબેશ સાંજથી શરૂ થશે. આ કામગીરી હેઠળ ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ સહિતનાં વિસ્તારોમાં દબાણ હટાવ વિભાગની ટીમો ઉતરશે, જેમાં ત્રણેય ઝોનમાં 2-2 સહિત કુલ 6 ટીમો દ્વારા રાજમાર્ગોને દબાણ મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરાશે. મુખ્ય રાજમાર્ગો પરથી રેંકડી-કેબીન, પાથરણું અને હંગામી સ્ટોલ સહિતના તમામ અસ્થાયી દબાણો દૂર કરી અનધિકૃત સામાન કાયમી ધોરણે જપ્ત કરી લેવાશે. મનપાના આયોજન મુજબ, એકાદ મહિનામાં તમામ 23 રસ્તાને સંપૂર્ણપણે દબાણ મુક્ત કરાશે.
આ ઝુંબેશ અંગે એન્ક્રોચમેન્ટ રિમૂવલ ઓફિસર કેપ્ટન બારીયાએ જણાવ્યું કે,જનરલ બોર્ડના ઠરાવ મુજબ મનપા વિસ્તારમાં આવતા મુખ્ય 23 રોડ કે ફૂટપાથ ઉપર કોઈપણ પ્રકારનું દબાણ કે ધંધાકીય પ્રવૃત્તિ ન થાય, ટ્રાફિક ઓછો થાય અને પગપાળા ચાલતા નાગરિકો માટે ફૂટપાથ ખુલ્લી મળે તે માટે છેલ્લા બે મહિનાથી દુકાનદારો, પાથરણાવાળા અને રેંકડી-કેબીનધારકોને ચેતવણી આપીને સમજાવવામાં આવ્યા હતા. આજે તેમને અપાયેલી મુદ્દત પૂરી થાય છે, ત્યારે આજથી જ દૈનિક ધોરણે ત્રણેય ઝોનમાં બબ્બે સંયુક્ત ટીમો ઉતારીને હોકર્સ-ફ્રી રોડ પર સતત ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
કેપ્ટન બારીયાએ વધુમાં સ્પષ્ટ ચેતવણી આપી કે, જો કોઈ વ્યક્તિ પ્રતિબંધિત વિસ્તારમાં રેંકડી-કેબીન કે અન્ય કોઈ અસ્થાયી દબાણ કરશે, તો તેમનો સામાન કાયમી ધોરણે જપ્ત કરવામાં આવશે અને તે પાછો આપવામાં કે છોડવામાં આવશે નહીં. ડ્રાઇવ દરમિયાન કેટલાક દબાણો જપ્ત કરાશે, જ્યારે કેટલાક લોકો સ્વેચ્છાએ જગ્યા ખાલી કરી દેશે. આ કામગીરી સતત ચાલુ રહેશે અને એકાદ મહિનાની અંદર જ તેના સ્પષ્ટ પરિણામો જોવા મળશે.
નવી હોકર્સ નીતિ અને વૈકલ્પિક પ્લોટની ફાળવણી મહાનગરપાલિકા દ્વારા બનાવાયેલી સર્વગ્રાહી નીતિ મુજબ, જાહેર કરાયેલા 23 હોકર્સ-ફ્રી માર્ગો પર કોઈપણ પ્રકારની અનધિકૃત ધંધાકીય પ્રવૃત્તિ પર સખત મનાઈ રહેશે. બીજી તરફ, હોકર્સ ઝોનમાં 80 ટકા જગ્યા શાકભાજી, ફ્રૂટ અને કટલેરીના ધંધાર્થીઓ માટે તથા 20 ટકા જગ્યા અન્ય ફેરિયાઓ માટે અનામત રાખવામાં આવી છે. જોકે, નવી નીતિ હેઠળ ગેરેજ, નવા ચા-પાનના ગલ્લા, તેમજ ઈંડા અને નોનવેજ માટે મંજૂરી આપવામાં આવશે નહીં.
ધંધાર્થીઓને આઈડી કાર્ડ અપાશે
ઉલ્લેખનીય છે કે, હાલ રોડ પર આવેલા કેટલાક હોકર્સ ઝોનને એક વર્ષમાં નજીકના પ્લોટમાં ખસેડવામાં આવશે. ફેરિયાઓને ઓળખકાર્ડ અપાશે, જેની ચકાસણી પદાધિકારીઓ કરી શકશે. ઉપરાંત, વિવિધ વિસ્તારોમાં ઊભા રહેતા રાઇડ્સ ધારકો અને ગેમ ઝોન માટે યોગ્ય સ્થળે હોકર્સ ઝોન બનાવવા વાંકાનેર સોસાયટી પાસે, યુનિવર્સિટી ગેટની બાજુમાં અને મોરબી રોડ જકાત નાકા પાસેના પ્લોટ પસંદ કરવામાં આવ્યા છે. જ્યારે અઠવાડિક બજારો માટે એડીબી હોટેલ સામે રેલનગર, ન્યારી ડેમ રોડ, મોરબી રોડ અને મવડીમાં કણકોટ બીજો રિંગ રોડ ખાતેના પ્લોટની પસંદગી કરવામાં આવી છે.


