સોનાની ચમક ઉતરી, 10 મહિનામાં રૂ.72 હજારનું ધોવાણ
1980 પછી સોનામાં સૌથી મોટો કડાકો ; ટોચથી સોનું 37 ટકા અને ચાંદી રૂ.2.75 લાખ પ્રતિ કિલો સસ્તી થઈ; 13 વર્ષના સૌથી નીચા ટેક્નિકલ સ્તરે પહોંચતાં બજારમાં ખળભળાટ
અગ્ર ગુજરાત, રાજકોટ
સોના અને ચાંદીના ભાવમાં આ વર્ષે જોવા મળેલી ઐતિહાસિક તેજી બાદ હવે બંને કિંમતી ધાતુઓમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરીમાં નવી ઊંચાઈ સર કરનાર સોનામાં છેલ્લા 10 મહિનાથી વધુ સમયગાળામાં તેની ટોચથી પ્રતિ 10 ગ્રામ આશરે રૂ.72,000નો કડાકો આવ્યો છે. બીજી તરફ, ચાંદીના વાયદામાં પણ પ્રતિ કિલોગ્રામ રૂ.2.75 લાખ જેટલું મોટું ધોવાણ થયું છે. 1980ના દાયકા બાદ સોનાના ભાવમાં આટલો મોટો ઘટાડો ભાગ્યે જ જોવા મળ્યો હોવાનું બજારના આંકડા દર્શાવે છે.
ધ કોબેઇસી લેટરના આંકડા અનુસાર, સોનું તેની 200 દિવસની મૂવિંગ એવરેજથી આશરે 20 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યું છે. જૂન 2013 પછીનો આ સૌથી મોટો ઘટાડો છે. ખાસ વાત એ છે કે જાન્યુઆરીમાં સોનું તેની 200 દિવસની મૂવિંગ એવરેજ કરતાં 45 ટકા ઉપર પહોંચી ગયું હતું, જે 1970 પછીનું સૌથી ઊંચું સ્તર હતું. જોકે, ત્યારબાદ વેચવાલીનું દબાણ વધતાં સોનું તેની ઐતિહાસિક ટોચથી અંદાજે 37 ટકા નીચે સરકી ગયું છે. ઐતિહાસિક રીતે જોઈએ તો 1980ના દાયકાની શરૂઆતમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો હતો. 1981માં સોનું તેની 200 દિવસની મૂવિંગ એવરેજથી 27 ટકા નીચે ગયું હતું. 2008ની વૈશ્વિક નાણાકીય કટોકટી દરમિયાન પણ સોનામાં 20 ટકાનો ઘટાડો નોંધાયો હતો. હાલની સ્થિતિ પણ સોનાના ઇતિહાસના સૌથી મોટા ઘટાડાઓમાં સ્થાન પામી રહી છે.
જોકે, સતત ઘટાડા બાદ બુધવારે એમસીએક્સ પર સોના અને ચાંદીના ભાવમાં થોડી રિકવરી જોવા મળી હતી. સોનું રૂ.1,790 વધીને રૂ.1,22,900 પ્રતિ 10 ગ્રામ થયું હતું, જ્યારે ચાંદી રૂ.4,211ના ઉછાળા સાથે રૂ.1,46,728 પ્રતિ કિલોગ્રામે પહોંચી હતી.
એલકેપી સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સી વિશ્લેષક જતીન ત્રિવેદીના જણાવ્યા મુજબ, સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં આશરે રૂ.1,500નો સુધારો થઈ રૂ.1,23,800ની આસપાસ પહોંચ્યા હતા, પરંતુ ઊંચા સ્તરે હજુ પણ વેચવાલીનું દબાણ છે. હવે બજારની આગામી ચાલ ડિસેમ્બરમાં યોજાનારી અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠક અને અમેરિકાના મહત્ત્વના આર્થિક આંકડાઓ પર નિર્ભર રહેશે. વ્યાજદર અંગેના સંકેતો અને ડોલરની ચાલ સોના-ચાંદીના ભાવને નવી દિશા આપી શકે છે. તકનીકી રીતે સોનામાં રૂ.1,21,000ની સપાટી મહત્ત્વના સપોર્ટ તરીકે જોવામાં આવી રહી છે, જ્યારે રૂ.1,24,000ની સપાટી પ્રતિકારક સ્તર છે. આગામી દિવસોમાં આ બે સ્તર વચ્ચેની હિલચાલ બજારની દિશા નક્કી કરવામાં મહત્ત્વની બની શકે છે.
સોનામાં રૂ.72 હજારનું ધોવાણ
* જાન્યુઆરીની ટોચથી 10 મહિનામાં મોટો ઘટાડો.
* પ્રતિ 10 ગ્રામ આશરે રૂ.72,000નો કડાકો.
* સોનું ટોચથી 37 ટકા નીચે.
* જૂન 2013 પછીનો સૌથી મોટો ટેક્નિકલ ઘટાડો.
ચાંદી પણ રૂ.2.75 લાખ તૂટી
* ચાંદીના વાયદામાં પ્રતિ કિલોગ્રામ રૂ.2.75 લાખનું ધોવાણ.
* બુધવારે રૂ.4,211નો સુધારો.
* એમસીએક્સ પર ભાવ રૂ.1,46,728 પ્રતિ કિલોગ્રામ.
* ભારે ઘટાડા બાદ બજારમાં રિકવરીના સંકેત.
1970 પછી જાન્યુઆરીમાં ઐતિહાસિક તેજી
* જાન્યુઆરીમાં સોનું 200 દિવસની સરેરાશથી 45 ટકા ઉપર.
* 1970 પછીનું સૌથી ઊંચું અંતર.
* ત્યારબાદ વેચવાલીનું દબાણ વધ્યું.
* હવે 200 દિવસની સરેરાશથી 20 ટકા નીચે ભાવ.
હવે આ બે સપાટી પર બજારની નજર
* રૂ.1,21,000 પ્રતિ 10 ગ્રામ.
* રૂ.1,24,000 પ્રતિ 10 ગ્રામ.
* ડિસેમ્બરની અમેરિકી ફેડ બેઠક મહત્ત્વની.
* ડોલરની ચાલ અને વ્યાજદરના સંકેતો ભાવને અસર કરશે.


